બૉલીવુડની ધક-ધક ગર્લ માધુરી દીક્ષિતના સુપરહિટ ચાર્ટબસ્ટર ગીતનો રસપ્રદ કિસ્સો: હોસ્પિટલના બિછાનેથી રચાયું હતું ૩૫ વર્ષથી ધૂમ મચાવતું કલ્ટ રોમેન્ટિક ગીત
હિટ ફિલ્મ 'સાજન'ના સુપરહિટ ટ્રેક 'દેખા હૈ પહેલી બાર'ના લેખન પાછળની અજાણી કહાણી; ગીતકાર સમીરે હોસ્પિટલમાં દાખલ હોવા છતાં લખી નાખ્યા હતા અદભુત બોલ, અલ્કા યાજ્ઞિક અને એસ. પી. બાલાસુબ્રમણ્યમના અવાજે ગીતને બનાવ્યું સદાબહાર

મુંબઈ:ભારતીય સિનેમામાં અનેક એવા ગીતો છે જે દાયકાઓ વિત્યા પછી પણ લોકોના દિલ પર રાજ કરે છે અને તેમની લોકપ્રિયતા ક્યારેય ઓછી થતી નથી. ૧૯૯૧માં રિલીઝ થયેલી અને સુપરહિટ સાબિત થયેલી ફિલ્મ 'સાજન'નું કલ્ટ રોમેન્ટિક ગીત 'દેખા હૈ પહેલી બાર સાજન કી આંખો મેં પ્યાર' પણ આવું જ એક ગીત છે. અભિનેત્રી માધુરી દીક્ષિત અને સલમાન ખાન પર ફિલ્માવવામાં આવેલા આ આઇકોનિક ગીતે આજે ૩૫ વર્ષ પૂર્તિ બાદ પણ બોલીવુડના ટોપ રોમેન્ટિક ગીતોની યાદીમાં પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે. પરંતુ બહુ ઓછા લોકો જાણે છે કે લાખો શ્રોતાઓના દિલને સ્પર્શી ગયેલું આ ગીત કોઈ વૈભવી સ્ટુડિયોમાં નહીં પરંતુ હોસ્પિટલના એક રૂમમાં બેસીને લખવામાં આવ્યું હતું.
આ યાદગાર ગીતની રચનાનો કિસ્સો મ્યુઝિક ઈન્ડસ્ટ્રીના જાણીતા ગીતકાર સમીર અંજાને પોતે એક ઈન્ટરવ્યુ દરમિયાન શેર કર્યો હતો. તે સમયે ગીતકાર સમીર ગંભીર બીમારીને કારણે હોસ્પિટલમાં સારવાર હેઠળ દાખલ હતા. ફિલ્મ 'સાજન'નું શૂટિંગ નજીકના સમયમાં જ શરૂ થવાનું હોવાથી ફિલ્મ નિર્માતા સુધાકર બોકાડે અને સંગીતકાર જોડી નદીમ-શ્રવણને તાત્કાલિક એક શ્રેષ્ઠ પ્રેમગીતની જરૂર હતી. સમયની અછતને ધ્યાનમાં રાખીને નદીમ-શ્રવણ હોસ્પિટલ પહોંચ્યા હતા અને તેમણે સમીરને સ્થિતિ સમજાવીને હોસ્પિટલના પલંગ પરથી જ ગીત લખવા વિનંતી કરી હતી.
શારીરિક તકલીફ અને અસ્વસ્થતા હોવા છતાં ગીતકાર સમીરે નદીમ-શ્રવણ દ્વારા આપવામાં આવેલી ધૂન પર હોસ્પિટલમાં જ કાગળ અને પેન ઉપાડીને મિનિટોમાં આ કાલજયી બોલ રચી કાઢ્યા હતા. આ ગીતને સુપ્રસિદ્ધ ગાયિકા અલ્કા યાજ્ઞિક અને દિવંગત ગાયક એસ. પી. બાલાસુબ્રમણ્યમે પોતાનો મધુર અવાજ આપ્યો હતો. ગીત રિલીઝ થતાંની સાથે જ ચાર્ટબસ્ટર સાબિત થયું હતું અને માધુરી દીક્ષિતના કાતિલ એક્સપ્રેસન્સ તથા સલમાન ખાન સાથેની તેમની કેમેસ્ટ્રીએ સ્ક્રીન પર જાદુ જમાવ્યો હતો. આજે દાયકાઓ પછી પણ આ ગીત ભારતીય સંગીત પ્રેમીઓ માટે રોમાન્સનું એક અનોખું પ્રતીક બની રહ્યું છે.
