બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાનને બોમ્બે હાઈકોર્ટમાંથી મોટી રાહત: ભારત છોડવાના આદેશ પર સ્ટે : આગામી સુનાવણી 2 નવેમ્બરે
ભારતીય નાગરિક ન હોવા છતાં વિરોધ પ્રદર્શનમાં સામેલ થવાનો આરોપ લગાવીને 28 ઓક્ટોબર સુધીમાં દેશ છોડવાનો આદેશ અપાયો હતો

મુંબઈ: મંગળવારે બોમ્બે હાઈકોર્ટ તરફથી બોલિવૂડ અભિનેતા ઈમરાન ખાનને વચગાળાની રાહત મળી. કોર્ટે કેન્દ્ર સરકાર દ્વારા જારી કરાયેલ નોટિસના અમલ પર રોક લગાવી દીધી, જેમાં અભિનેતાને 28 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. હાઈકોર્ટની બેન્ચે નિર્દેશ આપ્યો હતો કે આગામી સુનાવણી સુધી ઈમરાન સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી ન કરવામાં આવે. અભિનેતાએ આ નોટિસને હાઈકોર્ટમાં પડકારી હતી. સુનાવણી દરમિયાન, કેન્દ્ર સરકારનું પ્રતિનિધિત્વ કરતા એડિશનલ સોલિસિટર જનરલ (ASG) એ કોર્ટને આગામી અઠવાડિયા સુધી સુનાવણી મુલતવી રાખવાની વિનંતી કરી અને ત્યાં સુધી ઈમરાન સામે કોઈ દંડાત્મક કાર્યવાહી ન કરવાની અપીલ પણ કરી.બંને પક્ષોની દલીલો સાંભળ્યા પછી, કોર્ટે નોટિસ પર સ્ટે ચાલુ રાખવાનો નિર્ણય લીધો અને આગામી સુનાવણી 2 નવેમ્બર બપોરે 3 વાગ્યે નક્કી કરી. ત્યાં સુધી, અભિનેતાને વચગાળાની રાહત મળશે.મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગણી સાથેના વિરોધ પ્રદર્શનમાં ઈમરાન ખાનના ભાગ લેવાથી આ વિવાદ ઉભો થયો છે. અધિકારીઓનો આરોપ છે કે ભારતીય નાગરિક ન હોવા છતાં રાજકીય પ્રદર્શનમાં ભાગ લઈને, અભિનેતાએ વિદેશી કાયદાની જોગવાઈઓનું ઉલ્લંઘન કર્યું છે.જોકે, હાઈકોર્ટમાં દાખલ કરેલી અરજીમાં ઈમરાન ખાને આ કાર્યવાહીને મનસ્વી ગણાવી. તેમણે કહ્યું કે કોઈપણ પ્રારંભિક તપાસ, કારણદર્શક નોટિસ કે પોતાનો કેસ રજૂ કરવાની તક આપ્યા વિના, તેમને 14 દિવસની અંદર ભારત છોડવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તેમણે આને ન્યાયના સિદ્ધાંતોનું ઉલ્લંઘન ગણાવ્યું.અરજીમાં જણાવાયું છે કે વિરોધ એવી જગ્યાએ થયો હતો જેને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો ન હતો.
