Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

વડોદરામાં આત્‍મહત્‍યા કરી લેનાર અમદાવાદના ફાઇનાન્‍સર અલ્‍પેશ પટેલના કેસમાં નવો ધડાકોઃ લેણદારોના ત્રાસથી અંતિમ પગલુ ભરી લીધુ હતુ

અમદાવાદ : વડોદરાના સયાજીગંજ વિસ્તારની હોટલ અમિટીમાં ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરનાર અલ્પેશ પટેલ (વસોયા)ની કારમાંથી પોલીસને સ્યુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં નાગાર્જુન, ભરત અને નરેન્દ્રસિંહ સહિત 10 લેણદારો અને ભાગીદારોના નામ મૃતક અલ્પેશે લખ્યા છે. આ લોકોના ત્રાસથી આત્મહત્યા કરતા હોવાનો ઉલ્લેખ કર્યો છે. પત્નીને સંબોધી મૃતકે લખ્યું કે, જયા તું આ લોકોને છોડતી નહીં. પોલીસે મૃતક અલ્પેશની પત્ની જયાબહેનની ફરિયાદ આધારે આરોપીઓ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો.

બોપલ સરકારી ટ્યુબવેલ પાસે પ્રાગટય બંગલોમાં રહેતાં જયાબહેન અલ્પેશભાઈ પટેલ (ઉં,46) એ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં નાગાર્જુનભાઈ, ભરત ભૂતિયા, નરેન્દ્રસિંહ વાઘેલા, મેઘરાજભાઈ, અનિરુદ્ધસિંહ, મુકેશભાઈ વાઘેલા, લાલો વાઘેલા, લકી વાઘેલા, ભરતસિંહ જોધા અને અમિત ખૂંટ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

જે મુજબ જયાબહેનના પતિ અલ્પેશ પટેલ સેટેલાઈટના સિંધુભવન રોડ પર સ્ટ્રેલર કોમ્પ્લેક્સમાં આવેલી નરેન્દ્રસિંહ વાઘેલાની ફાઈનાન્સની ઓફિસમાં નાણાં આપવા મુકવાની કામગીરી ભાગીદારીમાં કરતા હતાં. આજથી દોઢ માસ પહેલા અલ્પેશભાઈ ડીપ્રેશનમાં લાગતાં જયાબહેને તેઓના પતિને પૂછપરછ કરી હતી. આથી અલ્પેશભાઈએ જણાવ્યું હતું કે, લોકડાઉન શરૂ થયું ત્યારથી ફાઈનાન્સના ધંધામાં મંદી આવી છે. અગાઉ નરેન્દ્રસિંહના કહેવાથી નાણાંનું રોકાણ કર્યું તે પૈસા આવતા નથી. જે નાણાંનું મે રોકાણ કર્યું તે રૂ. 2.41 કરોડ મે નરેન્દ્રસિંહ અને તેમની સાથે કામ કરતા મિત્રો નાગાર્જુન મોઢવાડીયા, ભરત ભૂતિયા, મેઘરાજ ગોહિલ, મુકેશ ગોધાવી, અનિરુદ્ધસિંહ ઉર્ફ હમભા વાઘેલા ગામ સનાથલ તથા ભરતસિંહ જોધા બાપુનગરને મે આપ્યા છે.

નરેન્દ્રસિંહ વાઘેલાને પણ મે રૂ. 2 કરોડ કમાવી આપેલા છે. તેમ છતાં ઉપરોક્ત જણાવેલ માણસો મારી પાસે નાણાંની માંગણી કરે છે. આ તમામ લોકો મને તું ગમે ત્યાંથી પૈસા લઈ અમને આપ, નહીં તો તારા બૈરી છોકરાને અમે ઉપાડી જઈ મારી નાંખીશું. તું મરી જા, ગમે તે કર. અમારા પૈસા આપ તેમ કહી મને ધાકધમકીઓ આપે છે. આ બાબતે જ્યાબહેને ઘરના સભ્યોને જાણ કરતા તેઓએ અલ્પેશભાઈને આશ્વાસન આપ્યું હતું.

