Gujarati News

Gujarati News

News of Saturday, 10th October 2020

અમદાવાદ, સુરત, વડોદરામાં સર્વેલન્સ માટે સરકારનો નિર્દેશ

સર્વેલન્સ કરવા કલેક્ટરોને સૂચના અપાઈ કોરોનાના સતત સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે, દર્દીઓનાં મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો છે

ગાંધીનગર,તા.૯ : રાજ્યમાં કોરોના કહેર હજી પણ યથાવત છે. ત્યારે અમદાવાદ, સુરત, વડોદરા સહિતના મહાનગરોમાં આગામી બે મહીના સુધી કોરોનાને હળવાશથી નહીં લેવાની સૂચના આપવામાં આવી છે. કોરોનાના વધતા જતા સંક્રમણને કારણે સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવા કલેક્ટરોને નિર્દેશ આપવામાં આવ્યો છે. ગાંધીનગર ખાતેની કમિટી ઑફ હેલ્થ એડમિનિસ્ટ્રેશનની યોજાયેલી બેઠકમાં એવો નિર્દેશ અપાયો હતો કે, રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓના મૃત્યુઆંકમાં ભલે ઘટાડો થયો હોય પરંતુ આગામી નવેમ્બર-ડિસેમ્બર મહીનામાં કોરોનાની નવી લહેર આવી શકે છે. જેથી કોરોનાને લઇ સતત એલર્ટ રહેવા કલેક્ટરોને નિર્દેશ આપવામાં આવ્યો છે. કલેક્ટર તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરીને વધુ સઘન બનાવવામાં આવશે. ગુજરાતમાં કોરોના મહામારીમાં સતત સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે કોરોનાગ્રસ્ત દર્દીઓનાં મૃત્યુઆંકમાં ઘટાડો જોવા મળ્યો છે.

             પરંતુ કોરોનાને કંટ્રોલમાં લેવા કમિટી ઑફ હેલ્થ એડમિનિસ્ટ્રેશનની એક ખાસ બેઠકમાં રાજ્યમાં કોરોનાની વર્તમાન સ્થિતિની ખાસ સમીક્ષા કરવામાં આવી હતી. તેની સાથે જ રાજ્યનાં મહાનગરોમાં તહેવારોના બે મહીના સુધી કોરોનાને લઇ સાવધાન રહેવા જણાવાયું છે. કમિટી ઑફ હેલ્થ એડમિનિસ્ટ્રેશનની બેઠકમાં એવો પણ નિર્દેશ અપાયો હતો કે, "રાજ્યમાં કોરોનાગ્રસ્ત દર્દીઓનો મૃત્યુઆંક ભલે ઘટ્યો પરંતુ આગામી નવેમ્બર-ડિસેમ્બર માસમાં કોરોનાની નવી લહેર આવી શકે તેવી શક્યતા છે. જેનાં પગલે સતત એલર્ટ રહેતાં કલેક્ટર તંત્ર દ્વારા સર્વેલન્સની કામગીરી વધુ સઘન બનાવવા આદેશ આપવામાં આવ્યાં છે. આમ, રાજ્યનાં મોટા મોટા શહેરોમાં કોરોના સામેની લડતમાં આગામી બે મહીના સુધી લોકોને સાવચેતી રાખવાનો નિર્દેશ કરવામાં આવ્યો છે.

(9:05 pm IST)