Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં જામશે ત્રિ-પાંખિયો જંગ: એનસીપી-કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ચૂંટણી નહીં લડે

NCP તમામ 8 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે. વર્તમાન મુદ્દાઓને ચૂંટણી પ્રચારમાં આવરી લેવાની રણનીતિ

અમદાવાદ : ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ત્રિ-પાંખિયો જંગ જામશે. ગુજરાતમાં ભાજપ-કોંગ્રેસ અને NCP વચ્ચે ટક્કર થશે. કારણ કે NCP કોંગ્રેસ સાથે ગઠબંધનમાં ચૂંટણી નહીં લડે. NCP તમામ 8 બેઠક પર પોતાના ઉમેદવાર ઉતારશે. વર્તમાન મુદ્દાઓને ચૂંટણી પ્રચારમાં આવરી લેવાની રણનીતિ ઘડાઈ છે. NCPને પેટાચૂંટણીમાં ફાયદો થશે તેવો NCPના નેતાઓએ દાવો કર્યો છે.

પેટાચૂંટણી જાહેર થતા હવે પક્ષો દ્વારા ઉમેદવાર પસંદગી માટે મથામણ શરૂ થઇ છે. કોંગ્રેસ, ભાજપ અને NCP દ્વારા 8 બેઠકો માટે ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને NCP ત્રણેય પક્ષો આઠેય બેઠકો પર પોતપોતાની જીત થવાના દાવા કરી રહ્યા છે. તેવામાં હવે પેટાચૂંટણીને લઇ રાજકીય પક્ષોમાં બેઠકોનો ધમધમાટ શરૂ થઇ ચૂક્યો છે. રાજ્યમાં 8 બેઠક અબડાસા, લીંબડી, મોરબી, ધારી, ગઢડા, કરજણ, ડાંગ અને કપરાડા બેઠક પર મતદાન યોજાશે ટુંક સમયમાં પક્ષો પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરશે.

(10:04 pm IST)