ગત તા. 29-9-2020ના રોજ અલ્પેશભાઈ વાપી ઉઘરાણી ખાતે જતા હોવાની વાત કરી ઘરેથી નીકળ્યા હતાં. તે પછી જ્યાબહેનને અવારનવાર પતિ અલ્પેશભાઈ સાથે જમવા અને તબિયત બાબતે વાતચીત થતી હતી. ગત મંગળવારે જયાબહેનએ અલ્પેશભાઈને અવારનવાર ફોન કર્યા પણ ફોન તેઓએ ઉપાડ્યા ન હતાં.

રાત્રે 8 વાગ્યે અલ્પેશભાઈને તેમના પુત્રએ ફોન કરતા અજાણ્યા વ્યક્તિએ ફોન ઉપાડ્યો હતો. તે વ્યક્તિએ વડોદરા સયાજીગંજની અમિટી હોટલમાં અલ્પેશભાઈએ સ્યુસાઇડ કર્યું છે. તેમ કહી તમે અહીં આવી જાઓ તેમ જણાવ્યું હતું. પુત્રએ માતા જયાબહેનને આ બાબતે વાત કરતા તેઓએ સગા સબંધીને જાણ કરી હતી. જયાબહેન તેમના જેઠ અને દિયર સાથે રાત્રે 10 વાગ્યે વડોદરા સ્થળ પર પહોંચ્યાં હતાં. પોલીસે જ્યાબહેનને તેમના પતિ અલ્પેશભાઈએ આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું. અલ્પેશભાઈએ લખેલી સ્યુસાઇડ નોટ પણ પોલીસને મળી આવી હતી.

જેમાં અલ્પેશભાઈએ ડાયરીના નોટના એક પાનાં પર શ્રી ખોડિયાર માં લખીને લખ્યું હતું કે, નાગાર્જુનભાઈ, ભરત ભૂતિયા, નરેન્દ્રસિંહ વાઘેલા, મેઘરાજભાઈ, અનિરુદ્ધસિંહ, મુકેશભાઈ વાઘેલા, લાલો વાઘેલા, લકી વાઘેલા, ભરતસિંહ જોધા અને અમિત ખૂંટ આ બધા લોકો મને ખુબ જ હેરાન પરેશાન કરે છે. જેથી થાકી કંટાળી હું આત્મહત્યા કરું છું.મારા ઘરવાળાનો કોઈ વાંક નથી,લોક ડાઉનમાં પેમેન્ટ આવતું નથી.

અગાઉ મે રૂ.2.41 કરોડ લોકોને આપેલા છે. મને વારે વારે દબાણ કરવામાં આવે છે,મારી નાખવાની ધાકધમકીઓ આપવામાં આવે છે. તારા છોકરાને મારી નાંખીશ તેમ કહે છે. મારા ભાગીદાર નરેન્દ્રસિંહ વાઘેલાઓ જવાબદાર છે. મને બહુ માનસિક કર્યો છે,એ પણ રૂ.બે કરોડ કમાઈને બેઠો છે. મને સાથ સહકાર આપતો નથી, હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું. જયા આ લોકોને છોડતી નહીં, બહુ પૈસા કમાઈને લઈ ગયા છે.

જ્યાબહેનએ પોલીસને જણાવ્યું હતું કે, અલ્પેશભાઈએ સ્યુસાઇડ કર્યું તે જ દિવસે બપોરે નાગાર્જુન મોઢવાડીયા તેમના ઘરે બપોરે બે વાગ્યે આવ્યો હતો. અલ્પેશભાઈના પુત્રને નાગાર્જુને કહ્યું કે,તારા પપ્પા ક્યાં ગયા છે? પુત્રએ પિતા બહાર ગયેલ હોવાનું જણાવ્યું હતું. નાગાર્જુને અલ્પેશભાઈના પુત્રને કહ્યું કે, સાંજ સુધી તારા પપ્પા જોડે વાત કરાવજે નહિ તો તને,તારી મમ્મી અને બહેનને ઉઠાવી જઈશું. તેવી ગર્ભિત ધમકી આપી તે જતો રહ્યો હતો. પોલીસે જ્યાબહેનની ફરિયાદ આધારે આરોપીઓ વિરુદ્ધ અલ્પેશભાઈને આત્મહત્યા કરવા મજબુર કરતું દુષપ્રેરણ કરવા અંગેનો ગુનો કલમ 306, 386,506 (2),114 અને ગુજરાત નાણાંની ધિરધાર કરનારા બાબત અધિનિયમની કલમ 38, 40 અને 42 મુજબ નોંધી તપાસ હાથ ધરી છે.

(4:51 pm IST)