Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

સુરતમાં લલનાઓના વ્‍યાપારનું જબરૂ કૌભાંડ ઝડપાયુઃ બાંગ્‍લાદેશથી 50 હજારમાં તરૂણીને ખરીદીને દેહવ્‍યાપારમાં ધકેલનારને ક્રાઇમ બ્રાંચે દબોચી લીધો

સુરતઃ સુરતમાં ખટોદરા વિસ્તારમાં હ્યુમન ટ્રાફિકિંગનું રેકેટ ઝડપાતા સનસનાટી મચી ગઈ છે. સુરત પોલીસે મિલન ખલીલ નામની શખ્સની ધરપકડ કરી છે. તેની સામે એન્ટિ હ્યુમન ટ્રાફિકિંગનો કેસ નોંધાયો છે. બાંગ્લાદેશથી તરૂણીને 50,000માં ખરીદીને દેહ વ્યાપારમાં ધકેલનારની સુરત પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે.

બેંગ્લોરના મિલને બાંગ્લાદેશના મોહસીન પાસેથી બાંગ્લાદેશની સગીરાને 50,000માં ખરીદી હતી. પછી 50,000માં ખરીદેલી આ તરૂણીને દેહ વ્યાપારમાં ધકેલી દેવાઈ હતી. પહેલા તો મિલને સગીરાને સ્પામાં નોકરીએ રાખી હતી. પછી તેને દેહવ્યાપારમાં ધકેલી દીધી હતી. થોડા સમય સુધી તેને દેહ વ્યાપારમાં રાખીને મુંબઈને મહિલા ફિરોજા ઉર્ફે નીતુ અલમીન શેખને વેચી દીધી હતી.

મુંબઈમાં આ નીતુએ તે સગીરાને સ્પાના દેહવ્યાપારના ધંધામાં ધકેલી પછી સુરતમાં અલથાણ ભીમરાડ કેનલ રોડ ગ્રાઉન્ડની બાજુમાં ઇનફિનિટી હબમાં ચાલતા સ્પામાં દલાલ મારફતે વેચી દીધી હતી. દરમિયાન સગીરાએ ગ્રાહકના ફોન પરથી બાંગ્લાદેશમાં રહેતી માતાને ફોન કર્યો હતો. તેના આધારે સ્પાની આડમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ થયો હતો. જો કે આ કેસમાં મુખ્ય સૂત્રધાર બાંગ્લાદેશી મોહસીન ફરાર છે. અત્યાર સુધી આ સેક્સ રેકેટમાં મહિલા સહિત પાંચ શખ્સ પકડાયા છે.

(4:50 pm IST)