<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Wednesday, 7th October 2026

રણબીર કપૂરની 'રામાયણ' ફિલ્મના નિર્માતા નમિત મલ્હોત્રાની કંપની 'પ્રાઇમ ફોકસ' પર આવકવેરા વિભાગના દરોડા

ફિલ્મની રિલીઝના માત્ર એક મહિના પહેલા મુંબઈ સ્થિત ઓફિસોમાં વિદેશી રેમિટન્સ મામલે તપાસ શરૂ, શેરબજારમાં કંપનીના શેરમાં મોટો ઘટાડો નોંધાયો

મુંબઈ : બોલિવૂડની અત્યંત ચર્ચિત અને મોંઘી પૌરાણિક ફિલ્મ 'રામાયણ' ની રિલીઝ પહેલા જ નિર્માતાઓની મુશ્કેલીઓમાં વધારો થયો છે. રણબીર કપૂર અભિનીત આ મેગા પ્રોજેક્ટ સાથે ગાઢ રીતે સંકળાયેલી નમિત મલ્હોત્રાના નેતૃત્વ હેઠળની અગ્રણી મીડિયા અને એન્ટરટેઈનમેન્ટ કંપની 'પ્રાઇમ ફોકસ લિમિટેડ' ની મુંબઈ સ્થિત ઓફિસો પર બુધવારે સવારે આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડીને તપાસ હાથ ધરવામાં આવી છે. આ અચાનક થયેલી કાર્યવાહીથી મનોરંજન જગતમાં ભારે ચકચાર મચી ગઈ છે.

 

પ્રાપ્ત અહેવાલો મુજબ, આવકવેરા વિભાગની આ તપાસ મુખ્યત્વે વિદેશી રેમિટન્સ (ભારતમાંથી અન્ય દેશમાં નાણાં મોકલવાા વ્યવહારો) સાથે સંબંધિત છે. જોકે, તપાસ હેઠળના ચોક્કસ નાણાકીય વ્યવહારો અને પૂછપરછના સ્વરૂપ વિશેની વિગતો હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. આ મહત્વપૂર્ણ સમયે આવકવેરા વિભાગની કાર્યવાહી થવાને કારણે ફિલ્મ જગતમાં વિવિધ અટકળો વહેતી થઈ છે.

 

આવકવેરા વિભાગના આ દરોડાની સીધી અસર શેરબજાર પર પણ જોવા મળી છે, જ્યાં બુધવારે સવારે કારોબાર દરમિયાન 'પ્રાઇમ ફોકસ' કંપનીના શેરમાં લગભગ ૮ ટકા જેટલો મોટો ઘટાડો નોંધાયો હતો. કંપનીની આંતરરાષ્ટ્રીય સ્તરે પણ મોટી ઉપસ્થિતિ છે અને તેની કુલ આવકનો મોટો હિસ્સો વિદેશી બજારોમાંથી આવે છે, ત્યારે આ તપાસ કંપનીની નાણાકીય પ્રક્રિયાઓ પર સવાલો ઊભા કરી રહી છે.

 

ઉલ્લેખનીય છે કે આ વર્ષની શરૂઆતમાં જૂન મહિનામાં સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI) દ્વારા પણ કંપનીની નાણાકીય પદ્ધતિઓ અને ખુલાસાઓ અંગેની તપાસ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જેને બાદમાં કોઈ અનિયમિતતા ન મળવાને કારણે બંધ કરી દેવામાં આવી હતી. હવે ફિલ્મની રિલીઝના બરાબર એક મહિના પહેલાં જ આવકવેરા વિભાગની એન્ટ્રી થવી એ કંપની માટે નવો પડકાર બની ગયો છે.

 

નિતેશ તિવારી દ્વારા નિર્દેશિત અને બે ભાગમાં બનતી આ પૌરાણિક ફિલ્મમાં રણબીર કપૂર ભગવાન રામની ભૂમિકામાં, સઈ પલ્લવી સીતાની ભૂમિકામાં અને યશ ખલનાયક રાવણની ભૂમિકામાં નજરે પડવાના છે. આ ઉપરાંત સની દેઓલ, અરુણ ગોવિલ અને રવિ દુબે જેવા દિગ્ગજ કલાકારો પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવી રહ્યા છે. આ ફિલ્મ આગામી સમયમાં દિવાળીના તહેવાર દરમિયાન સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે.

 

આ અચાનક બનેલી ઘટનાઓ વચ્ચે ફિલ્મની રિલીઝ અને પ્રોડક્શન કાર્ય પર કેટલી અસર પડે છે તે તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે. હાલમાં આવકવેરા વિભાગની પૂછપરછ અને તપાસનો ધમધમાટ ચાલુ છે, જેના કારણે ફિલ્મ ઉદ્યોગમાં ચિંતાનું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

(6:46 PM IST)