સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયાની 'ધ વાન' બોક્સ ઓફિસ પર નિષ્ફળ: છઠી મૈયાની ભક્તિ અને જંગલના અલૌકિક રહસ્ય વચ્ચે ગૂંચવાઈ વાર્તા!
'પંચાયત' ફેમ ડિરેક્ટર દીપક કુમાર મિશ્રાનું દિગ્દર્શન નબળું નિકળ્યું; થિયેટરમાં રિલીઝ થયેલી ભવ્ય કાલ્પનિક થ્રિલર ફિલ્મ ટીવીની 'ડેઈલી સોપ' જેવી લાગી

નવી દિલ્હી, તા.૨૫: અમારી દાદી-નાનીઓ બાળપણમાં એક એવી દેવી વિશે વાર્તાઓ કહેતી હતી જે સહુનું રક્ષણ કરતી હતી, પરંતુ તેની સાથે જંગલમાં એક રાક્ષસી શક્તિનો વાસ પણ હતો. લોકકથાઓ અને પૌરાણિક માન્યતાઓના આ જ રસપ્રદ ખ્યાલ પર આધારિત ફિલ્મ 'ધ વાન: ફોર્સ ઓફ ધ ફોરેસ્ટ' (The Vaan) આ અઠવાડિયે સિનેમાઘરોમાં રિલીઝ થઈ ગઈ છે. સિદ્ધાર્થ મલ્હોત્રા અને તમન્ના ભાટિયા જેવા દિગ્ગજ કલાકારોને લઈને બનેલી આ ફિલ્મથી દર્શકોને મોટી અપેક્ષાઓ હતી, પરંતુ કમનસીબે નબળી સ્ક્રિપ્ટ અને ગૂંચવાયેલા દિગ્દર્શનને કારણે ફિલ્મ પ્રેક્ષકોને આકર્ષવામાં નિષ્ફળ રહી છે.
'પંચાયત' જેવી લોકપ્રિય વેબ સિરીઝ બનાવનાર ડિરેક્ટર દીપક કુમાર મિશ્રાએ આ ફિલ્મનું સંચાલન કર્યું છે. ફિલ્મની વાર્તા મુંબઈમાં રહેતા ઋષિ (સિદ્ધાર્થ મલ્હોત્રા) અને તેની પત્ની મમતા (તમન્ના ભાટિયા)ની આસપાસ ફરે છે. જમીનના વિવાદ અને છઠ પૂજાની ઉજવણી માટે તેઓ પોતાના ગામ 'દેવાંચલ' પાછા ફરે છે. ગામ પાસે આવેલા રહસ્યમય જંગલ અને વન દેવીનો એવો ખોફ હોય છે કે રાત્રે ત્યાં જનાર કોઈ વ્યક્તિ ક્યારેય પાછી આવતી નથી. અંધશ્રદ્ધા, ગામનો વિકાસ, છઠી મૈયા પ્રત્યેની શ્રદ્ધા અને વન દેવીના રહસ્યોને એકસાથે ભેળવવાનો પ્રયાસ કરાયો છે, પણ આ મિશ્રણ એટલું અસ્પષ્ટ બની ગયું છે કે ફિલ્મ ઘણી જગ્યાએ એકતા કપૂરની ટીવી સિરિયલ જેવી લાગવા માંડે છે.
કલાકારોનો અભિનેય અને તકનીકી પાસાં
અભિનયની વાત કરીએ તો સિદ્ધાર્થ મલ્હોત્રા શહેરી છોકરાના રોલમાં ઠીકઠાક લાગે છે, પરંતુ ગામડાના વાતાવરણમાં અને ભાવનાત્મક દ્રશ્યોમાં તેની પકડ થોડી નબળી દેખાય છે. તમન્ના ભાટિયા પાસે છઠ પૂજાના વ્રત કરવા સિવાય મોટો કોઈ રોલ નથી. ખલનાયકની ભૂમિકામાં સુનીલ ગ્રોવર દેખાવમાં સારા લાગે છે પરંતુ તે પ્રેક્ષકોને ડરાવવામાં નિષ્ફળ નીવડે છે. મનીષ પોલની કોમેડી અને શ્વેતા તિવારીનો ગંભીર અભિનય ફિલ્મને થોડી રાહત આપે છે, પરંતુ વારંવાર આવતા બિનજરૂરી ગીતો અને ખામીયુક્ત એડિટિંગ ફિલ્મને બોરિંગ બનાવે છે.
બાલાજી મોશન પિક્ચર્સ અને TVF ના સંયુક્ત સાહસ હેઠળ બનેલી આ ફિલ્મનો મૂળ વિચાર અને થીમ ચોક્કસપણે પ્રશંસનીય હતા. પરંતુ જંગલના રહસ્યો અને ભક્તિના બેવડા પ્રવાહને એકસાથે દર્શાવવા જતાં વાર્તાનો મુખ્ય હેતુ જ ખોવાઈ જાય છે. જો તમે નવી વાર્તા કે કન્સેપ્ટ જોવા માંગતા હોવ તો જઈ શકો છો, બાકી એક મજબૂત હોરર-થ્રિલરની અપેક્ષા રાખનારા રોકાણકારો અને સિનેપ્રેમીઓને નિરાશા સાંપડી શકે છે.
