Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વડોદરાના વાડી વિસ્‍તારના એક મકાનમાં રાત્રે ભૂગર્ભ ગેસનો ભયંકર બ્‍લાસ્‍ટ થયોઃ ભાડે રહેતા બે શખ્‍સો ઇજાગ્રસ્‍તઃ બે કિલોમીટર સુધી વિસ્‍ફોટનો અવાજ સંભળાયો

વડોદરા: વડોદરામાં વાડી વિસ્તારમાં મોડી રાત્રે એક મકાનમાં રહસ્યમય ધડાકો થયો હતો. આ રહસ્યમયી ધડાકામાં બે ઇસમો ગંભીર દાઝ્યા હતા. વડોદરાના વાડી મહાદેવ તળાવ પાસેની મધુકુંજ સોસાયટીમાં આ ઘટના બની હતી. જેમાં ગેસ બોટલ કે ગેસલાઇન ન હોવા છતાં મોટો ધડાકો થયો હતો. ઘર નીચેથી પસાર થતી ડ્રેનેજ લાઇનમાં વિસ્ફોટ થવાથી ઘરની દીવાલોમાં તિરાડો પડી ગઈ હતી. ધડાકો થતાં ઘરનાં બારી બારણાં પણ તૂટ્યા હતા. રહસ્યમય વિસ્ફોટથી વિસ્તારનાં લોકો દહેશત ફેલાઈ ગઈ હતી. લગભગ બે કિલોમીટર સુધી વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો.

બ્લાસ્ટ થતા જ ઘરની બારીઓ તૂટી

પ્રાપ્ત માહિતી અનસુાર, મધુકુંજ સોસાયટીમાં જે મકાનમાં બ્લાસ્ટ થયો ત્યાં બે શખ્સ ભાડેથી રહેતા હતા. રમેશ ઉત્તમચંદ અને ભવાની મહેશ્વરી નામના બે શખ્સો આ ઘરમાં રહે છે. ત્યારે મોડી રાત્રે એક શખ્સે ઘરમાં બાથરૂમની સ્વીચ ઓન કરી હતી. આ સાથે જ ઘરમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટ એટલો મોટો હતો કે, આસપાસના ઘરોમાં ય તેની અસર દેખાઈ હતી. ધડાકાને કારણે આગનો ગોળો પણ બહાર સ્પષ્ટ દેખાયો હતો. તો સાથે જ ઘરની બારીઓ તૂટી ગઈ હતી. તો અન્ય ઘરવખરીનો સામાન બળી ગયો હતો.

ભૂગર્ભ ગેસ ભેગો થતા બ્લાસ્ટ થયો હતો

આ બ્લાસ્ટમાં રમેશ અને ભવાની પણ ઈજાગ્રસ્ત થયા હતા. બંને ઇજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા. જોકે, ફાયર વિભાગે ઘટના સ્થળે પહોંચીને કામગીરી સંભાળી હતી. તેઓએ જણાવ્યું કે, આ બ્લાસ્ટ ગેસ સિલિન્ડરનો ન હતો. બાથરૂમમાં ભૂગર્ભ ગેસ ભેગો થચા સ્વીચ ચાલુ થતા જ બ્લાસ્ટ થયો હતો.

(4:43 pm IST)