'કોફી વિથ કરણ 9'માં મજેદાર ટ્વિસ્ટ: "તું મફતમાં કામ કરી રહ્યો છે?" ટ્વિંકલ ખન્નાએ અક્ષય કુમારને ટોક્યો, કરણ જોહરે લીધી મજા
શો દરમિયાન અક્ષયે સ્પીકર પર ટ્વિંકલને લગાવ્યો ફોન; કરણે ટ્વિંકલને પૂછ્યું—'દરેક વસ્તુ માટે પૈસાની જરૂર છે?', એપિસોડમાં અક્ષય સાથે રવિ કિશન પણ જોવા મળ્યા

મુંબઈ : 'કોફી વિથ કરણ 9' ના તાજેતરના એપિસોડમાં બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને ટ્વિંકલ ખન્ના વચ્ચેની રમૂજી વાતચીતે ખાસ્સી રંગત જમાવી હતી. શો દરમિયાન હોસ્ટ કરણ જોહરે અક્ષયને એક ટાસ્ક આપ્યું હતું, જેમાં તેમણે પોતાના નજીકના મિત્રને ફોન કરવાનો હતો. અક્ષયે પોતાની પત્ની ટ્વિંકલ ખન્નાને ફોન જોડ્યો અને ફોન સ્પીકર પર રાખીને વાતચીત શરૂ કરી, જેનાથી શોમાં હાજર લોકો પણ ખડખડાટ હસી પડ્યા હતા.
અક્ષયે ટ્વિંકલને જણાવ્યું કે તે 'કોફી વિથ કરણ'ના સેટ પર છે, ત્યારે ટ્વિંકલે કહ્યું કે ગઈકાલે જ કરણ સાથે તેની વાત થઈ હતી અને કરણે તેને રેપિડ ફાયર રાઉન્ડ જજ કરવાનું કહ્યું હતું, પરંતુ અક્ષય આજે શોમાં જઈ રહ્યો છે તેની તેને જાણ નહોતી. ત્યારબાદ ટ્વિંકલે અચરજ વ્યક્ત કરતા અક્ષયને કહ્યું કે, "તું મફતમાં કામ કરી રહ્યો છે, મને આશ્ચર્ય થયું."
ટ્વિંકલની આ વાત સાંભળીને કરણ જોહરે તરત જ મજાકના અંદાજમાં પૂછ્યું, "ઓહ, ખરેખર? તો, શું તમને દરેક વસ્તુ માટે પૈસાની જરૂર છે?" તેના પર ટ્વિંકલે હસતા હસતા કહ્યું, "અરે, તે પણ સાંભળી રહ્યો છે." કરણે વધુ ચીડવતા કહ્યું કે, "તમે કેવી રીતે કહી શકો છો કે મારે તમારા પતિને 'કોફી વિથ કરણ'માં આવવા માટે પૈસા આપવા જોઈએ? હું તેને બિલકુલ કાપીશ નહીં, અને તે એપિસોડમાં જ રહેશે."
આ રમૂજી એપિસોડમાં અક્ષય કુમારની સાથે ભોજપુરી સિનેમાના જાણીતા અભિનેતા અને સાંસદ રવિ કિશન પણ જોવા મળ્યા હતા. અક્ષય, રવિ કિશન અને કરણ જોહર વચ્ચે શોમાં ખૂબ જ મસ્તી અને રસપ્રદ સવાલ-જવાબનો દોર ચાલ્યો હતો, જેણે દર્શકોનું ભરપૂર મનોરંજન કર્યું હતું.
