<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Tuesday, 6th October 2026

જે ગીતે વિનોદ ખન્નાને 'વિલન'માંથી બનાવ્યા 'રોમેન્ટિક' હીરો: જાણો કઈ હતી એ ફિલ્મ?

ઓક્ટોબરે બોલીવુડના હેન્ડસમ સુપરસ્ટારની જન્મજયંતિ: ‘સાંસોં મેં કભી’ ગીતે બદલી નાખી ઈમેજ; અમિતાભ બચ્ચન સાથે ‘દોસ્તાના’ ન મળવા પાછળનું અનોખું કારણ

મુંબઈ : હિન્દી સિનેમાના દિગ્ગજ અને અત્યંત આકર્ષક વ્યક્તિત્વ ધરાવતા અભિનેતા વિનોદ ખન્ના તેમની શાનદાર એક્ટિંગ, ઊંચી કદ-કાઠી અને ચાર્મિંગ સ્માઈલ માટે બોલીવુડમાં જાણીતા હતા. કરિયરના શરૂઆતના તબક્કામાં તેમણે વિલન અને નેગેટિવ રોલથી પોતાની ઓળખ બનાવી હતી અને તેમને રોમેન્ટિક હીરો તરીકે જોવામાં આવતા નહોતા. જોકે, ૬ ઓક્ટોબરે તેમની જન્મજયંતિ નિમિત્તે તેમની ફિલ્મી સફરનો એક ખાસ કિસ્સો ચર્ચામાં આવ્યો છે, જ્યારે માત્ર એક ગીતે સ્ક્રીન પર તેમની આખી ઈમેજ બદલી નાખી હતી.

વર્ષ ૧૯૭૨માં રિલીઝ થયેલી ફિલ્મ ‘પરછાઈયાં’નું ગીત ‘સાંસોં મેં કભી, દિલ મેં કભી’ વિનોદ ખન્નાના ફિલ્મી કરિયર માટે સૌથી મોટો ટર્નિંગ પોઈન્ટ સાબિત થયું હતું. આ પ્રખ્યાત રોમેન્ટિક ગીત વિનોદ ખન્ના અને અભિનેત્રી રેશમા પર ફિલ્માવવામાં આવ્યું હતું. મોહમ્મદ રફી અને આશા ભોસલેના મધુર અવાજ તથા આર.ડી. બર્મનના સંગીતથી સજ્જ આ ફિલ્મ ભલે બોક્સ ઓફિસ પર ખાસ કમાલ ન કરી શકી, પરંતુ આ ગીતમાં તેમના રોમેન્ટિક અંદાજે પ્રેક્ષકો અને ફિલ્મ પ્રોડ્યુસર્સનું ધ્યાન ખેંચ્યું હતું.

આ ગીતમાં વિનોદ ખન્નાનો ચાર્મિંગ અને સોફ્ટ રોમેન્ટિક લુક લોકોને એટલો બધો પસંદ પડ્યો કે ફિલ્મમેકર્સની તેમની પ્રત્યેની વિચારસરણી બદલાઈ ગઈ હતી. અગાઉ જે એક્ટરને માત્ર એક્શન કે નેગેટિવ શેડ્સ માટે જ યોગ્ય ગણવામાં આવતા હતા, તે ગીત પછી બોલીવુડના લીડ રોમેન્ટિક હીરો તરીકે સ્થાપિત થઈ ગયા. આ સફળતા બાદ ૧૯૭૫થી ૧૯૮૨ વચ્ચે તેમણે ‘કૈદ’, ‘ઈંકાર’, ‘આપ કી ખાતિર’, ‘ખૂન કી પુકાર’ અને ‘લહૂ કે દો રંગ’ જેવી અનેક સુપરહિત ફિલ્મો આપી હતી.

વિનોદ ખન્નાના તે જમાનાના અજોડ સ્ટારડમનો અંદાજ ફિલ્મ ‘દોસ્તાના’ સાથે જોડાયેલા એક રસપ્રદ કિસ્સા પરથી લગાવી શકાય છે. ડિરેક્ટર રાજ ખોસલા આ ફિલ્મમાં શત્રુઘ્ન સિન્હા વાળો રોલ પહેલા વિનોદ ખન્નાને આપવા માંગતા હતા. પરંતુ મેકર્સને ડર હતો કે જો અમિતાભ બચ્ચન અને વિનોદ ખન્ના બંને સાથે સ્ક્રીન પર હશે, તો હીરોઈન જિન્નત અમાન વિનોદ ખન્ના જેવા હેન્ડસમ પર્સનાલિટી ધરાવતા એક્ટરને છોડીને અમિતાભને પસંદ કરે તે દર્શકો માટે ગળે ઉતરવું મુશ્કેલ બનશે.

ફિલ્મી વિવેચકોના મતે, જો ૧૯૮૦ના દાયકાની શરૂઆતમાં વિનોદ ખન્નાએ આધ્યાત્મિકતા તરફ વળીને ફિલ્મોમાંથી હંગામી નિવૃત્તિ ન લીધી હોત, તો તેઓ તે સમયે અમિતાભ બચ્ચનના મહાન સ્ટારડમને સીધી અને મોટી ટક્કર આપી રહ્યા હતા. તેમણે પોતાના અભિનયથી દર્શકોના દિલમાં જે સ્થાન બનાવ્યું હતું, તે આજે પણ અકબંધ છે.

વિનોદ ખન્નાએ તેમની પાછલી કરિયરમાં સોલો હીરો તરીકેની ફિલ્મો ઉપરાંત મલ્ટી-સ્ટારર ફિલ્મોમાં પણ પોતાની બુલંદ અદાકારીનો પરિચય આપ્યો હતો. હિન્દી સિનેમામાં એક્શન અને રોમાન્સનું અદ્ભુત મિશ્રણ કરનાર આ સુપરસ્ટારને તેમની જન્મજયંતિ પર આજે પણ સમગ્ર સિનેમા જગત અને તેમના ચાહકો ભાવપૂર્વક યાદ કરી રહ્યા છે.

(6:05 PM IST)