<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 16th September 2026

અભિનેત્રી મંદાકિનીએ વર્ષો બાદ તોડ્યું મૌન: શારજાહ સ્ટેડિયમમાં દાઉદ ઈબ્રાહિમ સાથે વાયરલ થયેલી તસવીર પાછળનું ખોલ્યું અસલી રહસ્ય!

'મને દાઉદે નથી બોલાવી, હું તો માત્ર શો અને ક્રિકેટ મેચ જોવા દુબઈ ગઈ હતી': અંડરવર્લ્ડ સાથેના વિવાદે મારી ફિલ્મી કારકિર્દી બરબાદ કરી નાખી હોવાનો દર્દભર્યો ખુલાસો

મુંબઈ : બોલીવુડના ઈતિહાસમાં સૌથી મોટા વિવાદોમાં ગણાતા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ સાથેના ફોટોગ્રાફ મામલે પીઢ અભિનેત્રી મંદાકિનીએ લાંબા સમય બાદ ખુલીને વાત કરી છે. રાજ કપૂરની બ્લોકબસ્ટર ફિલ્મ 'રામ તેરી ગંગા મૈલી'થી રાતોરાત સ્ટાર બનેલી અભિનેત્રી મંદાકિનીનો શારજાહ સ્ટેડિયમમાં દાઉદ સાથેનો ફોટો વાયરલ થયા બાદ તેમની કારકિર્દી પર ગ્રહણ લાગી ગયું હતું. એક તાજેતરની મુલાકાતમાં મંદાકિનીએ સ્પષ્ટ કર્યું છે કે તે તસવીર કોઈ પૂર્વ-આયોજિત બેઠક નહોતી.

 

'હું કોઈના આમંત્રણ પર નહીં, એક શો માટે ગઈ હતી'

 

એજન્સીને આપેલી ખાસ મુલાકાતમાં મંદાકિનીએ જણાવ્યું કે, "લોકો જે કંઈ લખવા કે કહેવા માંગતા હોય, તેના પર અમારું કોઈ નિયંત્રણ હોતું નથી. એક કલાકાર તરીકે આપણે હજારો લોકોને મળતા હોઈએ છીએ અને અમારા માટે દરેક વ્યક્તિ સમાન હોય છે. તે સમયે ત્યાં ઘણા બધા લોકો હાજર હતા, ત્યારે કોને ઓળખવા અને કોને નહીં તેની ખબર નહોતી રહેતી. હું દુબઈમાં એક સ્ટેજ શો માટે ગઈ હતી અને ત્યાંથી ક્રિકેટ મેચ જોવા સ્ટેડિયમ પહોંચી હતી. મને દાઉદ ઈબ્રાહિમ દ્વારા કોઈ આમંત્રણ આપવામાં આવ્યું નહોતું અને તે સમયે મને આખી સ્થિતિનો અંદાજ પણ નહોતો."

 

વિવાદે મારી ફિલ્મી કરિયરને મોટું નુકસાન પહોંચાડ્યું

 

આ વિવાદના કારણે પોતાની કારકિર્દી પર પડેલી વિપરીત અસર વિશે વાત કરતા અભિનેત્રીએ કહ્યું કે તે ફોટોગ્રાફ વાયરલ થયા બાદ તેમની ફિલ્મી સફરને ભારે નુકસાન સહન કરવું પડ્યું હતું. તે સમયે તેમની પાસે પોતાની છબી સંભાળવા કે અફવાઓનું ખંડન કરવા માટે કોઈ પ્રોફેશનલ ટીમ પણ નહોતી. જોકે, તેમણે દરેક જગ્યાએ આ અફવાઓનું ખંડન કરવાનો પ્રયાસ કર્યો હતો.

 

ઉલ્લેખનીય છે કે, ૧૯૮૦ના દાયકામાં પોતાની સુંદરતા અને શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતનારી મંદાકિનીએ પોતાના કરિયરમાં ૭૫ થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું અને અનિલ કપૂર, મિથુન ચક્રવર્તી તથા ગોવિંદા જેવા દિગ્ગજ કલાકારો સાથે સ્ક્રીન શેર કરી હતી, પરંતુ શારજાહની એ એક જ તસવીરે તેમની સફળ કારકિર્દીની દિશા બદલી નાખી હતી.

(6:44 PM IST)