"૩૦૦ કરોડ કમાયા બાદ OTT પર આવશે 'હનુમાન અંશ'": ૧૦૦ કરોડની ડીલની અફવાઓ વચ્ચે પ્રોડ્યુસરે તોડ્યું મૌન, ફેન્સ માટે આપી મોટી અપડેટ
માત્ર ૨ કરોડના બજેટમાં બનેલી નીમ કરોલી બાબાની બાયોપિકે બોક્સ ઓફિસ ધમરોળ્યું: નિર્માતા રાગિણી સોનાએ ડિજિટલ રિલીઝ અને ૧૦૦ કરોડના સોદાનું સત્ય જાહેર કર્યું.

નવી દિલ્હી : મોટા બજેટની ફિલ્મોની નિષ્ફળતા વચ્ચે થિયેટરોમાં ધૂમ મચાવી રહેલી સુપરહિત ફિલ્મ 'હનુમાન અંશ' હવે પોતાની OTT રિલીઝને લઈને ભારે ચર્ચામાં છે. માત્ર ૨ કરોડ રૂપિયાના સામાન્ય બજેટમાં બનેલી આ ફિલ્મે બોક્સ ઓફિસ પર ૩૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનું રેકોર્ડબ્રેક કલેક્શન કરીને ઈતિહાસ રચી દીધો છે. થિયેટરોમાં ૪૮ દિવસ સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ હવે ચાહકો આતુરતાથી તેની ડિજિટલ રિલીઝની રાહ જોઈ રહ્યા છે.
ફિલ્મની ઓટીટી રિલીઝ અને ૧૦૦ કરોડ રૂપિયાની મોટી ડીલ અંગે વધી રહેલી અફવાઓ પર આખરે પ્રોડ્યુસર રાગિણી સોનાએ મૌન તોડ્યું છે. ૧૦૦ કરોડની ઓફર અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું કે, તેમને અવનવી ઓફર્સ મળી રહી છે પરંતુ હજુ સુધી ૧૦૦ કરોડ રૂપિયાની કોઈ સત્તાવાર ડીલ થઈ નથી. તેમણે કહ્યું કે, "અમે ખૂબ જ ટૂંક સમયમાં OTT ડીલની સત્તાવાર જાહેરાત કરીશું, પરંતુ તેમાં થોડો સમય લાગશે."
ફિલ્મના અનુભવ વિશે વાત કરતા રાગિણી સોનાએ જણાવ્યું કે, "આ એક એવી ખાસ ફિલ્મ છે જેનો વાસ્તવિક અને અનોખો અનુભવ માત્ર સિનેમાઘરોના મોટા પડદા પર જ મળી શકે છે. OTT પર ઘરે બેસીને મુવી જોતી વખતે અનેક વિક્ષેપો આવે છે, જ્યારે થિયેટરમાં પ્રેક્ષકો એકાગ્ર થઈને સ્ક્રીન પરથી નજર હટાવી શકતા નથી."
ઉલ્લેખનીય છે કે 'હનુમાન અંશ' ફિલ્મની વાર્તા મહાન સંત નીમ કરોલી બાબાના ચમત્કારી જીવન અને આધ્યાત્મિક યાત્રા પર આધારિત છે. આ ફિલ્મનું લેખન, નિર્દેશન અને નિર્માણ વિશાલ ચતુર્વેદીએ તેમના બેનર 'સ્વયંભૂ મીડિયા નેટવર્ક' હેઠળ કર્યું છે. આ વાર્તા તેમના જાણીતા પુસ્તક "દિવ્ય યાત્રા: ધ વન હુ ચેન્જ્ડ માય લાઇફ" પરથી લેવામાં આવી છે.
