બોલિવૂડનો સૌથી અમીર માણસઃ કુલ રૂ.૩૬,૦૦૦ કરોડનો માલિક!
કોઈ ગોડફાધર વિના ઇન્ડસ્ટ્રીમાં પોતાની ઓળખ બનાવી અને પોતાની મહેનતથી મોટું સામ્રાજ્ય ઊભું કર્યું : ક્યારેય એકટિંગ કે ડાયરેક્શન નથી કર્યું...મ્યુઝિક અને ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય ઊભું કર્યું ભૂષણ કુમારે

મુંબઈ,તા.૧: બોલિવૂડનો સૌથી અમીર શખ્સ કોણ છે? જો તમારા મનમાં સલમાન ખાન, શાહરુખ ખાન, આમિર ખાન કે અમિતાભ બચ્ચનનું નામ આવી રહ્યું હોય તો તમારો જવાબ ખોટો છે. કારણ કે અહીં વાત કોઈ અભિનેતા કે ડાયરેક્ટરની નહીં, પરંતુ મ્યુઝિક અને ફિલ્મ પ્રોડક્શનના ક્ષેત્રમાં મોટું સામ્રાજ્ય ઊભું કરનાર શખ્સની થઈ રહી છે. દાવો કરવામાં આવે છે કે, તેની સંપત્તિ એટલી છે કે સલમાન ખાન, શાહરુખ ખાન અને આમિર ખાન એમ ત્રણેયની સંપત્તિ ભેગી કરવામાં આવે તો પણ તેના સુધી પહોંચી શકાય નહીં.
હા, અહીં વાત ગુલશન કુમારના પુત્ર અને ટી-સિરીઝના સુપ્રીમો ભૂષણ કુમારની થઈ રહી છે. તેમના પરિવારનું આ સામ્રાજ્ય હવે ભૂષણ કુમાર સંભાળી રહ્યા છે. તાજેતરમાં જાહેર થયેલી Hurun India Rich List 2026માં ભારતના સૌથી અમીર લોકોની યાદી જાહેર કરાઈ હતી. આ યાદીમાં મિનરલ્સ, રિયલ એસ્ટેટ, ફાર્મા, એનર્જી સહિત અનેક ક્ષેત્રોની મોટી બિઝનેસ કંપનીઓ સાથે જોડાયેલા અમીર લોકોનો સમાવેશ કરાયો છે. આ યાદીમાં એન્ટરટેઇનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાંથી ટોપ ૧૦૦માં સ્થાન મેળવનાર એકમાત્ર વ્યક્તિ ભૂષણ કુમાર છે.
હુરુન ઇન્ડિયા રિચ લિસ્ટના ટોપ ૧૦૦માં તેઓ ૮૭મા ક્રમે છે. યાદી અનુસાર તેમની નેટવર્થ રૂ.૩૬,૩૦૦ કરોડ એટલે કે આશરે ૩.૮ બિલિયન ડોલર હોવાનું જણાવાયું છે. ભૂષણ કુમારે દેશના અમીર ફિલ્મમેકર્સની યાદીમાં સન પિક્ચર્સના કલાનિધિ મારનને પાછળ છોડી દીધા છે. કલાનિધિ મારનની સંપત્તિ આશરે રૂ.૨૪,૬૦૦ કરોડ હોવાનું જણાવાયું છે અને તેઓ આ યાદીમાં ૧૪૬મા ક્રમે છે.
ઁવર્ષ ૨૦૨૪માં ભૂષણ કુમાર અને તેમના પરિવારની નેટવર્થ આશરે રૂ.૧૦,૫૦૦ કરોડ હોવાનું જણાવાયું હતું. હવે બે વર્ષમાં તેમની સંપત્તિ લગભગ ૩.૫ ગણી વધી હોવાનું કહેવાય છે. ટી-સિરીઝ મ્યુઝિક અને ફિલ્મ પ્રોડક્શન બંને ક્ષેત્રોમાં મોટાપાયે કામ કરે છે અને હાલમાં ભૂષણ કુમાર તેના મેનેજિગ ડિરેક્ટર છે. ટી-સિરીઝની શરૂઆત વર્ષ ૧૯૮૩માં ગુલશન કુમારે કરી હતી. એક સમયે ગુલશન કુમાર ભક્તિ ગીતો ગાઈને ખૂબ લોકપ્રિય થયા હતા. ત્યારબાદ તેમણે કેસેટના બિઝનેસમાં પગ મૂક્યો અને ધીમે-ધીમે ટી-સિરીઝનો પાયો નાખ્યો. દેશની મોટી મ્યુઝિક કંપની ઊભી કરનાર ગુલશન કુમારનું વર્ષ ૧૯૯૭માં નિધન થયું હતું. તેઓ વૈષ્ણો માતાના મોટા ભક્ત હતા, મંદિરે જતા અને ભંડારા પણ કરાવતા હતા.
ટી-સિરીઝનું વર્ચસ્વ માત્ર મ્યુઝિક અને ફિલ્મોમાં જ નહીં, પરંતુ યુટ્યુબ પર પણ જોવા મળે છે. આપેલી માહિતી અનુસાર ટી-સિરીઝ દુનિયાની બીજી સૌથી મોટી યુટ્યુબ ચેનલ છે અને તેને ૩૦૦ મિલિયનથી વધુ યુઝર્સ ફોલો કરે છે. તેના વીડિયો કુલ ૩૫૩ બિલિયન વ્યૂઝ સુધી પહોંચી ચૂક્યા હોવાનું જણાવાયું છે અને તેને સૌથી વધુ જોવામાં આવતી યુટ્યુબ ચેનલ્સમાંની એક ગણાવવામાં આવી છે.
