15 વર્ષ બાદ મોટા પડદે જામશે શાહરૂખ અને કરીનાની જોડી; ‘કિંગ’ ફિલ્મનું નવું ગીત ‘ડેડી કૂલ’ થશે રિલીઝ
સચિન-જીગરના સંગીતમાં તૈયાર થયેલા ડાન્સ ટ્રેકની દર્શકોમાં ભારે ઉત્સુકતા; ક્રિસમસ નિમિત્તે 24 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થશે મલ્ટીસ્ટારર ફિલ્મ

મુંબઈ, તા.25: સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’નું બીજું ગીત ‘ડેડી કૂલ’ આજે લોન્ચ થવાની પ્રબળ શક્યતા વચ્ચે મુંબઈના સિનેમા જગતમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે આ ગીત દ્વારા શાહરૂખ ખાન અને કરીના કપૂર ખાન આશરે 15 વર્ષ બાદ ફરી એકવાર મોટા પડદા પર સાથે જોવા મળશે.
સંગીતકાર જોડી સચિન-જીગર દ્વારા કમ્પોઝ કરવામાં આવેલું ‘ડેડી કૂલ’ એક અત્યંત એનર્જેટિક ડાન્સ ટ્રેક હોવાનું માનવામાં આવી રહ્યું છે. અગાઉ રિલીઝ થયેલા ‘તું મિલ જાયે’ ગીત બાદ આ નવો ડાન્સ નંબર ફિલ્મના મ્યુઝિક આલ્બમનું સૌથી મોટું આકર્ષણ ગણવામાં આવી રહ્યું છે.
અગાઉ શાહરૂખ ખાન અને કરીના કપૂરે ‘કભી ખુશી કભી ગમ’, ‘અશોકા’ અને ‘રા.વન’ જેવી સુપરહિટ ફિલ્મોમાં સાથે કામ કરીને દર્શકોના દિલ જીત્યા હતા. આ નવા ગીતમાં કરીના કપૂર ખાસ અંદાજમાં નજર આવશે, જેની પુષ્ટિ તેણે શાહરૂખ ખાનના જન્મદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને કરી હતી.
જોકે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૂત્રોના જણાવ્યા અનુસાર મેકર્સ અંતિમ સમયે ‘ડેડી કૂલ’ના બદલે ફિલ્મનં ટાઈટલ ટ્રેક રજૂ કરવા અંગે પણ વિચારણા કરી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે, તેમ છતાં ચાહકોમાં ‘ડેડી કૂલ’ ગીતને લઈને સૌથી વધુ ઉત્સુકતા જોવા મળી રહી છે.
આ ભવ્ય મલ્ટીસ્ટારર ફિલ્મમાં શાહરૂખ ખાન અને કરીના કપૂર ઉપરાંત સુહાના ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, અનિલ કપૂર અને રાણી મુખર્જી જેવા દિગ્ગજ કલાકારો મહત્વની ભૂમિકામાં જોવા મળશે.
ક્રિસમસના તહેવારને ધ્યાનમાં રાખીને ‘કિંગ’ ફિલ્મ આગામી 24 ડિસેમ્બર, 2026ના રોજ વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે, અને નવા ગીતના લોન્ચિંગ સાથે ફિલ્મના પ્રમોશન અભિયાનને વધુ વેગ મળવાની પૂરી શક્યતા છે.
