Gujarati News

Gujarati News

News of Thursday, 8th October 2020

અમદાવાદમાં માઈક્રો કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ઘટાડો : 17 વિસ્તારો દૂર કરાયા : 11 ઉમેરાયા

વટવાના ઉંમગ ફલેટના 128 મકાનોના 500થી વધુ રહીશો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા

 

અમદાવાદઃ અમદાવાદમાં માઇક્રો કન્ટેનમેન્ટ વિસ્તારોની સંખ્યા ઘટી રહી છે. આજે સાઉથ ઝોનના સૌથી વધુ 4 વિસ્તાર માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયાં છે અમદાવાદમાં પણ બુધવારની સરખામણીમાં બે કેસો ઘટીને આજે 169 નોંધાયા છે અમદાવાદમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં પણ ઘટાડો થયો છે શહેરમાં માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાં તબક્કાવાર ઘટાડો નોંધાતો જાય છે.

 અમદાવાદમાં સૌથી વધુ દક્ષિણ ઝોનના ચાર વિસ્તારો માઇક્રો કન્ટેઇન્મેન્ટમાં મૂકાયા છે. બીજા સ્થાન પર પશ્ચિમ અમદાવાદના વિસ્તારો રહ્યાં છે. તેમાંય વટવાના ઉંમગ ફલેટના 128 મકાનોના 500થી વધુ રહીશો માઇક્રો કન્ટેન્મેન્ટમાં મૂકાયા છે અમદાવાદમાં કુલ માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારનો આંકડો 157 પર પહોંચ્યો હતો. તેમાં 11 નવા માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારો ઉમેરાયા હતા. તેની સામે 17 વિસ્તારોને માઇક્રો કન્ટેન્મેન્ટ વિસ્તારોમાંથી દૂર કરાયા હતા.

અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણને અટકાવવા માટે લેવાઇ રહેલાં શ્રેણીબધ્ધ પગલાંઓની સમીક્ષા માટે આજે અધિક મુખ્ય સચિવ ડો. રાજીવકુમાર ગુપ્તાના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં આજે અમદાવાદ શહેરમાં 157 માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારો અમલમાં હતા.જે પૈકી 17 વિસ્તારોને માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાંથી દૂર કરવાનો નિર્ણય કર્યો હતો. તેની સામે 11 નવા વિસ્તારોનો માઇક્રો કન્ટેઇન્મેન્ટ વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો હતો. આમ 157 વિસ્તારોમાંથી 17 વિસ્તારોને દૂર કરાતાં આંકડો 140 પર પહોંચ્યો હતો. તેની સામે નવા 11 વિસ્તારોનો સમાવેશ થતાં આંકડો 151 પર પહોંચ્યો છે.

(11:12 pm IST)