<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" /> dasdasd
News of Thursday, 26th November 2026

શાહરૂખ ખાન અને ઇન્ફ્લુએન્સર વચ્ચેના વિવાદમાં નવો વળાંક: કિંગ ખાને સુવિજ્ઞ શર્માને કોઈ લીગલ નોટિસ મોકલી નથી, અભિનેતાની કાયદાકીય ટીમે કરી મોટી સ્પષ્ટતા

વાયરલ રીલ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર ફરતી ૨૩ નવેમ્બરની નોટિસ નકલી હોવાનું ખુલ્યું; હિરાની એસોસિએટ્સે મીડિયા હાઉસને ભ્રામક સામગ્રી દૂર કરવા કરી અપીલ, તો બીજી તરફ સમાન નામ ધરાવતા કલાકારે પણ વિવાદથી છેડો ફાડ્યો

મુંબઈ, તા. ૨૬:બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાન અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સુવિજ્ઞ શર્મા વચ્ચે ચાલી રહેલા લીગલ નોટિસના વિવાદમાં એક મોટો વળાંક આવ્યો છે. શાહરૂખ ખાનની અધિકૃત કાયદાકીય પેઢી 'હિરાની એસોસિએટ્સ' (Hirani Associates) દ્વારા સત્તાવાર નિવેદન જારી કરીને સ્પષ્ટતા કરવામાં આવી છે કે અભિનેતાએ ઇન્ફ્લુએન્સર સુવિજ્ઞ શર્માને કોઈપણ પ્રકારની કાયદાકીય નોટિસ મોકલી નથી. સોશિયલ મીડિયા અને કેટલાક સમાચાર અહેવાલોમાં ૨૩ નવેમ્બર, ૨૦૨૬ની તારીખવાળી જે કથિત નોટિસ ફરી રહી છે, તેને શાહરૂખ ખાન સાથે કોઈ લેવાદેવા નથી.

વકીલોની ટીમે જણાવ્યું હતું કે શાહરૂખ ખાને ન તો તેમને કે ન તો અન્ય કોઈ લો ફર્મને આવી કોઈ નોટિસ જારી કરવા માટે સૂચના આપી છે. આ સાથે જ કાયદાકીય ટીમે તમામ મીડિયા હાઉસ અને સોશિયલ મીડિયા પેજોને અપીલ કરી છે કે તેઓ કોઈપણ અહેવાલ પ્રકાશિત કરતા પહેલા હકીકતની ચકાસણી કરે અને જે પોસ્ટ કે સમાચારમાં આ નોટિસ શાહરૂખ ખાન દ્વારા મોકલાઈ હોવાનો ખોટો દાવો કરાયો હોય, તેને તાત્કાલિક સુધારે અથવા દૂર કરે.

આ સમગ્ર વિવાદ વચ્ચે એક રસપ્રદ ઘટનાક્રમમાં 'સુવિજ્ઞ શર્મા' નામના એક જાણીતા કલાકારે પણ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ પર સ્પષ્ટતા કરવી પડી છે. તેમણે જણાવ્યું હતું કે શાહરૂખ ખાનની લીગલ નોટિસ અંગેના સમાચાર તેમના જેવું જ નામ ધરાવતી અન્ય કોઈ વ્યક્તિ સાથે સંબંધિત છે અને તેમને આ વિવાદ સાથે કોઈ જ સંબંધ નથી, તેથી લોકો ખોટી અટકળો ન ફેલાવે.

નોંધનીય છે કે આ વિવાદની શરૂઆત ઇન્ફ્લુએન્સર સુવિજ્ઞ શર્માની એક વાયરલ ઇન્સ્ટાગ્રામ રીલથી થઈ હતી, જેમાં અનંત અંબાણી આધ્યાત્મિક ગુરુ સદગુરુ અને શાહરૂખ ખાન સાથે વાતચીત કરતા દેખાતા હતા. પોસ્ટમાં એવો દાવો કરાયો હતો કે અનંત અંબાણીએ શાહરૂખને “ચૂપ રહેવા” કહ્યું હતું. ત્યારબાદ એવી અફવા ફેલાઈ હતી કે શાહરૂખે ૨૩ નવેમ્બરે શર્માને માનહાનિની નોટિસ મોકલી ૪૮ કલાકમાં રીલ હટાવવા કહ્યું છે, જેને હવે અભિનેતાના વકીલોએ સંપૂર્ણપણે પાયાવિહોણી ગણાવી છે.

(5:32 PM IST)