બોલિવૂડમાં એક યુગનો અંત: ૨૨ વર્ષની રોમાંચક સફર બાદ કરણ જોહરે કરી ‘કોફી વિથ કરણ’ની આખરી સિઝનની જાહેરાત; ફેન્સ થયા ભાવુક
"આ માત્ર જાહેરાત નથી, પણ મારા દિલની વાત છે" - ૧૪ ઓક્ટોબરથી ઓટીટી પર શરૂ થશે ‘વન લાસ્ટ કપ’ની સફર; ૧૬૧ એપિસોડ્સ, અગણિત ગપશપ અને વિવાદો બાદ શો લેશે કાયમી વિદાય

મુંબઈ, તા.૩૦: બોલિવૂડ જગતના કલાકારોની અંગત જિંદગી, લિંકઅપ્સ, બ્રેકઅપ્સ, લગ્નની વાતો અને મસાલેદાર ખુલાસાઓ માટે જાણીતો ભારતીય પોપ કલ્ચરનો સૌથી ચર્ચિત ચેટ શો ‘કોફી વિથ કરણ’ હવે તેના અંતિમ પડાવ પર પહોંચી ગયો છે. જાણીતા ફિલ્મમેકર અને હોસ્ટ કરણ જોહરે સીઝન-૯ ને શોની આખરી સિઝન તરીકે જાહેર કરીને લાખો દર્શકોને આંચકો આપ્યો છે. છેલ્લા ૨૨ વર્ષથી મનોરંજન પૂરું પાડતા આ શોની અત્યાર સુધીમાં ૮ સીઝન અને ૧૬૧ થી વધુ ધમાકેદાર એપિસોડ્સ પ્રસારિત થઈ ચૂક્યા છે. હવે આ શોનો ‘વન લાસ્ટ કપ’ આવનારી ૧૪ ઓક્ટોબરથી ઓટીટી પ્લેટફોર્મ પર જોવા મળશે.
પિતા યશ જોહરને યાદ કરીને કરણ જોહર થયા ભાવુક
સોશિયલ મીડિયા પર શેર કરેલા એક અત્યંત ભાવુક વીડિયોમાં કરણ જોહરે પોતાના હાથમાં પ્રખ્યાત ‘કોફી મગ’ પકડીને આ સફરની યાદો તાજી કરી હતી. તેણે જણાવ્યું હતું કે જૂન ૨૦૦૪માં તેણે પોતાના પિતા સ્વ. યશ જોહર સામે એક એવા ટોક શોનો ખ્યાલ રજૂ કર્યો હતો જેમાં બે સેલિબ્રિટીઝ સાથે મન મૂકીને વાતો કરી શકાય. પરંતુ દુઃખદ રીતે એ જ મહિનાની ૨૬ જૂને તેમના પિતાનું નિધન થયું હતું. ત્યારબાદ ૧૬ ઓગસ્ટ ૨૦૦૪ના રોજ કરણે પ્રથમ એપિસોડનું શૂટિંગ કર્યું હતું. આજે ૨૨ વર્ષ બાદ આ શોને અલવિદા કહેતી વખતે તે પોતાના પિતાની યાદોમાં ખોવાઈ ગયા હતા.
ગ્લેમર, ‘નેપોટિઝમ’નો વિવાદ અને બમ્પર મનોરંજન
‘કોફી વિથ કરણ’ માત્ર ગ્લેમર પૂરતો મર્યાદિત નહોતો રહ્યો, પરંતુ તે બોલિવૂડના સૌથી મોટા વિવાદોનું કેન્દ્ર પણ બન્યો હતો. કરણે ખુદ સ્વીકાર્યું કે આ શો થકી તેને જિંદગીભરની મિત્રતા અને પ્રેમ મળ્યો, પણ સાથે જ ‘નેપોટિઝમ’ (ઘરાનાશાહી) જેવા મુદ્દાઓને લઈને સતત ટ્રોલિંગનો સામનો પણ કરવો પડ્યો. શાહરુખ ખાન, સલમાન ખાન, દીપિકા પાદુકોણ, રણબીર કપૂર, કરીના કપૂર અને આલિયા ભટ્ટ જેવા દિગ્ગજ કલાકારોએ આ કૌચ પર બેસીને પોતાના રાજ ખોલ્યા હતા. શોનો 'રેપિડ ફાયર રાઉન્ડ' અને ગિફ્ટ હેમ્પર હંમેશાં સેલિબ્રિટીઝ અને દર્શકોમાં આકર્ષણનું કેન્દ્ર રહ્યા હતા.
૧૪ ઓક્ટોબરે કૌચ પર કોણ બેસશે? દર્શકોમાં ભારે ઉત્સુકતા
કરણ જોહરે સંકેત આપ્યો છે કે આ છેલ્લી સિઝનમાં પણ મીમ્સ અને ચર્ચાઓનો દોર ચાલુ રહેશે, પરંતુ તે દર્શકોના પ્રેમ સાથે આ સફરનો આખરી ઘૂંટડો પીવા માંગે છે. હવે ૧૪ ઓક્ટોબરે શરૂ થઈ રહેલી ૯મી અને આખરી સિઝનમાં કરણના કાઉચ પર કયા ગ્લેમરસ સ્ટાર્સ હાજરી આપશે અને કયા નવા ખુલાસાઓ થશે, તેના પર સમગ્ર દેશના મનોરંજન પ્રેમીઓની નજર મંડાયેલી છે.
