‘૧૨મી ફેલ’ ફેમ મેધા શંકર બની જશે સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈનાની દુલ્હન? ડિસેમ્બરમાં લગ્નની વાયરલ પોસ્ટે ઇન્ટરનેટ પર મચાવ્યો ખળભળાટ!
રેડિટની એક રહસ્યમય પોસ્ટે ડેટિંગની અફવાઓને આપી નવી હવા: સ્વિટ્ઝર્લેન્ડમાં સાથે વેકેશન માણતા હોવાના દાવા વચ્ચે સમય રૈનાએ મૌન જાળવ્યું

મુંબઈ : મનોરંજન જગતમાં હાલ એક નવી ચર્ચાએ જોર પકડ્યું છે. ફેમસ સ્ટેન્ડ-અપ કોમેડિયન સમય રૈના અને ફિલ્મ ‘૧૨મી ફેલ’થી મશહૂર થયેલી અભિનેત્રી મેધા શંકર વચ્ચે ડેટિંગની અફવાઓ લાંબા સમયથી ચાલી રહી હતી. પરંતુ હવે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ રેડિટ (Reddit) પર વાયરલ થયેલી એક ચોંકાવનારી પોસ્ટે દાવો કર્યો છે કે આ ચર્ચિત જોડી આગામી ડિસેમ્બર મહિનામાં લગ્નગ્રંથિથી જોડાઈ શકે છે.
વાયરલ થયેલી પોસ્ટમાં એક યુઝરે સમય રૈનાના પરિવારની નજીક હોવાનો દાવો કરતા લખ્યું હતું કે, "હું સમયની માતાના સંપર્કમાં છું અને સમય શક્ય તેટલી વહેલી તકે મેધા સાથે લગ્ન કરવા માંગે છે. બંને ડિસેમ્બરમાં લગ્ન કરવાનું આયોજન કરી રહ્યા છે." હાલમાં સમય રૈના સ્વિટ્ઝર્લેન્ડમાં રજાઓ માણી રહ્યો છે અને સોશિયલ મીડિયા ફેન્સનો દાવો છે કે મેધા શંકર પણ તેની સાથે જ આ વેકેશનમાં સામેલ છે. જોકે, આ લગ્નના સમાચાર અંગે બંનેમાંથી કોઈએ હજુ સુધી સત્તાવાર પુષ્ટિ કરી નથી.
બીજી તરફ, ‘ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ’ શો દરમિયાન સમય રૈનાનું નામ કોમેડિયન શેરોન વર્મા સાથે પણ જોડવામાં આવ્યું હતું. પરંતુ સમયે સોશિયલ મીડિયા પર સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તે શેરોનને ડેટ કરી રહ્યો નથી. મેધા શંકર તાજેતરમાં જ સમયના પોપ્યુલર શો 'ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટ'માં ગેસ્ટ તરીકે જોવા મળી હતી, જેના પછી બંને વચ્ચેના અફેરની ચર્ચાએ વધુ જોર પકડ્યું હતું.
