લેક્મે ફેશન વીકમાં યુવા અભિનેત્રી સારા અર્જુનનું ધમાકેદાર રનવે ડેબ્યૂ: પાવડર-બ્લુ બ્રાઈડલ ગાઉનમાં મચાવી ધૂમ
નવી દિલ્હીના તાજ પેલેસ ખાતે ડિઝાઈનર અનુશ્રી રેડ્ડીની 'માયા' કલેક્શન માટે શો-સ્ટોપર બની સારા અર્જુને લૂંટી મહેફિલ, પરંપરાગત લાલ રંગથી હટીને સુંદર મોર્ડન અંદાજ રજૂ કર્યો

નવી દિલ્હી: ફિલ્મી દુનિયામાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. જાણીતી યુવા અભિનેત્રી સારા અર્જુને નવી દિલ્હીમાં આયોજિત પ્રતિષ્ઠિત 'લેક્મે ફેશન વીક' (Lakmé Fashion Week x FDCI) માં પોતાના ગ્લેમરસ અંદાજ સાથે શાનદાર રનવે ડેબ્યૂ કર્યું છે. ફેશન વીક દરમિયાન સારાએ જાણીતી ડિઝાઈનર અનુશ્રી રેડ્ડી અને લેક્મે સેલોનના કોલેબોરેશન હેઠળ પ્રદર્શિત થયેલા 'માયા' (MAYA) ફૉલ બ્રાઈડલ કલેક્શન માટે શો-સ્ટોપર તરીકે રેમ્પ વોક કર્યું હતું, જેણે સૌનું ધ્યાન ખેંચ્યું હતું.
પાવડર-બ્લુ બ્રાઈડલ લૂકમાં અપ્સરા જેવી લાગી અભિનેત્રી:
નવી દિલ્હીના ભવ્ય 'તાજ પેલેસ' ખાતે યોજાયેલા આ ફેશન શોમાં સારા અર્જુન એકદમ ડ્રીમી અને મોર્ડન બ્રાઈડલ લૂકમાં નજરે પડી હતી. સામાન્ય રીતે ભારતીય બ્રાઈડલ વેર (દુલ્હનના પોશાક)માં લાલ અથવા ગુલાબી રંગનો વધુ ઉપયોગ થતો હોય છે, પરંતુ આ શોમાં સારાએ પરંપરાગત રંગોથી હટીને સુંદર પાવડર-બ્લુ (Powder-Blue) કલરનું બ્રાઈડલ કૌતુર ગાઉન પહેર્યું હતું. આ ગાઉન પર શાનદાર વાઈટ લેસ વર્ક, સ્ટ્રક્ચર્ડ પેપલમ અને ડ્રામેટિક મરમેઈડ હેમ લાઇન આપવામાં આવી હતી, જેણે આખા આઉટફિટને એક પરીકથા જેવો રોમેન્ટિક લુક આપ્યો હતો. સ્ટેજ પર નાનખટાઈ બેન્ડના લાઈવ બ્રાઈડલ મ્યુઝિક વચ્ચે સારા અર્જુનનો આ અંદાજ જોવાલાયક હતો.
સુંદરતા અને ફેશનને લઈને રાખી ખુલીને વાત:
પોતાના ડેબ્યૂ અંગે વાત કરતા સારા અર્જુને ઉત્સાહપૂર્વક જણાવ્યું હતું કે, "જ્યારે મેં પહેલીવાર આ આઉટફિટ જોયું ત્યારે હું ખૂબ ખુશ થઈ ગઈ હતી. આનો કલર, સિલુએટ અને સ્ટ્રક્ચર બધું જ મારા વ્યક્તિત્વ સાથે મેળ ખાય છે."
આ સાથે જ બ્યુટી અને ફેશન સ્ટાન્ડર્ડ્સ વિશે વાત કરતા તેણે ખૂબ જ વાસ્તવિક નિવેદન આપ્યું હતું. અભિનેત્રીએ કહ્યું હતું કે, "આપણે ગમે તેટલી વાત કરીએ કે સ્કિન કેર કેવી રીતે કરવી, પરંતુ વાસ્તવિકતા એ છે કે કોઈ પણ વ્યક્તિ હંમેશાં પરફેક્ટ કે દોષરહિત (flawless) દેખાઈ શકતી નથી. મારા આ લુક પાછળ મારા હેર સ્ટાઈલિશ, મેકઅપ આર્ટિસ્ટ અને સ્ટાઈલિશની ભારે મહેનત હોય છે. ફેશનની બાબતમાં હું કોઈ એક ચોક્કસ ટ્રેન્ડ પાછળ ભાગવા કરતાં હંમેશાં મારા આરામ (Comfort) ને પ્રાથમિકતા આપું છું."
સારા અર્જુનનું આ શાનદાર રનવે ડેબ્યૂ હાલ ફેશન જગતમાં અને સોશિયલ મીડિયા પર ચર્ચાનો મુખ્ય વિષય બન્યું છે.
