સિનેમાજગતમાં મોટો ધમાકો: ગણેશ ચતુર્થીના પવિત્ર પર્વે 'રામાયણ'માંથી સામે આવી 'સિયા-રામ'ની પહેલી મનોહર ઝલક; એ.આર. રહેમાન-અરિજિત સિંહનું પ્રથમ ભક્તિમય ગીત 'જય જય રામ' રિલીઝ
રણબીર કપૂર અને સાઈ પલ્લવીના નવા અવતારે સોશિયલ મીડિયા પર મચાવી ધૂમ; ઓસ્કાર વિજેતા હંસ ઝિમર અને રહેમાનના સંગીતે વધાર્યો ચાહકોનો રોમાંચ

ચંડીગઢ : નિતેશ તિવારીના નિર્દેશનમાં બની રહેલી બોલિવૂડની સૌથી મોસ્ટ અવેટેડ અને ભવ્ય ફિલ્મ 'રામાયણ' ને લઈને ચાહકોની ઉત્સુકતા હવે ચરમસીમાએ પહોંચી ગઈ છે. ગણેશ ચતુર્થીના પવિત્ર તહેવાર નિમિત્તે ફિલ્મમેકર્સે ચાહકોને ડબલ સરપ્રાઈઝ આપતા ફિલ્મનું નવું પોસ્ટર અને પ્રથમ ગીત જાહરે કર્યું છે. મ્યુઝિક લેબલ ટી-સીરીઝ દ્વારા શેર કરવામાં આવેલા આ નવા પોસ્ટરમાં રણબીર કપૂર ભગવાન શ્રી રામ તરીકે અને સાઈ પલ્લવી માતા સીતાના 'સિયા-રામ' રૂપે અત્યંત દિવ્ય અવતારમાં જોવા મળી રહ્યા છે, જેને સોશિયલ મીડિયા પર ભારે પ્રતિસાદ મળી રહ્યો છે.
ગીતની સાથે રિલીઝ થયેલા ટ્રેલરની નવી ઝલકમાં રામ-સીતાના વિવાહ, કૈકેયીના વચન અને ૧૪ વર્ષના વનવાસના દ્રશ્યો બતાવવામાં આવ્યા છે. આ મલ્ટીસ્ટેરર ફિલ્મમાં કેજીએફ ફેમ યશ રાવણના શક્તિશાળી પાત્રમાં, સની દેઓલ ભગવાન હનુમાન અને રવિ દુબે લક્ષ્મણની ભૂમિકામાં નજરે પડશે. આ ફિલ્મનું સંગીત વિશ્વપ્રસિદ્ધ હોલિવૂડ કંપોઝર હંસ ઝિમર અને ભારતના ઓસ્કાર વિજેતા સંગીતકાર એ.આર. રહેમાને ભેગા મળીને તૈયાર કર્યું છે.
અરિજિત અને શ્રેયાના અવાજમાં ગૂંજ્યું 'જય જય રામ'
ફિલ્મનું પ્રથમ સત્તાવાર ગીત "જય જય રામ" પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર લોન્ચ કરી દેવાયું છે. કુમાર વિશ્વાસ દ્વારા લખાયેલા આ ભક્તિમય અને સિનેમેટિક ગીતને દેશના દિલધડક ગાયક અરિજિત સિંહ અને શ્રેયા ઘોષાલના સુમધુર અવાજમાં સજાવવામાં આવ્યું છે. સંગીતકાર એ.આર. રહેમાને જણાવ્યું હતું કે આ ગીત પાછળનો મુખ્ય હેતુ ભગવાન રામ પ્રત્યેની પ્રાથમિક શુદ્ધતા, ભક્તિ અને આત્મીયતા જાળવી રાખવાનો છે.
ઉલ્લેખનીય છે કે બે ભાગમાં બનનારી આ મહાકાવ્ય આધારિત ફિલ્મ 'રામાયણ: ભાગ ૧' ૨૦૨૬ ની દિવાળી પર સિનેમાઘરોમાં ધમાકેદાર એન્ટ્રી કરશે, જ્યારે તેનો બીજો ભાગ 'રામાયણ: ભાગ ૨' ૨૦૨૭ ની દિવાળી પર રિલીઝ કરવાનું આયોજન છે.
