<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Friday, 16th October 2026

કારકિર્દીના પ્રારંભે 'મનહૂસ' ગણાતી વિદ્યા બાલન સફળતાના શિખરે: અસંખ્ય નિષ્ફળતાઓ અને સંઘર્ષ બાદ બોલિવૂડમાં કમાવ્યું નામ

દક્ષિણ ભારતીય ફિલ્મોમાંથી હાંકી કાઢવામાં આવ્યા બાદ મ્યુઝિક વીડિયો અને 'પરિણીતા' ફિલ્મથી રાતોરાત સ્ટાર બનેલી વિદ્યા બાલનની પ્રેરણાદાયી સફર

મુંબઈ, તા.૧૬: સાત વાર ફિલ્મફેર એવોર્ડ અને એક નેશનલ એવોર્ડ મેળવનારી ઉત્કૃષ્ટ અભિનેત્રી વિદ્યા બાલનને પોતાની કારકિર્દીની શરૂઆતમાં 'મનહૂસ' અને 'બદનસીબ' જેવા લેબલનો સામનો કરવો પડ્યો હતો. મુંબઈમાં તમિળ બ્રાહ્મણ પરિવારમાં જન્મેલી વિદ્યાએ પોતાના અભિનય પ્રત્યેના ઉત્સાહને કારણે નાની ઉંમરથી જ મનોરંજન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. દક્ષિણ ભારતની ફિલ્મોમાં ઉપરાઉપ્રી પ્રોજેક્ટ્સ બંધ થવાના કારણે તેને ભારે અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સતત પરિશ્રમ અને નિષ્ઠાના બળે તેણે બોલિવૂડમાં એક અગ્રણી અને પ્રતિભાશાળી અભિનેત્રી તરીકે પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.

વિદ્યા બાલનની કારકિર્દીની શરૂઆત મલયાલમ સુપરસ્ટાર મોહનલાલ સાથેની ફિલ્મ 'ચક્રમ'થી થઈ હતી. આ ફિલ્મ સાઇન કર્યા બાદ તેને બીજી ૧૨ ફિલ્મોની ઓફર મળી હતી, પરંતુ કમનસીબે પ્રથમ ફિલ્મનું નિર્માણ અટકી જતાં તેની હાથમાંથી તમામ ૧૨ ફિલ્મો છીનવાઈ ગઈ હતી. ત્યારબાદ તમિળ ચલચિત્રો જેવા કે 'રન', 'બાલા' અને 'મનાસેલ્લમ'માંથી પણ તેને શૂટિંગ શરૂ થયા બાદ અચાનક બહાર કરી દેવામાં આવી હતી. આ સતત મળેલી નિષ્ફળતાઓને કારણે તે દક્ષિણ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કુખ્યાત થઈ ગઈ હતી.

દક્ષિણ ભારતીય ચલચિત્રોમાં થયેલા કડવા અનુભવો બાદ વિદ્યાએ મોડેલિંગ અને મ્યુઝિક વીડિયો તરફ પ્રયાણ કર્યું હતું. તેણે લગભગ ૬૦ જેટલી જાહેરાતો અને જાણીતા મ્યુઝિક વીડિયોમાં કામ કર્યું, જેમાંથી મોટાભાગના પ્રોજેક્ટ્સનું નિર્દેશન પ્રદીપ સરકારે કર્યું હતું. આ ઓળખાણ અને મહેનતના પરિણામે તેને વર્ષ ૨૦૦૫માં વિધુ વિનોદ ચોપરાની સુપ્રસિદ્ધ હિન્દી ફિલ્મ 'પરિણીતા' મળી. આ ફિલ્મમાં તેના શાનદાર અભિનય માટે તેને શ્રેષ્ઠ ડેબ્યૂનો 'ફિલ્મફેર એવોર્ડ' મળ્યો અને તેની કારકિર્દીને નવી દિશા મળી.

ઉલ્લેખનીય છે કે, ફિલ્મોમાં પ્રવેશતા પહેલા વિદ્યાએ માત્ર ૧૬ વર્ષની વયે એકતા કપૂરની ખૂબ જ લોકપ્રિય કોમેડી સિરિયલ 'હમ પાંચ'માં 'ચશ્માંવાળી' રાધિકાની ભૂમિકા ભજવીને ઘર-ઘરમાં જાણીતી થઈ હતી. જોકે, તેણે ટીવી સિરિયલોના બદલે ફિલ્મોમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ તેણે સોશિયોલોજીમાં માસ્ટર્સ ડિગ્રીનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. તેની આ મહેનત અને લગનથી તેણે સાબિત કર્યું કે ક્ષમતા અને સમર્પણ આગળ કોઈપણ નકારાત્મકતા ટકી શકતી નથી.

પોતાની કારકિર્દી દરમિયાન વિદ્યા બાલને 'નો વન કિલ જેસિકા', 'ધ ડર્ટી પિકચર', 'કહાની', 'પા', 'તુમ્હારી સુલુ' અને 'શેરની' જેવી મહિલાપ્રધાન ફિલ્મો આપીને પોતાની અદ્ભુત અભિનય ક્ષમતાનો પરિચય આપ્યો છે. 'ધ ડર્ટી પિકચર' માટે તેણે ૧૨ કિલો વજન વધાર્યું હતું અને આ ભૂમિકા માટે તેને સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો નેશનલ એવોર્ડ પ્રાપ્ત થયો હતો. કેટલીક ફિલ્મો બોક્સ ઓફિસ પર નિષ્ફળ ગઈ હોવા છતાં તેના અભિનયની હંમેશા પ્રશંસા થતી રહી છે.

વર્ષ ૨૦૧૨માં જાણીતા ફિલ્મ નિર્માતા સિદ્ધાર્થ રોય કપૂર સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ પણ વિદ્યાએ પોતાની પસંદગીની ફિલ્મોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું છે. આગામી સમયમાં રજનીકાંત અભિનીત ફિલ્મ 'જેલર-ટુ' તેમજ 'ધ ડર્ટી પિકચર'ની સિકવલમાં વિદ્યા બાલન મહત્વની ભૂમિકામાં જોવા મળશે. આ સિવાય ઓટીટી પ્લેટફોર્મ્સ પર પણ આગામી દિવસોમાં વિવિધ ટોક શો, હોરર સિરીઝ અને નવી ફિલ્મોનું પ્રસારણ શરૂ થઈ રહ્યું છે, જેમાં કલાકારોનો નવો અંદાજ જોવા મળશે.

(5:51 PM IST)