OTT પર આવતાની સાથે જ 'હુન્કાર' સિરીઝે મચાવી ધમાલ: ૬-એપિસોડના ક્રાઈમ ડ્રામાએ ટોપ-૧૦ ટ્રેન્ડિંગમાં મેળવ્યું શીર્ષ સ્થાન!
અનીત પદ્દા અને ફાતિમા સના શેખના શાનદાર અભિનયથી સજ્જ કોર્ટરૂમ ડ્રામા Jio Hotstar પર વાયરલ: ઢોંગી બાબા અને કાનૂની જંગની હૃદયકંપાવનારી વાર્તા

નવી દિલ્હી : ઓટીટી (OTT) પ્લેટફોર્મ પર દર અઠવાડિયે અસંખ્ય નવી ફિલ્મો અને સિરીઝ રિલીઝ થતી હોય છે, પરંતુ સસ્પન્સ, ક્રાઈમ અને વાસ્તવિક ઘટનાઓ પર આધારિત વાર્તાઓને દર્શકો તરફથી અનોખો પ્રેમ મળતો હોય છે. તાજેતરમાં જ ૨૫ સપ્ટેમ્બરે Jio Hotstar પર રિલીઝ થયેલી નવી ક્રાઈમ અને કાનૂની ડ્રામા સિરીઝ 'હુન્કાર: ધ રોર' (Hunkkaar: The Roar) એ રિલીઝ થતાંની સાથે જ ડિજિટલ સ્પેસમાં ધમાકો મચાવી દીધો છે. માત્ર ૬ એપિસોડ ધરાવતી આ મનમોહક અને તંગદિલીથી ભરેલી સિરીઝ જોતજોતામાં પ્લેટફોર્મની ટોપ-૧૦ ટ્રેન્ડિંગ લિસ્ટમાં સામેલ થઈ ગઈ છે.
સિરીઝની વાર્તા મધ્ય પ્રદેશના ઓરછાની ૧૭ વર્ષની સ્કૂલ વિદ્યાર્થીની મીનુ રાવત (અનીત પદ્દા)ની આસપાસ ફરે છે, જે એક અત્યંત શક્તિશાળી અને સ્વ-ઘોષિત ધર્મગુરુ 'સુનિલ ચકોસી' ઉર્ફે બાપજી (રઘુબીર યાદવ) પર બળાત્કારનો ગંભીર આરોપ લગાવે છે. મીનુના માતા-પિતા આ ઢોંગી બાબાના અંધભક્ત હોય છે. આ હાઈ-પ્રોફાઈલ અને આઘાતજનક કેસની તપાસ નવનીયુક્ત આઈપીએસ અધિકારી એસીપી જસલીન (ફાતિમા સના શેખ)ને સોંપવામાં આવે છે. આ કાનૂની જંગમાં એક આદર્શવાદી વકીલ (મોહમ્મદ ઝીશાન અયુબ) તેમની મદદ કરે છે.
કોર્ટરૂમનો ડ્રામા અને વકીલોની ધારદાર દલીલોએ દર્શકોને ખીલે બાંધી રાખ્યા
વાર્તામાં ખરો વળાંક ત્યારે આવે છે જ્યારે આરોપી બાબા તરફથી કેસ લડી રહેલા ધારદાર વિપક્ષી વકીલ (રામ કપૂર) કોર્ટમાં સવાલોનો મારો ચલાવે છે. તેઓ પીડિતાની ઉંમર, જીવનશૈલી અને ચરિત્ર પર સવાલો ઉઠાવીને આ આખા કેસને એક મોટું ષડયંત્ર સાબિત કરવાનો પ્રયાસ કરે છે, જેનાથી સમગ્ર દેશમાં સન્નાટો વ્યાપી જાય છે. નિત્યા મેહરા અને કરણ ડી. કાપડિયાના સંયુક્ત દિગ્દર્શન હેઠળ બનેલી આ સિરીઝમાં તમામ કલાકારોના અભિનય અને પાવરફુલ કોર્ટરૂમ ડ્રામાએ પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કરી દીધા છે.
