Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

FCI માં મોકલવાનું અનાજ રાઈસ મિલમાં મોકલાયું

સાણંદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઇ : નરોડામાં સરકારી અનાજ ખરીદવામાં કાળાબજારની રાઇસ મિલમાં ઉતારવામાં આવ્યા હોવાના આરોપ સાથેે ફરિયાદ

અમદાવાદ,તા.૭ : અમદાવાદ શહેરના કાળીગામ વિસ્તારમાં આવેલ એફસીઆઈ ગોડાઉનથી સરકારી અનાજના કાળાબજારનો મામલો સામે આવ્યો છે. એફસીઆઈ ગોડાઉનથી ૧૨૨૦ કટ્ટા ચોખાના જે સાણંદ ખાતેના સરકારી ગોડાઉને જમા કરવાના હતાં તે સીધા નરોડામાં સરકારી અનાજ ખરીદવામાં કાળાબજારની નામચીન પદ્માવતી રાઇસ મિલમાં ઉતારવામાં આવ્યા હોવાના આરોપ સાથે ફરિયાદ દાખલ થઇ છે. શહેરના કાળીગામ વિસ્તારમાં આવેલ એફસીઆઈ ગોડાઉનથી સરકારી અનાજનો જથ્થો સીધા કાળાબજારમાં નરોડાની પદ્માવતી રાઇસ મિલમાં ઉતારી દેવાના મામલે સાણંદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ થઇ છે. ગુજરાત સરકારના સરકારી ગોડાઉનના આસ્ટીટન્ટ મેનેજર કેતુલભાઇ મેહશ ભાઇ પટેલે ત્રણ શખ્સો ગુલામ રસૂલ બચુભાઇ સંઘી ( ડ્રાઇવર) યુસુફભાઇ રસુલભાઇ કાજી અને કાળાબજારના સરકારી અનાજના જથ્થા ખરીદવામાં નામચીન પદ્માવતી રાઇસમીલ નરોડાના માલિક સામે ફરિયાદ નોંધાવેલ છે.

          એફસીઆઈ ગોડાઉનથી સરકારી અનાજ એવા ચોખાના ૧૨૨૦ કટ્ટાનો જથ્થો ભરી સાણંદના સરકારી ગોડાઉને ઉતારવાનો હતો તે ત્રણ જુદી-જુદી ટ્રકો ( ટ્રક નંબર જીજે૦૧ એ વાય-૮૦૫૪માં ૪૨૦ કટ્ટા, તેમજ જીજે૦૧ એવાય ૮૨૫૪માં ૪૦૦ કટ્ટા ઘઉં ભરેલ, તથા એસએસયુ૦૧ એ.વાય ૮૮૩૧માં ૪૦૦ કટ્ટા ચોખા ભરીને સીધાજ નરોડા ખાતે આવેલ પદ્માવતી રાઇસ મીલ ખાતે ઉતારવામાં આવ્યો હોવાનો ગાંધીનગરના મદદનીશ અન્ન અને નાગરિક પુરવઠા અધિકારીના હાથે રંગે હાથ ઝડપાઇ ગયા હતા. ગાંધીનગર પુરવઠા અધિકારીઓની ટીમ તપાસ માટે સાણંદ સરકારી ગોડાઉને હાજર હતી ત્યારે ટ્રક ડ્રાઇવર માત્ર ટ્રક એન્ટ્રી કરાવવા માટે ખાલી ટ્રકો લઇને ગોડાઉને પહોંચ્યા હતા. આ ૩ ટ્રકોમાં ૧૨૨૦ કટ્ટા હતા, ડ્રાઇવરની પુછપરછ કરતા આખરે ડ્રાઇવર અધિકારીઓ સામે ભાંગી પડ્યો હતો અને તેને કબૂલાત કરી હતી કે તેણે આ તમામ કટ્ટા બારોબાર નરોડાની પદ્માવતી મિલમાં ઉતારી દીધો છે. આથી ટ્રકને ગોડાઉનમાં જમા લઇ આખરે ગોડાઉન મેનેજર મારફતે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. જો કે આ ફરિયાદ સામે ટ્રકોના જીપીએસ સિસ્ટમ પ્રમાણે પોલીસે તપાસ શરૃ કરી દીધી છે, પણ સરકારી અનાજનો જે જથ્થો આમ જનતા ને રેશનીંગ ઉપર આપવામાં આવે છે, તે સીધા કાળાબજારમાં મીલરો ખરીદી લે છે અને નરોડાની આ પદ્માવતી મીલ કાળાબજારના જથ્થાને ખરીદવા માટે નામચીન છે પણ આખરે ફરિયાદ થઇ છે.

             જો કે અમદાવાદ શહેરના બાપુનગર નરોડા મેઘાણીનગર વટવા, રખિયાલ મણીનગર સહિત અનેક વિસ્તારોના રેશનીંગની દુકાને આવતા સરકારી ઘંઉ અને ચોખા જાત-જાતના જુના ખાલી કટ્ટામાં પલટી મારીને બદલીને પણ આ મીલમાં ઉતરતા હોવાની અનેક ગંભીર બાબતો પણ છે, જેની તપાસ કરવામાં આવે તો અનેક લોકોને કાળાબજાર હેઠળ પાસામાં જેલના સળિયા પાઠળ ધકેલી શકાય. સમગ્ર મામલે કોઈ મોટી વ્યક્તિનો હાથ હોવાની શંકા જાય છે. આમ સરકારી અનાજ સગેવગે થઈ જતા ગરીબોના ભાણામાંથી ભોજન છીનવાય છે ત્યારે સરકારી અધિકારીએ સતર્કતા વાપરી આજે તો મામલો બહાર પાડ્યો પરંતુ આખા રાજ્યમાં કેટ કેટલી જગ્યાએ આ રીતે મિલીભગતથી સરકારી અને ગરીબોના અનાજની બારોબાર વહેચણી થઈ જાય છે તે તપાસનો વિષય બન્યો છે. હવે જોવાનું એ છે, કે આ પોલીસ ફરિયાદ બાદ પદ્માવતી મીલના માલિકની ધરપકડ કરી ઉંડી તપાસ થશે કે કેમ અને અનેક ગુનાઓ સામેથી પડદો ઉચકાય એ જરૃરી છે, પણ આ પદ્માવતી મીલના માલિક પ્રવીણ સામે પણ પાસા જેવા ગંભીર ગુના હેઠળ કાર્યવાહી થશે કે કેમ..તે પ્રશ્ન તો હજુ છે..જ કેમ કે ઘણી વખત નાનો શિકાર ઉભો કરી મોટાને પોલીસ બચાવી લેતી હોય છે.

(9:26 pm IST)