૩૨ વર્ષ બાદ સિનેમાઘરોમાં અક્ષય કુમારની 'મોહરા' ની શાનદાર વાપસી: રણબીર કપૂરની 'રામાયણમ્' સાથે થશે રોમાંચક ટક્કર
નવા રીમાસ્ટર્ડ વર્ઝનમાં ૯૦ના દાયકાની આ સુપરહિટ એક્શન-થ્રિલર ફિલ્મ આગામી ૬ નવેમ્બરે મોટા પડદા પર ધમાકો કરવા માટે તૈયાર છે.

મુંબઈ, તા.27: બોલિવૂડની ૯૦ના દાયકાની અત્યંત લોકપ્રિય અને સુપરહિટ એક્શન-થ્રિલર ફિલ્મ ‘મોહરા’ ૩૨ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર સિનેમાઘરોમાં ધમાકેદાર પુનરાગમન કરવા જઈ રહી છે. અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને રવીના ટંડન અભિનીત આ ક્લાસિક ફિલ્મ આગામી ૬ નવેમ્બર, ૨૦૨૬ ના રોજ નવા રીમાસ્ટર્ડ વર્ઝનમાં રિલીઝ થશે. ખાસ વાત એ છે કે આ ફિલ્મની રિલીઝના બરાબર એક દિવસ અગાઉ, ૫ નવેમ્બરે, રણબીર કપૂર અને યશની બહુપ્રતિક્ષિત મેગા બજેટ ફિલ્મ ‘રામાયણમ્’ પણ સિનેમાઘરોમાં આવી રહી છે, જેના કારણે બોક્સ ઓફિસ પર રસપ્રદ ટક્કર જોવા મળશે.
મૂળ રૂપથી આ ફિલ્મ ૧ જુલાઈ, ૧૯૯૪ ના રોજ રિલીઝ થઈ હતી, જેનું નિર્દેશન રાજીવ રાય દ્વારા કરવામાં આવ્યું હતું અને ગુલશન રાયે ત્રિમૂર્તિ ફિલ્મ્સના બેનર હેઠળ તેનું નિર્માણ કર્યું હતું. તે સમયમાં એક્શન, સસ્પેન્સ અને સંગીતની દ્રષ્ટિએ આ ફિલ્મે રેકોર્ડ તોડ સફળતા મેળવી હતી. હવે આ રીમાસ્ટર્ડ વર્ઝન થકી જૂના દર્શકોને ફરીથી મોટા પડદા પર યાદગાર ક્ષણો માણવાની તક મળશે, જ્યારે નવી પેઢીના દર્શકો પણ આ ક્લાસિક સિનેમાનો અનુભવ માણી શકશે.
ફિલ્મની પટકથા વિશાલ અગ્નિહોત્રી નામના કેદીની આસપાસ ફરે છે, જે પોતાની પત્ની અને બહેનની હત્યાનો બદલો લેવા અને ન્યાય મેળવવા માંગે છે. સુનીલ શેટ્ટીએ વિશાલની ભૂમિકા ભજવી હતી, જ્યારે રવીના ટંડન પત્રકાર રોમા સિંહના રોમમાં નજરે પડ્યા હતા. નસીરુદ્દીન શાહ દ્વારા ભજવાયેલ ઉદ્યોગપતિ જિંદાલનું પાત્ર અને અક્ષય કુમાર દ્વારા ઇન્સ્પેક્ટર અમર સક્સેના તરીકેની ભૂમિકાએ ફિલ્મમાં બદલો અને સસ્પેન્સનો શાનદાર સમન્વય સર્જ્યો હતો.
આ ફિલ્મની સ્ટારકાસ્ટમાં અક્ષય કુમાર, રવીના ટંડન, સુનીલ શેટ્ટી અને નસીરુદ્દીન શાહ ઉપરાંત પરેશ રાવલ, ગુલશન ગ્રોવર, રઝા મુરાદ અને સદાશિવ અમરાપુરકર જેવા દિગજ્જ કલાકારોએ પણ મહત્વપૂર્ણ ભૂમિકાઓ અદા કરી હતી. બીજી તરફ, નિતેશ તિવારીના નિર્દેશન હેઠળ બનેલી ‘રામાયણમ્’ માં રણબીર કપૂર ભગવાન શ્રીરામ, સાઈ પલ્લવી માતા સીતા અને યશ રાવણના પાત્રમાં જોવા મળશે, જેને લઈને દર્શકોમાં અભૂતપૂર્વ ઉત્સુકતા જોવા મળી રહી છે.
અહેવાલો અનુસાર, ‘રામાયણમ્’ જેવી મેગા બજેટ ફિલ્મને રિલીઝના પ્રથમ દિવસે વિશ્વભરમાં ૨૦૦ કરોડ રૂપિયાથી વધુની ઓપનિંગ મળવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. આવી શક્તિશાળી નવી ફિલ્મની સામે ૩૨ વર્ષ જૂની ક્લાસિક ફિલ્મ ‘મોહરા’ ને મેદાને ઉતારવી એ બોક્સ ઓફિસ પર એક મોટો અને રોમાંચક પ્રયોગ સાબિત થશે, જેના પર સમગ્ર ફિલ્મ જગતની વિશેષ નજર ટકેલી છે.
આ આગામી ટક્કરથી સ્પષ્ટ થાય છે કે આ વર્ષે તહેવારોની સિઝનમાં દર્શકોને મનોરંજન માટે શાનદાર વિકલ્પો મળી રહેશે. એક તરફ પૌરાણિક ગાથા પર આધારિત ભવ્ય સિનેમા છે તો બીજી તરફ ૯૦ના દાયકાની યાદગાર મસાલા એક્શન ફિલ્મ છે, જે બોક્સ ઓફિસના સમીકરણોમાં કેવો પલટો લાવે છે તે સમય જ બતાવશે.
