સેટ પર બોલચાલ બંધ, છતાં સ્ક્રીન પર સળગી ઉઠી રોમાન્સની જ્વાળા! 'એક દુજે કે લિયે'ના શૂટિંગ દરમિયાન કમલ હાસન અને રતિ અગ્નિહોત્રી વચ્ચે કેમ થયો હતો મોટો ઝઘડો?
અંગત જીવન પર ટિપ્પણી કરવાથી નારાજ કમલ હાસને સમગ્ર શૂટિંગ દરમિયાન રતિ સાથે ન કરી એક પણ વાત; કલ્ટ ક્લાસિક ફિલ્મ માટે પદ્મિની કોલ્હાપુરે હતી પહેલી પસંદ

મુંબઈ, તા.૧૫: બોલિવૂડ અને સાઉથ સિનેમાના મહાન અભિનેતા કમલ હાસન અને ખુબસૂરત અદાકારા રતિ અગ્નિહોત્રીએ ૮૦ના દાયકામાં હિન્દી સિનેમામાં સાથે પ્રવેશ કરીને ઈતિહાસ રચ્યો હતો. વર્ષ ૧૯૮૧માં રિલીઝ થયેલી ૨ કલાક અને ૪૭ મિનિટની કલ્ટ રોમેન્ટિક ફિલ્મ 'એક દુજે કે લિયે' એ સફળતાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. પરંતુ આ સુપરહિત ફિલ્મ સાથે જોડાયેલો એક એવો ચોંકાવનારો કિસ્સો આજે પણ ચર્ચામાં છે, જેના વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. ફિલ્મમાં જે કલાકારોની ઓનસ્ક્રીન કેમેસ્ટ્રી જોઈને પ્રેક્ષકો આફરીન પોકારી ગયા હતા, તેઓ વાસ્તવિક જીવનમાં સમગ્ર શૂટિંગ દરમિયાન એકબીજા સાથે વાત પણ કરતા નહોતા.
અહેવાલો અને IMDb રિપોર્ટ અનુસાર, એક જૂના ઇન્ટરવ્યુ દરમિયાન રતિ અગ્નિહોત્રીએ કમલ હાસનના અંગત જીવન અને બેડરૂમ સીક્રેટ્સ પર કેટલીક ટિપ્પણી કરી દીધી હતી. આ ટિપ્પણીથી કમલ હાસન ભારે નારાજ થઈ ગયા હતા અને સેટ પર તેમની વચ્ચે મોટો અણબનાવ સર્જાયો હતો. આ ગેરસમજ અને ગુસ્સાના કારણે ૨ કલાક ૪૭ મિનિટની આ આખી ફિલ્મનું શૂટિંગ પૂરું થઈ ગયું છતાં બંને કલાકારોએ એકબીજા સાથે એક પણ શબ્દ ન બોલ્યો. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રેકોર્ડબ્રેક કમાણી કરીને બ્લોકબસ્ટર સાબિત થઈ હોવા છતાં, કમલ અને રતિએ આ વિવાદ બાદ ક્યારેય ફરી સાથે કામ ન કર્યું.
આ સિવાય ફિલ્મથી જોડાયેલી બીજી પણ એક રસપ્રદ હકીકત એ છે કે નિર્દેશક કે. બાલાચંદરની 'સપના'ના પાત્ર માટે રતિ અગ્નિહોત્રી પહેલી પસંદગી નહોતા. આ ભૂમિકા પહેલા પ્રખ્યાત અભિનેત્રી પદ્મિની કોલ્હાપુરેને ઓફર કરવામાં આવી હતી. જોકે, તે સમયે પદ્મિની ફિલ્મ નિર્માતા નાસિર હુસૈનની ઘણી ફિલ્મોમાં વ્યસ્ત હોવાથી તેમની પાસે તારીખો ઉપલબ્ધ નહોતી. પદ્મિનીએ ફિલ્મ છોડ્યા બાદ રતિ અગ્નિહોત્રીને આ રોલ મળ્યો અને આ ફિલ્મે તેમને બોલિવૂડમાં રાતોરાત સુપરસ્ટાર બનાવી દીધા.
