ખેતરમાં મજૂરી કરતી યૂટ્યૂબરે લાખોના દિલ જીત્યા: 'દેહાતી મેડમ' યશોદા લોધીની પ્રેરણાદાયી કહાની, પ્રિયંકા ચોપડાએ કર્યા વખાણ
ગામડાંની સાધારણ પરિસ્થિતિમાંથી આવીને લાખો લોકોને અંગ્રેજી શીખવતી ઉત્તર પ્રદેશની યુવતીની અદભૂત સફળતા: ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપડાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર વીડિયો શેર કરતાં ફોલોઅર્સનો આંકડો ૪ લાખને પાર થયો

મુંબઈ, તા.૦૭: ઉત્તર પ્રદેશના કૌશાંબી જિલ્લાની સાધારણ ગ્રામીણ પૃષ્ઠભૂમિ ધરાવતી યશોદા લોધી, જે સોશિયલ મીડિયા પર 'ઈંગ્લીશ વિથ દેહાતી મેડમ' તરીકે જાણીતી છે, તેણે હાલમાં દેશભરમાં મોટું આકર્ષણ જમાવ્યું છે. ખેતરોમાં મજૂરી કરવાથી લઈને ડિજિટલ પ્લેટફોર્મ પર લાખો લોકોને સરળ ભાષામાં સ્પાનિશ અને સ્પોકન ઈંગ્લીશ શીખવતી આ યુવતીનો વીડિયો બૉલિવૂડ અને ગ્લોબલ આઇકોન પ્રિયંકા ચોપડા જોનસે પોતાની ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કર્યો છે. આ એક જ વિડિયો શેરીંગ બાદ યશોદાની ચેનલના સબસ્ક્રાઇબર્સ અને ફોલોઅર્સની સંખ્યા રાતોરાત ૪ લાખને વટાવી ગઈ છે.
કૌશાંબી જિલ્લાના લોધન કા પુરવા ગામની વતની યશોદા લોધીનું શિક્ષણ આર્થિક સંકટોને કારણે માત્ર ધોરણ ૧૨ સુધી જ થઈ શક્યું હતું. ગરીબી અને પરિવારની જવાબદારીઓ વચ્ચે તેણે હિંમત ન હારી અને સાડી તથા બિંદી પહેરીને જ પોતાના ઘરમાંથી સરળ ભાષામાં અંગ્રેજી બોલવાના વીડિયો બનાવવાનું શરૂ કર્યું હતું. તેનો મુખ્ય ઉદ્દેશ્ય ગામડાંની મહિલાઓ અને આત્મવિશ્વાસના અભાવે પાછળ રહી જતા ગ્રામીણ યુવાનો સુધી અંગ્રેજી ભાષાનું સરળ જ્ઞાન પહોંચાડવાનો હતો, જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે સમાજમાં આગળ વધી શકે.
યશોદાની આ સફળતા પાછળ ભારે સંઘર્ષની કહાની છુપાયેલી છે. ૨૬ ડિસેમ્બર ૨૦૨૩ના રોજ યુટ્યુબ ચેનલ શરૂ કરનાર યશોદા માટે પરિસ્થિતિ ત્યારે અત્યંત વિકટ બની હતી જ્યારે ૨૦૧૯માં એક ગંભીર માર્ગ અકસ્માતમાં તેના પતિ ગંભીર રીતે ઘવાયા હતા અને તેમની આંગળીઓ કાપવી પડી હતી. આટલું જ નહીં, ઘઉંના પાકમાં આગ લાગવા જેવી કુદરતી આપત્તિઓ વચ્ચે પરિવારને બળેલા ઘઉંની રોટલીઓ ખાવાનો વારો આવ્યો હતો. આમ છતાં, યશોદાએ પોતાના પતિના અવિશ્વાસ અને આર્થિક તંગી સામે ઝૂકવાને બદલે અંગ્રેજી શીખવાનું અને શીખવવાનું ચાલુ રાખ્યું હતું.
યશોદાની આ સતત મહેનત રંગ લાવી અને ચેનલ શરૂ થયાના માત્ર એક જ મહિનામાં તેની ચેનલ મોનેટાઇઝ થઈ ગઈ હતી. હાલમાં પ્રિયંકા ચોપડાએ તેનો વીડિયો શેર કરતા યશોદાએ ભારે ખુશી વ્યક્ત કરી જણાવ્યું હતું કે, જ્યારે તે ખેતરમાં કામ કરી રહી હતી ત્યારે બનાવેલો એક સાદો વીડિયો આટલો વાયરલ થશે તેનો તેને ખ્યાલ નહોતો. પ્રિયંકા ચોપડાનું આ સમર્થન તેના માટે માત્ર સોશિયલ મીડિયા સ્ટોરી નથી પરંતુ વર્ષોના અથાક સંઘર્ષને મળેલી એક મોટી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ઓળખ છે.
કોઈપણ જાતના મોંઘા કોચિંગ કે ઉચ્ચ ડીગ્રી વગર માત્ર દ્રઢ મનોબળ અને ઇન્ટરનેટના યોગ્ય ઉપયોગથી યશોદા લોધીએ સ્થાપિત કર્યું છે કે ભાષા એ કોઈ ભાષાકીય કે સામાજિક વર્ગની ગુલામ નથી. એક ગૃહિણી અને ખેતમજૂર તરીકે પોતાની ઓળખ જાળવી રાખીને તેણે સાબિત કરી બતાવ્યું છે કે જો લક્ષ્ય પ્રત્યે સમર્પણ હોય તો દેશના અંતરિયાળ ગામડાંમાંથી પણ ગ્લોબલ પ્લેટફોર્મ સુધી પહોંચી શકાય છે.
આ ઘટના બાદ હવે દેશભરમાંથી યશોદા લોધી પર અભિનંદનનો વર્ષાદ થઈ રહ્યો છે. તેની પ્રેરણાદાયી જીવનયાત્રા આજે દેશની લાખો મહિલાઓ અને ગ્રામીણ યુવાનો માટે આશાનું કિરણ બની છે. આવનારા દિવસોમાં તે પોતાના વિડિયોઝ દ્વારા વધુ વિશિષ્ટ સામગ્રી બનાવીને વધુમાં વધુ લોકોને અંગ્રેજીમાં આત્મનિર્ભર બનાવવાનું આયોજન ધરાવે છે.
