LACMA આર્ટ+ફિલ્મ ગાલામાં હૃતિક રોશનનું શાનદાર ડેબ્યૂ: કાઇલી જેનર અને કિમ કાર્દાશિયન સાથે ચમક્યા
વૈશ્વિક મંચ પર ઈતિહાસ રચતા ભારતીય સુપરસ્ટારે હોલીવુડની દિગ્ગજ હસ્તીઓ વચ્ચે ક્લાસિક લુકમાં જમાવ્યું આકર્ષણ

લોસ એન્જલસ : કલા, સિનેમા અને ફેશનની દુનિયાના સૌથી પ્રતિષ્ઠિત મંચ ગણાતા 'LACMA આર્ટ+ફિલ્મ ગાલા'ના ૧૫મા સંસ્કરણનું લોસ એન્જલસ કાઉન્ટી મ્યુઝિયમ ઓફ આર્ટ ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ વાર્ષિક ફંડ રેઝિંગ કાર્યક્રમમાં દુનિયાભરની હોલીવુડ હસ્તીઓ, પ્રખ્યાત અભિનેતાઓ, ટોપ મોડેલો અને દિગ્ગજ પ્રભાવશાળી વ્યક્તિઓ એકત્ર થયા હતા. આ વૈશ્વિક મંચ પર સૌથી મોટું અને ગર્વ લેવા જેવું આકર્ષણ ભારતીય સુપરસ્ટાર ઋતિક રોશનનું રહ્યું, જેમણે આ ભવ્ય સમારોહમાં પ્રથમ વખત ડેબ્યૂ કરીને ઈતિહાસ રચ્યો છે અને આ પ્રતિષ્ઠિત સાંસ્કૃતિક કાર્યક્રમમાં આમંત્રણ મેળવનાર તેઓ પ્રથમ ભારતીય અભિનેતા બન્યા છે.
આ ગ્લોબલ રેડ કાર્પેટ પર ઋતિક રોશને સફેદ શર્ટ અને સ્ટાઇલિશ બો ટાઇ સાથેનો ક્લાસિક બ્લેક સૂટ પહેરીને અત્યંત હેન્ડસમ લુકમાં એન્ટ્રી કરી હતી, જેને વિશ્વભરમાં ભારે પ્રશંસા મળી હતી. તેમની સાથે આ ઇવેન્ટમાં કાઇલી જેનરે આશી સ્ટુડિયોના ફોલ/વિન્ટર ૨૦૨૬ કલેક્શનના બ્રાઉન-એન્ડ-સિલ્વર ડીયર-પ્રિન્ટ ગાઉનમાં આકર્ષક દેખાવ આપ્યો હતો. જ્યારે કિમ કાર્દાશિયાને ફ્લોર-લેન્થ બર્ગન્ડી સિક્વિન્ડ ગાઉન અને હાઈ નેકલાઇનવાળા કસ્ટમ ગુચી ક્રિએશનથી સૌનું ધ્યાન ખેંચ્યું હતું, જેણે આ સાંજની ગ્લેમરસ સુંદરતામાં ચાર ચાંદ લગાવી દીધા હતા.
આ સ્ટાર-સ્ટડેડ ઇવેન્ટમાં અન્ય પ્રખ્યાત હસ્તીઓની વાત કરીએ તો, રોઝી હંટીંગ્ટન-વ્હાઇટલીએ કાળા ફ્લોર-લેન્થ આઉટફિટ અને શિલ્પયુક્ત હાઇ નેકલાઇન સાથે રેડ કાર્પેટ પર ધમાકો મચાવ્યો હતો. આ ઉપરાંત એન્ડ્રુ ગારફિલ્ડે કસ્ટમ ગુચી આઉટફિટ સાથે 'જેગર-લેકુલટ્રે' ઘડિયાળ પહેરીને અત્યાધુનિક ઓપ આપી હતી, તો બીજી તરફ ભારતના જાણીતા ઉદ્યોગપતિ પરિવારના નતાશા પૂનાવાલાએ ટોમ ફોર્ડ દ્વારા ડિઝાઈન કરાયેલ ગુચીના ૨૦૦૪ના ફોલ કલેક્શનના વિન્ટેજ ડ્રેસ દ્વારા આ ગાલામાં રેટ્રો અને આર્કાઇવલ ફેશનની શાનદાર ઝલક રજૂ કરી હતી.
આ ભવ્ય આંતરરાષ્ટ્રીય ગાલામાં ઋતિક રોશનની ઉપસ્થિતિએ વૈશ્વિક મંચ પર ભારતીય સિનેમા અને કલાકારોના વધતા પ્રભાવ અને પ્રતિનિધિત્વને નવી ઊંચાઈઓ આપી છે. આગામી સમયમાં આ પ્રકારના વૈશ્વિક સાંસ્કૃતિક મંચો પર ભારતીય કલાકારોની ભાગીદારી વધુ દ્રઢ બનશે તેવી આશા સેવાઈ રહી છે, જે દેશ માટે ગર્વની ક્ષણ સાબિત થશે.
