Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

પિપલજની ફેક્ટરીને ઝપટમાં લઈ પાણીના સેમ્પલ લેવાયા

પીપલજ શાહવાડીમાં ૨૦૦ ફેક્ટરી પ્રદૂષણ ઓંકે છે : બોર્ડના રેપીડ ટેસ્ટમાં પાણીમાં એસિડિક તત્વો જણાયા આવા ખાડામાં બેસતી ભેંસોની ચામડી ઉતરડાઈ જાય છે

અમદાવાદ, તા. ૮ :  અમદાવાદ શહેરના પીપલજ શાહવાડી વિસ્તારમાં પ્રદુષણ ઉત્પન્ન કરવામાં મોખરાની ગણાતી લગભગ ૨૦૦ જેટલી ફેકટરીઓ ધમધમે છે. જેના કારણે આ વિસ્તારના લોકોની હાલત બહુ જ કફોડી બની રહે છે. ગુજરાત પ્રદુષણ બોર્ડ દ્વારા આવી પ્રદૂષણનું ઝેર ઓકતી વધુ એક ફેક્ટરીને ઝપટમાં લઈને તેના સેમ્પલ લેવામાં આવ્યા હતા.

   પીપલજ વિસ્તારમાં રહેણાંકોની વચ્ચે જ સ્થપાઈ ગયેલી આવી ફેકટરીઓ કારણે આ વિસ્તારની પ્રજા આમ પણ કેન્સર અને ફેફસાના રોગોની અનેકવિધ બીમારીઓથી ખાસ કરીને યુવાન વર્ગ પીડાઈ રહ્યો છે. તેવી જ રીતે ઢોરઢાંખર પણ ચામડીના દર્દોનો ભોગ બની રહ્યા છે.  વિસ્તારના લોકો દ્વારા પ્રદુષણ બોર્ડ સમક્ષ ઉઠેલી ફરિયાદના કારણે બોર્ડના અધિકારીઓ દ્વારા ભાગ્યોદય કેમિકલ્સ નામની ફેક્ટરીની અંદરથી તેમજ બહાર ભરાયેલા ખાડાના પાણીના સેમ્પલ એકત્ર કરીને ગાંધીનગર તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલનો રેપીડ ટેસ્ટ કરતા ત્યાં સ્થળ ઉપર જ ટેસ્ટ રિપોર્ટમાં તેમાં ભારે માત્રામાં એસિડિક તત્વો હોવાનું જણાય આવ્યું હતું. સ્થાનિક લોકોએ આ સંદર્ભે જણાવ્યું હતું કે અહીંના ખાડાના અંદરના ભાગેથી વોકળામાં લગભગ ૪૦૦ મીટર લાંબી પાઇપ લાઈન નાખવામાં આવી છે જે નદીમાં જઈને મળે છે.  એટલું જ નહીં પરંતુ અંકેશ્વર અને વાપી બાજુથી આવતી એસિડ ભરેલી ટેક્નરો પણ મોડી રાતનાં સમયે કેટલાક તત્વોની સાંઠગાંઠથી અહી ઠાલવવામાં આવતી હોય છે આ પ્રકારના દુષણને નાથવા તાત્કાલિક પગલાં ભરવાની પણ માગ ઉઠવા પામી છે.

(9:45 pm IST)