‘ક્યુંકિ સાસ ભી કભી બહુ થી ૨'ની હવે વિદાય, ‘અપ્સરા' લેશે સ્થાન
સ્મૃતિ ઈરાનીની વાપસી સાથે શરૂ થયેલી સીરિયલનું એક વર્ષ બાદ સમાપન

મુંબઈ,તા.૭: સ્મૃતિ ઈરાનીની ટેલિવિઝન પર વાપસી સાથે શરૂ થયેલી 'ક્યુંકિ સાસ ભી કભી બહુ થી ૨' હવે દર્શકોને અલવિદા કહેવાની તૈયારીમાં છે. ૨૦૨૫માં શરૂ થયેલી આ સીરિયલે એક વર્ષની સફળ સફર પૂર્ણ કર્યા બાદ હવે તેની જગ્યાએ સુપરનેચરલ ડ્રામા 'અપ્સરા' શરૂ થશે. અહેવાલો અનુસાર, નવી સીરિયલ ૨૧ ઓક્ટોબર, ૨૦૨૬થી રાત્રે ૧૦.૩૦ વાગ્યે પ્રસારિત થશે.
‘ક્યુંકિ સાસ ભી કભી બહુ થી ૨'માં સ્મૃતિ ઈરાની ઉપરાંત અમર ઉપાધ્યાય, હિતેન તેજવાની, ગૌરી પ્રધાન, શક્તિ આનંદ, ઋતુ શેઠ ચૌધરી, કમાલિકા ગુહા ઠાકુરતા અને રવી ગુપ્તા સહિતના કલાકારો જોવા મળ્યાં હતાં. સીરિયલ સ્મૃતિ ઈરાનીના લાંબા સમય બાદ અભિનયમાં પુનરાગમનને કારણે પણ ચર્ચામાં રહી હતી.
હવે તેની જગ્યાએ આવનારી 'અપ્સરા'માં સમીક્ષા જયસવાલ અને પારસ કલનાવત મુખ્ય ભૂમિકામાં છે. વાર્તા એક અપ્સરા અને પ્રાચીન શક્તિ 'અમૃત'ની આસપાસ ફરે છે. સમીક્ષા સુનેહરીનું પાત્ર ભજવી રહી છે, જે દુષ્ટ શક્તિઓથી અમૃતનું રક્ષણ કરવાની જવાબદારી ધરાવે છે. અનુષ્કા માંડે, અદા ખાન, અવિકા ગોર, મોના વસુ અને પૂર્વા ગોખલે પણ મહત્વની ભૂમિકામાં છે.
