Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સુરતના કાપડ બજાર સવારે ૧૦ થી રાત્રે ૯ સુધી ખુલ્લી રહેશેઃ મનપા કમિશનરે ગાઈડલાઈનના પાલન સાથે આપી મંજુરી

સુરત,તા. ૮: કોરોનાકાળ દરમિયાન સૌથી વધુ અસર રાજયના ધંધા-રોજગાર પડી છે. જેમાં સુરત ખાતે હીરા ઉદ્યોગ બજાર અને ટેકસટાઇલ માર્કેટ સાવ ઠપ થઇ ગયા હોવાનું જોવા મળ્યું. જો કે હવે અનલોકમાં ધીરે-ધીરે છૂટછાટ આપતા શહેરમાં ધંધા-રોજગારની ગાડી પાટા પર ચડતી જોવા મળી રહી છે. ત્યારે સુરત ખાતે કાપડના બજારના વેપારીઓની માગ સ્વીકારી લેવામાં આવતા હવેથી કાપડ બજાર સવારે ૧૦થી રાત્રે ૯ વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

રાજયમાં એક તરફ વાર-તહેવારની મોસમ આવી રહી છે. નવરાત્રી તેમજ દિવાળીનો તહેવાર નજીક આવતો હોવાના કારણે વેપારી એસોસિયેશન દ્વારા શહેરની કાપડ બજારનો સમય વધારવા માટે માગ કરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે રાજયમાં એક તરફ કોરોના વાયરસની મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે કોરોનાને લઇને જાહેર કરાયેલા લોકડાઉન બાદ કાપ ઉદ્યોગના ધંધામાં મંદી જોવા મળી રહી હતી. ત્યારે હવે દિવાળીનો તહેવાર હોય કાપડ બજારના વેપારીઓની માંગનો સ્વીકાર કરી સવારે ૧૦થી રાત્રે ૯ સુધી ખુલ્લા રાખવાની મનપા કમિશ્નરે ગાઇડલાઇનના પાલન સાથે મંજૂરી આપી છે.

(11:55 am IST)