ગોવિંદા અને કોમલ રાણીના સંબંધોની અફવાઓ પર ભડકી કુબ્રા સૈત: 'લોકો જાસૂસ બનવાનું બંધ કરે, દરેક બાબતમાં જજમેન્ટ આપવું યોગ્ય નથી!'
૯૦ના દાયકાના સુપરસ્ટાર ગોવિંદાના સમર્થનમાં ઉતરી એક્ટ્રેસ; સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરીને ટ્રોલર્સ અને ગોસિપ કરનારાઓને લગાવી કડક ફટકાર

મુંબઈ : બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ગોવિંદાનું અંગત જીવન છેલ્લા કેટલાક સમયથી સતત ચર્ચામાં રહ્યું છે. ખાસ કરીને એરપોર્ટથી લઈને મુંબઈના પ્રખ્યાત લાલબાગચા રાજાના પંડાલ સુધી ગોવિંદા સાથે જોવા મળેલી મહિલા કોમલ રાણી સ્વર્ણકારને લઈને જાતજાતની અફવાઓ અને કથિત અફેર્સની વાતો અફવા બજારમાં ગરમ થઈ રહી છે. આ સમગ્ર વિવાદ વચ્ચે હવે બોલિવૂડ એક્ટ્રેસ કુબ્રા સૈત ગોવિંદાના બચાવમાં ખુલીને સામે આવી છે. કુબ્રાએ સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને લોકોના વલણ અને ગોસિપ કરવાની માનસિકતા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
'ગોસિપ ક્યારે જજમેન્ટ બની ગયું?' – કુબ્રાનો આકરો સવાલ
કુબ્રા સૈતે પોતાના ઇન્સ્ટાગ્રામ વિડીયોમાં જણાવ્યું હતું કે તે ગોવિંદાને અંગત રીતે ઓળખતી નથી, પરંતુ બાળપણથી તેમને ૯૦ના દાયકાના એક આઇકોનિક સુપરસ્ટાર તરીકે જોતી આવી છે. તેણે આશ્ચર્ય વ્યક્ત કરતાં કહ્યું કે જો કોઈ મહિલા કોઈ અભિનેતાની આસપાસ જોવા મળે તો તુરંત જ તેને 'મિસ્ટ્રી વુમન' કે 'કથિત ગર્લફ્રેન્ડ'નું ટેગ આપી દેવામાં આવે છે. માત્ર કોઈ સાથે જોવા મળવાથી બંને વચ્ચે રોમેન્ટિક સંબંધો સ્થાપિત કરી દેવાની લોકોની આદત પર તેણે સવાલ ઉઠાવ્યો હતો કે "આખરે ગોસિપ અને જજમેન્ટ વચ્ચેની સીમારેખા ક્યારે ગાયબ થઈ ગઈ?"
સુનીતા આહુજા અને મહિલાઓના સન્માન અંગે કહી આ વાત
ગોવિંદાની પત્ની સુનીતા આહુજા વિશે વાત કરતાં કુબ્રાએ કહ્યું કે તે સુનીતાને રૂબરૂ મળી ચૂકી છે અને તેઓ ખૂબ જ મજાકિયા તથા સ્પષ્ટવક્તા મહિલા છે. તેણે દુઃખ વ્યક્ત કર્યું કે આવી નિરાધાર અફવાઓને કારણે સુનીતા સહિત સંબંધિત મહિલાઓએ વારંવાર સફાઈ આપવી પડે છે અને પોતાનો પક્ષ સાબિત કરવો પડે છે. કુબ્રાએ અપીલ કરી હતી કે જાહેર જીવનમાં જીવતા કલાકારોનું કામ અને તેમનું અંગત જીવન અલગ બાબતો છે, તેથી સોશિયલ મીડિયા પર વાયરલ થવા માટે લોકોના અંગત જીવનમાં દખલગીરી કરવાનું બંધ કરવું જોઈએ.
ગોવિંદા અને કોમલ રાણીનો પક્ષ
આ અગાઉ ગોવિંદાએ પણ આવી તમામ ચર્ચાઓને ફગાવી દેતાં આ અફવાઓને પોતાની છબી ખરાબ કરવા અને પરિવારથી દૂર કરવાનું કાવતરું ગણાવ્યું હતું. બીજી તરફ, કોમલ રાણીએ પણ સોશિયલ મીડિયા પર અપીલ કરી હતી કે તેનું નામ કોઈ પણ બિનજરૂરી વિવાદમાં ખેંચવામાં ન આવે.
