Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

રાજપીપળાની નગરપાલિકા પુસ્તકાલયમા દૈનિક અખબારોના બિલો ન ચૂકવાતા અમુક વિતરકોએ પેપર આપવાનુ બંધ કર્યું

લિડિંગ અખબારો બંધ થતાં પુસ્તકાલયમાં આવતા વાંચકો,સિનિયર સિટીજનો નારાજ: પુસ્તકાલયના વાર્ષિક નિભાવની ગ્રાન્ટ સરકાર તરફથી ફાળવવામાં આવતી હોવા છતાં, પાલિકાના વહીવટદારોએ ખર્ચ ના બિલો રજુ નહી કરતાં 2 વર્ષથી ગ્રાન્ટ ન મળતા વાંચકો તકલીફમાં મુકાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળાના દરબાર રોડ ઉપર આવેલી સાર્વજનિક પુસ્તકાલય (લાઈબ્રેરી) નગરપાલિકાના રેઢીયાળ તંત્રનો ભોગ બની છે. લોકો રોજીંદા સમાચારો વાંચી શકે અને વિધાર્થીઓ અને વાંચનનો શોખ ધરાવતા લોકોને વિવિધ સાહિત્યીક પુસ્તકો વિના મુલ્યે વાંચવા મળે એ માટે બનેલી પુસ્તકાલયમા હાલ રોજીંદા કેટલાક મુખ્ય અખબારો છેલ્લાં ઘણાં સમયથી બંધ છે, તપાસ કરતાં જાણવા મળ્યું કે આ લાઈબ્રેરીમા રોજીંદા ધોરણે દૈનિક અખબારો પુરા પાડતાં વિતરકોને બિલની ચુકવણી નહીં કરાતા અખબારોના વિતરકોએ પેપર આપવાનુ બંધ કર્યું છે. જેના કારણે હાલ લાઈબ્રેરી મા પેપર વાંચવા આવતા વાંચકો અને ખાસ સિનિયર સિટીજનો નારાજ જોવા મળ્યા છે.વિવિધ પબ્લિકેશનો તરફથી આવતા મેગેઝિન અને સાપ્તાહિકો અને બાળકોને રસ પડે એવા બાળ સાહિત્ય પણ વર્ષો જુના છે.
  જાણવા મળ્યા મુજબ રાજપીપળા નગરપાલિકા સંચાલીત સાર્વજનિક પુસ્તકાલય ના વાર્ષિક હીસાબના ખર્ચના હિસાબો સરકારમા રજુ કર્યા ન હોયને રુ.55 હજાર જેટલી વાર્ષિક નિભાવની ગ્રાન્ટ સરકાર તરફ થી ફાળવવામાં આવે છે તે પણ છેલ્લા લગભગ બે વર્ષથી આવી રહી નથી. કરોડો રુપિયાની ગ્રાન્ટનો વહીવટ કરવા ટેવાયેલા મુખ્ય અધિકારી માટે જાણે રુ.55 હજારની ગ્રાન્ટ મામુલી હોય શકે પણ વાંચનનો શોખ ધરાવતા લોકો અને સરકારી પરીક્ષાઓની તૈયારી કરતા વિધાર્થીઓ માટે એ બહુ અમુલ્ય છે, પણ વાંચન અને પુસ્તકો જેવા નિરસ વિષયોમાં બહુ રસ ન દાખવતા પાલિકાના શાશકોને એની કદાચ સમજણ નહીં હોય એમ બની શકે.
  રાજપીપળા નગર ની દરબાર રોડ ઉપર આવેલી પુસ્તકાલય (લાઈબ્રેરી) ગેરવહીવટ અને ઉપેક્ષાનો ભોગ બની છે, એક સમયે વાંચકોથી ભરપુર રહેતી લાઈબ્રેરીમા હાલ જુજ વિધાર્થીઓ જ આવી રહ્યાં છે .અને એ પણ પોતાના ખર્ચે મોંઘાદાટ ખરીદેલા પરીક્ષાલક્ષી પુસ્તકો લાવી વાંચવા આવે છે.તો કરોડોના દેવામાં ડૂબેલી રાજપીપળા નગરપાલિકા આ પુસ્તકાલય પાછળ લાઈટ બિલ,પગાર સહિતનો ખર્ચ કેમ કરે કરાય છે.?જ્યારે સરકાર માંથી મળતી ગ્રાન્ટ બાબતે જ જો અધિકારીને રસ ન હોય તો પુસ્તકાલય પાછળ નો આવો ખર્ચ શુ કામનો..?

(10:08 pm IST)