‘સ્પિરિટ'થી ‘લવ એન્ડ વોર' સુધી આ ફિલ્મોની રિલીઝ પાછી ઠેલાઈ, હવે ૨૦૨૭માં રિલીઝ થશે આ મોટી ફિલ્મો
કાર્તિક આર્યનની ‘નાગઝિલ્લા'થી લઈને સલમાનખાનની ઈદ રિલીઝ સાથે ટક્કર લેતી ‘ખોસલા કા ઘોસલા ૨' સુધીની ફિલ્મો નવી તારીખે રિલીઝ થશે

મુંબઈ,તા.૨૨: ફિલ્મ નિર્માણમાં ઘણી વખત આયોજન પ્રમાણે બધું થતું નથી. શૂટિગ અધૂરું રહેવું, નિર્માણની કામગીરીમાં વિલંબ કે રિલીઝની તારીખોમાં ફેરફારને કારણે ફિલ્મોની રિલીઝ આગળ ધકેલવી પડે છે. તાજેતરમાં બોલિવૂડની અનેક મોટી ફિલ્મોની રિલીઝ ૨૦૨૭ સુધી લંબાવવામાં આવી છે. તેમાં પ્રભાસની ‘સ્પિરિટ', રણબીર કપૂરની ‘લવ એન્ડ વોર' અને કાર્તિક આર્યનની ‘નાગઝિલ્લા' જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.
‘લવ એન્ડ વોર' ૨૧ જાન્યુઆરીએ આવશે
સંજય લીલા ભણસાલીની પિરિયડ ફિલ્મ 'લવ એન્ડ વોર'માં રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને વિકી કૌશલ મુખ્ય ભૂમિકામાં છે. માર્ચ ૨૦૨૬માં રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિગ અધૂરું રહેતાં તેની તારીખ લંબાવવામાં આવી હતી. હવે ફિલ્મ ૨૧ જાન્યુઆરી, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે. તાજેતરમાં ત્રણેય કલાકારોનાં પાત્રોનાં પોસ્ટર પણ જાહેર કરવામાં આવ્યાં છે.
કાર્તિક આર્યનની ત્રણ
ફિલ્મો ૨૦૨૭માં
આ વર્ષે મોટા પડદા પર જોવા ન મળેલા કાર્તિક આર્યનની બે ફિલ્મો હવે ૨૦૨૭માં રિલીઝ થશે. 'નાગઝિલ્લા' ૧૨ ફેબ્રુઆરીએ અને શ્રીલીલાની સાથેની મ્યુઝિકલ ફિલ્મ ૩૦ એપ્રિલે રિલીઝ થવાની છે. આ ઉપરાંત શિમિત અમીનની 'કેપ્ટન ઇન્ડિયા' પણ લાંબા સમયથી અટકેલી હતી. હવે આ ફિલ્મ ૧૩ ઓગસ્ટ, ૨૦૨૭ના રોજ સિનેમાઘરોમાં આવશે.
‘ખોસલા કા ઘોસલા ૨'ની તારીખ બદલાઈ
૨૦૦૬ની લોકપ્રિય કોમેડી ફિલ્મની સિક્વલ 'ખોસલા કા પોસલા ૨' અગાઉ ૨૮ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ રિલીઝ થવાની હતી. જોકે,
'ટોક્સિક'ને સોલો રિલીઝ આપવા માટે અનેક ફિલ્મોની તારીખો બદલાઈ હતી. અનુપમ ખેર, બોમન ઈરાની અને રણવીર શૌરી જેવા કલાકારોની આ ફિલ્મ હવે ૫ માર્ચ, ૨૦૨૭ના રોજ રિલીઝ થશે. આ દિવસે સલમાન ખાનની ઈદ પર આવનારી ફિલ્મ સાથે તેની ટક્કર થવાની શક્યતા છે.
‘સાઈડ હીરોઝ' પણ એક વર્ષ પાછળ
અપારશક્તિ ખુરાના, વરુણ શર્મા અને અભિષેક બેનર્જી અભિનીત 'સાઈડ હીરોઝ'ની જાહેરાત ૨૦૨૫માં થઈ હતી. ફિલ્મ ફ્રેન્ડશિપ ડે ૨૦૨૬ના અવસરે રિલીઝ થવાની હતી, પરંતુ હવે તે જ અવસરના સપ્તાહમાં, જુલાઈ ૨૦૨૭માં રિલીઝ થવાની અપેક્ષા છે. 'સ્પિરિટ'ની દિવાળી પર રિલીઝ
પ્રભાસની અને સંદીપ રેડ્ડી વાંગા દિગ્દર્શિત 'સ્પિરિટ' અગાઉ માર્ચ ૨૦૨૭માં રિલીઝ થવાની હતી. ઈદ પર સલમાન ખાનની ફિલ્મ સાથે તેની ટક્કર થવાની શક્યતા હતી. જોકે, હવે ફિલ્મની રિલીઝ ૨૯ ઑક્ટોબર, ૨૦૨૭ સુધી મુલતવી રાખવામાં આવી છે. દિવાળીના અવસરે રિલીઝ થનારી આ ફિલ્મની ટક્કર નિતેશ તિવારીની 'રામાયણઃ પાર્ટ ૨' સાથે થઈ શકે છે
