રિલીઝ પહેલાં શાહરૂખની ‘કિંગ’નો ઐતિહાસિક રેકોર્ડ: ₹૧૭૫ કરોડમાં વેચાયા ઓવરસીઝ રાઈટ્સ
નફા માટે ‘પઠાન’-‘જવાન’ જેવી રૂ. ૩૭૫ કરોડની કમાણીનો પડકાર તથા હોલિવૂડની મોટી ફિલ્મો સાથે બોક્સ ઓફિસ પર ટક્કર

મુંબઈ : બોલિવૂડના કિંગ ખાન શાહરૂખ ખાનની આગામી મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘કિંગ’એ રિલીઝ થતા પહેલા જ બોક્સ ઓફિસ પર એક નવો ઇતિહાસ રચી દીધો છે. આ ફિલ્મના ઓવરસીઝ થિએટ્રિકલ રાઈટ્સ રૂ. ૧૭૫ કરોડની રેકોર્ડબ્રેક કિંમતે વેચાયા છે, જે ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી ઓવરસીઝ રાઈટ્સ ડીલ માનવામાં આવે છે. ફાર્સ ફિલ્મ્સે આ રાઈટ્સ ખરીદ્યા છે, જ્યારે આ અગાઉ ફિલ્મના ઓલ ઈન્ડિયા થિએટ્રિકલ રિલીઝ રાઈટ્સ પણ રૂ. ૨૫૦ કરોડમાં વેચાયા હોવાનું સામે આવ્યું હતું.
ડિસ્ટ્રિબ્યુશન ડીલના ગણિત મુજબ, વિદેશોમાં ડિસ્ટ્રિબ્યુટર્સને સામાન્ય રીતે બોક્સ ઓફિસ ગ્રોસનો ૫૦% હિસ્સો મળે છે. આ કારણે ‘કિંગ’ને વિદેશી બજારમાં માત્ર નો-પ્રોફિટ નો-લોસ (બ્રેક ઈવન) સ્થિતિ સુધી પહોંચવા માટે જ લગભગ ૩૭-૪૦ મિલિયન ડોલર એટલે કે રૂ. ૩૫૦ થી ૩૭૫ કરોડનું ગ્રોસ કલેક્શન કરવું પડશે. ફિલ્મ જો નફો કમાવવા માંગતી હોય તો તેણે શાહરૂખની અગાઉની બ્લોકબસ્ટર ફિલ્મો ‘પઠાન’ (રૂ. ૪૦૦ કરોડ) અને ‘જવાન’ (રૂ. ૪૦૦ કરોડ) જેટલી જ તોતિંગ કમાણી કરવી પડશે. આ ઉપરાંત, વિદેશમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે આ ફિલ્મે ‘ધુરંધર 2’ (રૂ. ૪૬૦ કરોડ) અને ‘RRR’ (રૂ. ૪૩૦ કરોડ) ના રેકોર્ડ્સ સુધી પહોંચવું જરૂરી બની જશે.
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં રેડ ચિલીઝ એન્ટરટેનમેન્ટ અને માર્ફિલ્ક્સ પિક્ચર્સ દ્વારા સંયુક્ત રીતે નિર્માણ પામી રહેલી આ ફિલ્મમાં શાહરૂખ ખાન એક અનોખા એક્શન અવતારમાં નજરે પડશે. એક ગુરુ અને શિષ્યની યાત્રા પર આધારિત આ ફિલ્મમાં શાહરૂખની સાથે દીપિકા પાદુકોણ, રાની મુખર્જી, અભિષેક બચ્ચન, સુહાના ખાન, અનિલ કપૂર, અભય વર્મા અને અરશદ વારસી જેવા કલાકારો મુખ્ય ભૂમિકામાં છે. ક્રિસમસ 2026 પર રિલીઝ થનારી આ ફિલ્મની સીધી ટક્કર હોલિવૂડની ‘જુમાન્ઝી’, ‘એવેન્જર્સઃ ડૂમ્સ ડે’ અને ‘ડ્યૂન 3’ જેવી મહાકાય ફિલ્મો સામે થવાની હોવાથી વૈશ્વિક સ્તરે મોટા થિયેટર રિલીઝનું પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે.
રૂ. ૧૭૫ કરોડની વિદેશી ડીલ બાદ હવે ફિલ્મના મ્યુઝિક, સેટેલાઇટ અને ઓટીટી (OTT) ડિજિટલ રાઇટ્સ માટે પણ ઓવરસીઝ પ્લેટફોર્મ્સ વચ્ચે ભારે સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. ફિલ્મનું શૂટિંગ હાલ આંતરરાષ્ટ્રીય લોકેશન્સ પર પુરજોશમાં ચાલી રહ્યું છે અને ટૂંક સમયમાં જ ફિલ્મના ફર્સ્ટ લુક અને ગ્લોબલ પ્રમોશનલ ટ્રેલરની તારીખ જાહેર કરવામાં આવશે. વિશ્વભરમાં ‘કિંગ’ને મહત્તમ સ્ક્રીન્સ મળે તે માટે ટ્રેડ એનાલિસ્ટ્સ અને મેકર્સ વચ્ચે હોલિવૂડ ફિલ્મો સામે સ્ક્રીન કાઉન્ટ મેનેજ કરવા અંગેની ચર્ચાઓ આખરી તબક્કામાં પહોંચી છે.
