Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અડધો લાખ મતદારો પોસ્ટલ બેલેટવાળાઃ પરિણામોમાં મોડુ થશે

૮ વિધાનસભા બેઠકોમાં દિવ્યાંગો, ૮૦ વર્ષથી ઉપરના મતદારો અને કોરોના ગ્રસ્તને ઘરે બેઠા મતદાનની તકઃ મતપત્રકથી મળનાર મતોની ગણતરી પૂરી થયા પછી મશીનના મત ગણાશેઃ ગણતરીમાંં ટેબલો વધારાશે

રાજકોટ તા. ૮ :.. ગુજરાત વિધાનસભાની ૮ બેઠકોની પેટાચૂંટણી માટે આવતીકાલે જાહેરનામું બહાર પડવાની સાથે ફોર્મ ભરવાની મુદત શરૂ થશે. રાજકીય પક્ષોના ઉમેદવારો સામાન્ય રીતે છેલ્લા એક - બે દિવસમાં ફોર્મ રજુ કરતા હોય છે. આ વખતે કોરોનાને અનુલક્ષીને વિશેષ નીતિ નિયમો સાથે ચૂંટણી આવી છે.

ચૂંટણી ફરજમાં રોકાયેલા સરકારી કર્મચારીઓ ઉપરાંત દિવ્યાંગો અને ૮૦  વર્ષથી વધુ વયના મતદારો ઇચ્છે તો ઘરે બેઠા પોસ્ટલ બેલેટ (પત્રથી મતદાન) સુવિધાનો લાભ મેળવી શકશે. ૮ મતક્ષેત્રોમાં આવી પાત્રતા ધરાવતા મતદારોની સંખ્યા પ૦ હજાર આસપાસ હોવાનો અંદાજ ચૂંટણી પંચના વર્તુળો સામે છે. ઉપરાંત કોરાના સંક્રમીત અને સંભવીત લોકોને પણ પોસ્ટલ મતની સુવિધાનો લાભ મળવાપાત્ર થશે. ઉમેદવારો માટે ઓનલાઇન ઉમેદવારીની સુવિધા આપવામાં આવી છે.

દિવ્યાંગો અને ૮૦ વર્ષથી વધુ ઉંમરના મતદારોને ચૂંટણી પંચના કર્મચારી ઘરે જઇને ફોર્મ નં. ૧ર-ડી પહોંચાડશે બુથ લેવલ ઓફીસર તેની ચકાસણી કર્યા બાદ નિર્ધારિત સમયે છાપેલ મતપત્રક આવશે. મતદાર મત આપી ધ્યે પછી બધા બેલેટ પેપર એકત્ર કરાશે.

મત ગણતરીના દિવસે સૌથી પહેલી ગણતરી પોસ્ટલ બેલેટની થશે. ત્યારબાદ ઇવીએમના મત ગણાશે. દર વર્ષે પત્રકના મતની સંખ્યા મર્યાદિત હોય છે. આ વર્ષે આવા મતની સંખ્યા હજારોમાં થવાની સંભાવના છે. મત ગણતરી ટેબલો વધારાશે છતાં પોસ્ટલ મત વધવાના કારણે પરિણામમાં દર વખત કરતા આશરે બે કલાક મોડુ થવાની સંભાવના જાણકાર વર્તુળો દર્શાવી રહ્યા છે. (પ-૧ર)

ચૂંટણી કાર્યક્રમ

. ઉમેદવારી (કાલથી) તા. ૯ થી ૧૬

. ફોર્મ ચકાસણી તા. ૧૭

. પાછા ખેચવાનો છેલ્લો દિ' તા.૧૯

. મતદાન તા. ૩ નવેમ્બર

. મત ગણતરી તા.૧૦ નવેમ્બર

(12:17 pm IST)