'બોડી શેમિંગ' પર કેટરિના કૈફનો ટ્રોલર્સને કડક જવાબ: માતા બન્યા પછી સુંદરતાની વ્યાખ્યા બદલાઈ ગઈ, અંદરથી હેલ્ધી રહેવું સૌથી મહત્વનું
પુત્ર વિહાનના જન્મ બાદ વધેલા વજન બદલ ટ્રોલ થતાં કેટરિનાએ આપ્યો સણસણતો જવાબ; મોડેલિંગ દિવસોના બ્યુટી સ્ટીરિયોટાઈપ્સને ફગાવી ફિટનેસ-મેન્ટલ હેલ્થ પર ભાર મૂક્યો

મુંબઈ, તા.૧૮: બોલિવૂડની ટોચની અભિનેત્રી કેટરિના કૈફ છેલ્લા કેટલાક સમયથી સોશિયલ મીડિયા પર 'બોડી શેમિંગ' અને ટ્રોલિંગનો સામનો કરી રહી હતી. નવેમ્બર ૨૦૨૫ માં પુત્ર વિહાનના જન્મ બાદ તાજેતરમાં અંબાણી પરિવારના ગણેશોત્સવ દરમિયાન પહેલીવાર જાહેર મંચ પર જોવા મળેલી કેટરિનાના વધેલા વજન અને બદલાયેલા લૂકને લઈને કેટલાક ટ્રોલર્સે તેની જૂની અને નવી તસવીરોની સરખામણી કરી નકારાત્મક ટિપ્પણીઓ કરી હતી. હવે આ મામલે મૌન તોડીને કેટરિના કૈફે ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે અને સ્ત્રી શરીર તથા સુંદરતા વિશે એક આત્મવિશ્વાસપૂર્ણ સંદેશ આપ્યો છે.
એક મીડિયા મુલાકાતમાં પોતાની ભાવનાઓ અને અનુભવો શેર કરતાં કેટરિનાએ જણાવ્યું હતું કે, માતૃત્વ ધારણ કર્યા પછી તેની સ્કિન અત્યંત સેન્સિટિવ થઈ ગઈ હતી અને શરીરમાં ઘણા કુદરતી ફેરફારો આવ્યા હતા. પોતાની કરિયરના શરૂઆતના દિવસોને યાદ કરતાં તેણે ઉમેર્યું કે, "જ્યારે મેં મોડેલિંગ અને એક્ટિંગની શરૂઆત કરી ત્યારે સુંદરતાના કેટલાક ચોક્કસ અને સંકુચિત સ્ટીરિયોટાઈપ્સ (પરંપરાગત માપદંડો) હતા. પરંતુ હવે મારા માટે બ્યુટીફૂલ દેખાવાનો અર્થ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. હવે માત્ર બહારથી સારા દેખાવવા કરતાં અંદરથી બેસ્ટ અને હેલ્ધી ફીલ કરવું તથા પોતાની સંભાળ રાખવી તે જ સાચી સુંદરતા છે."
કેટરિનાએ વધુમાં સ્પષ્ટ કર્યું કે, પ્રેગ્નન્સી પછી શરીર અને મન બંનેને એક્ટિવ રાખવા ખૂબ જરૂરી છે. સવારે ઉઠીને એક કલાક ફોનથી દૂર રહેવું, મેડિટેશન કરવું, નેચરલ ડાયેટ લેવું અને શરીરમાં થતા ફેરફારોને સહજતાથી સ્વીકારવા – આ તમામ ટેવોએ તેને માનસિક અને શારીરિક રીતે મજબૂત બનાવી છે. તેણે ભારપૂર્વક કહ્યું કે જ્યારે તમે અંદરથી સ્વસ્થ અનુભવો છો, ત્યારે આત્મવિશ્વાસ આપોઆપ ચહેરા પર ઝળકી ઊઠે છે. કેટરિનાના આ વલણ સમર્થનમાં અલી ઝફર અને સોનાલિકા ભદૌરિયા જેવા અનેક કલાકારો તથા ચાહકો પણ મેદાનમાં આવ્યા છે.
