'રાઈઝ એન્ડ ફોલ 2' માંથી બહાર આવતા જ જાણીતી પંજાબી અભિનેત્રી સારા ગુરપાલને મળી જાનથી મારી નાખવાની અને દુષ્કર્મની ભયાનક ધમકીઓ
સોશિયલ મીડિયા પર પરિવારને ટાર્ગેટ કરવા સામે સાયબર ક્રાઈમમાં કડક કાર્યવાહીની માંગ, બિગ બોસ ફેમ અભિનેત્રીએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

ચંદીગઢ : 'રાઈઝ એન્ડ ફોલ 2' રિયાલિટી શોમાંથી બહાર થયા બાદ પંજાબી ગાયિકા અને અભિનેત્રી સારા ગુરપાલ સાથે જોડાયેલા એક ચોંકાવનારા મામલાએ મનોરંજન જગતમાં હલચલ મચાવી દીધી છે. શોમાંથી બહાર આવ્યા બાદ અભિનેત્રી અને તેના પરિવારને સોશિયલ મીડિયા પર સતત જાનથી મારી નાખવાની તેમજ રેપ કરવાની ગંદી ધમકીઓ મળી રહી છે, જેને લઈને સોશિયલ મીડિયા પર રોષ ફેલાયો છે.
'બિગ બોસ 14'ની પૂર્વ કન્ટેસ્ટન્ટ રહી ચૂકેલી સારા ગુરપાલે ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા આ સમગ્ર દર્દનાક અને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે સોશિયલ મીડિયા પર ઓનલાઈન ઉત્પીડનનો ભોગ બન્યાની વેદના વ્યક્ત કરતા તે ટ્રોલર્સને આડે હાથ લીધા છે જેઓ તેમના શરીર વિશે અભદ્ર અને ગંદી ટિપ્પણીઓ કરી રહ્યા છે.
સારાએ પોતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે લોકો કોઈપણ શોમાં તેમના મંતવ્ય કે રાયથી અસહમત થઈ શકે છે, પરંતુ તેટલા માત્રથી તેમને કે તેમના પરિવારને જાનથી મારવાની અને રેપની ધમકીઓ આપવી તેમજ શરીરને લઈને અભદ્ર વાતો કરવી અત્યંત શરમજનક અને અસ્વીકાર્ય છે. આ મામલે તેમણે 'સાયબર ક્રાઈમ સેલ ઈન્ડિયા'ને પણ સત્તાવાર રીતે ટેગ કરીને ધમકી આપનારાઓ સામે કડક કાનૂની પગલાં લેવાની માંગ કરી છે.
પંજાબી મનોરંજન જગતમાં 'મંજે બિસ્તરે' અને 'શવાની ગિરધારી લાલ' જેવી લોકપ્રિય ફિલ્મોમાં કામ કરી ચૂકેલી સારા ગુરપાલે ચેતવણી આપી છે કે આવા કાયર અને ટ્રોલર્સ સામે જવાબદારી નક્કી થવી જ જોઈએ. આ ઘટનાથી મનોરંજન જગતમાં સેલેબ્રિટીઝ સામે વધતા ઓનલાઈન ઉત્પીડન, સોશિયલ મીડિયા ટ્રોલિંગ અને સુરક્ષાના સવાલો ફરી એકવાર ગંભીર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે.
