મેઘના ગુલઝારની 'દાયરા'ના મ્યુઝિક લોન્ચમાં કરીના કપૂર ખાનનો સનસનાટીભર્યો ખુલાસો: ગુલઝાર સાબ સાથે સ્ટેજ શેર કરતાં ધ્રૂજી રહ્યા હતા પગ!
દિગ્ગજ ગીતકાર ગુલઝાર, પુત્રી મેઘના ગુલઝાર અને પૃથ્વીરાજ સુકુમારનની હાજરીમાં લોન્ચ થયું 'સચ કા દાયરા' ગીત; બોલીવુડ બેબોએ કહ્યું- "દિગ્દર્શકની કડક શિસ્ત આગળ મારી જાણીતી અદાઓ પણ ન ચાલી."

મુંબઈ : બોલીવુડની 'હાવભાવની રાણી' ગણાતી કરીના કપૂર ખાને પોતાની ૨૬ વર્ષની લાંબી અને સફળ ફિલ્મી કારકિર્દીમાં અનેક સુપરહિત ફિલ્મો આપી છે, પરંતુ તાજેતરમાં મુંબઈની એક ફાઈવ-સ્ટાર હોટેલમાં યોજાયેલા તેની આગામી ફિલ્મ 'દાયરા' (Daayra) ના મ્યુઝિક લોન્ચ કાર્યક્રમમાં તેણે એક ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. મહાન ગીતકાર ગુલઝાર સાબ સાથે મંચ શેર કરતી વખતે પોતે અત્યંત ગભરાયેલી હતી તે વાત સ્વીકારતા કરીનાએ કહ્યું કે, ગુલઝાર સાબ જેવા મહાન કલાકાર સાથે એક જ મંચ પર હોવું એ કોઈપણ કલાકાર માટે ડ્રીમ મોમેન્ટ છે. તેમની પુત્રી મેઘના ગુલઝાર સાથે કામ કરીને પોતાના જીવનનું એક મહત્વનું વર્તુળ પૂરું થયું છે.
આ ભવ્ય કાર્યક્રમમાં ફિલ્મનું શીર્ષક ગીત 'સચ કા દાયરા' લોન્ચ કરવામાં આવ્યું હતું, જેને ગુલઝાર સાબે લખ્યું છે, અમિત ત્રિવેદીએ સંગીતબદ્ધ કર્યું છે અને બી પ્રાકે ગાયું છે. કાર્યક્રમ દરમિયાન કરીનાએ પોતાની અને દિગ્દર્શક મેઘના ગુલઝાર વચ્ચેના કામના અનુભવ અંગે મન મૂકીને વાત કરી હતી. કરીનાએ રમૂજ સાથે જણાવ્યું કે મેઘના સેટ પર અત્યંત કડક અને શિસ્તબદ્ધ છે. ફિલ્મમાં 'અજુની' નામના સંયમિત પોલીસ અધિકારીનું પાત્ર ભજવતી વખતે ટેબલ પાછળ બેસીને પૂછપરછ કરતી વેળાએ તેની પરંપરાગત બોલીવુડી અદાઓ કે હાવભાવ બતાવવાની મનાઈ હતી, જેના કારણે કેમેરા સામે તેના પગ સતત ધ્રૂજતા હતા.
બીજી તરફ, ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહેલા દક્ષિણ ભારતીય સુપરસ્ટાર પૃથ્વીરાજ સુકુમારને પણ પોતાના પાત્ર અને અનુભવ વિશે રસપ્રદ વાતો શેર કરી હતી. આ ફિલ્મ વાસ્તવિકતા અને કડવી સચ્ચાઈઓ પર આધારિત હોવાથી તેમાં કોઈ પરંપરાગત ધીમી ગતિના (સ્લો-મોશન) દ્રશ્યો રાખવામાં આવ્યા નથી. મહાન ગીતકાર ગુલઝારે પણ ફિલ્મનો પહેલો કટ જોઈને પોતે અત્યંત ભાવુક થઈ ગયા હોવાનું સ્વીકાર્યું હતું. ૧૮ સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ પ્રક્ષકો સામે સમાજના કેટલાક ગંભીર પ્રશ્નો અને વાસ્તવિકતાઓ રજૂ કરશે. ૨૧ સપ્ટેમ્બરે પોતાના જન્મદિવસ નિમિત્તે કરીનાએ ચાહકો પાસે આ ફિલ્મને સફળ બનાવવાની આશા વ્યક્ત કરી છે.
