Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

કોરોનાના દર્દી માટે જડીબુટ્ટી સમાન પ્‍લાઝમાના ડોનરો ઘટી રહ્યા છેઃ બને તેટલા વધુ લોકો પ્‍લાઝમા ડોનેટ કરવા આગળ આવેઃ અમદાવાદના ડો. મૈત્રેય ગજ્જરે 63 વર્ષની ઉંમરે પણ બે વાર પ્‍લાઝમા ડોનેટ કર્યું

અમદાવાદ: કોરોનાના દર્દીઓ માટે પ્લાઝમા થેરેપી કારગત નીવડી છે. તો અનેક દર્દીઓ માટે આ થેરેપી નવુ જીવનદાન લઈને આવી છે. આવામાં પ્લાઝમા અંગે ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. કોરોનાને માત આપનાર દર્દીઓમાં પ્લાઝમા ડોનેટ કરવા મામલે નિરસતા જોવા મળી રહી છે. જુદા જુદા માધ્યમોમાં અનેક પ્રયાસો બાદ સિવિલ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં માત્ર 250 યુનિટ પલાઝમા જ કલેક્ટ કરી શકાયું છે.

250 માંથી 207 યુનિટ દાન કરાયા

સિવિલની 1200 બેડની હોસ્પિટલના ઓએસડી ડો. મૈત્રેય ગજ્જરે આ વિશે વધુ માહિતી જણાવતા કહ્યુ કે, સિવિલ હોસ્પિટલમાં કલેક્ટ કરાયેલા 250 યુનિટ પ્લાઝમામાંથી 207 યુનિટ પ્લાઝમા દર્દીઓની સારવાર માટે ઉપયોગમાં લેવાયા છે. સિવિલ હોસ્પિટલમાં કલેક્ટ કરાયેલા પ્લાઝમામાંથી 187 યુનિટ પ્લાઝ્મા અન્ય ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની સારવાર માટે મોકલવામાં આવ્યા છે. તો માત્ર 20 યુનિટ પ્લાઝમાનો ઉપયોગ સિવિલ હોસ્પિટલની 1200 બેડ કોવિડ હોસ્પિટલ માટે કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલના અંદાજે 30 જેટલા ડોક્ટરોએ પણ પ્લાઝમા ડોનેટ કર્યા છે.

વધુ દર્દી પ્લાઝમા દાન કરે

ખુદ ડો. મૈત્રેય ગજ્જરે 63 વર્ષની વયે પણ બે વાર પ્લાઝમા ડોનેટ કર્યું છે. તેઓએ કહ્યુ કે, સિવિલ હોસ્પિટલ તરફથી તમામ સાજા થતા અને થઈ ચૂકેલા દર્દીઓને પ્લાઝ્મા ડોનેટ કરવા અમારી વિનંતી છે. કોરોના સામે લડવા માટેની એન્ટીબોડી બની હોય તે વ્યક્તિ ઈચ્છે તો એકવાર પલાઝમા ડોનેટ કર્યાના 15 દિવસ બાદ ફરી પ્લાઝમા ડોનેટ કરી શકે છે.

સિવિલ હોસ્પિટલમાં 288 દર્દી સારવાર હેઠળ

સિવિલ હોસ્પિટલના ડો.જેપી મોદીએ માહિતી આપી કે, કોરોનાના વધતા કહેર વચ્ચે અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે હાલ 288 દર્દીઓ સારવાર હેઠળ છે. સારવાર લઈ રહેલા 288 દર્દીઓમાંથી 23 દર્દીઓ વેન્ટિલેટર પર, 53 દર્દીઓ બાયપેપ પર, તો 140 દર્દીઓ હાલ ઓક્સિજન પર છે. કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવાર દરમિયાન આશીર્વાદરૂપ સાબિત થતા ઇન્જેક્શનનો મોટી સંખ્યામાં સિવિલ હોસ્પિટલ ખાતે ઉપયોગ કરાયો છે. જે કોરોનાગ્રસ્ત દર્દીની સ્થિતિ નાજુક હોય તેવા દર્દીઓને રેમડેસીવીર અને ટોસિલિઝુમેબ ઇન્જેશન આપવામાં આવ્યા હતા. 1200 બેડ કોવિડ હોસ્પિટલમાં અત્યાર સુધી કુલ 500 રેમડેસીવીર અને 200 ટોસિલિઝુમેબ દર્દીઓને આપવામાં આવ્યા છે. દર્દીની સ્થિતિ જોતા બંને ઇન્જેક્શનથી સારો રિસ્પોન્સ મળતો હોવાનો સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ દ્વારા દાવો કરાયો છે.

(4:41 pm IST)