Gujarati News

Gujarati News

News of Thursday, 12th November 2020

ઉત્તર ગુજરાતમાં મહુડી તીર્થ ખાતે બીરાજતા શ્રી ઘંટાકર્ણદાદા : કાળી ચૌદશે મોટો હવન

અહીં હજારો મણ સુખડીનો પ્રસાદ ધરાવાય છે પણ બહાર લઇ જઇ શકાતો નથી

મહુડીમાં આવેલ શ્રી ઘંટાકર્ણ મહાવીર દાદાનું સ્થાનક જૈન તીર્થ ભલે હોય પરંતુ જૈનેતરો માટે પણ એટલું જ પૂજનીય છે. જૈન જૈનેતર બધા જ અહીં દર્શને આવે છે. ઉત્તર ગુજરાતના ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકામાં મહુડી આવેલું છે. તેનું અસલ નામ મધુપુરી છે. તેમાં શ્રી ઘંટાકાર્ણવીર દાદાનું મંદિર છે. ઉપરાંત મૂળનાયક શ્રી પદ્મપ્રભુ જિનેશ્વર ભગવાનનું ભવ્ય જિનાલય છે. શ્રી ઘંટાકર્ણવીર શ્રી જિનેશ્વર પરમાત્માના પરમતારક શાસનમાંના બાવન વીર પૈકીના ત્રીસમાં વીર છે. જિનશાસ્ત્ર મુજબ તેઓ પૂર્વભવમાં મહાબલ નામના ક્ષત્રિય રાજા હતા.

હાલના ઉત્ત્।રાંચલ રાજયના ટિહરી ગઢવાલ વિસ્તારમાં આવેલા શ્રીનગર (શ્રીતીર્થ)માં તેમનું રાજય હતું. તેની નજીકની પર્વતમાળા પર ત્રેવીસ તીર્થંકર પરમાત્માઓનાં જિનાલય આવેલાં છે. તેની યાત્રાએ આવતા શ્રાવકોનું રક્ષાણ પર્વતના જંગલ વિસ્તારનાં હિંસક વન્ય પ્રાણીઓ અને અનાર્ય પ્રજાથી રક્ષાણ કરવા માટે શ્રી ઘંટાકર્ણવીર દેવનો આવિર્ભાવ થયો હતો. યાત્રીઓનું રક્ષણ કરતાં કરતાં પ્રાણાર્પણ કરી શુભધ્યાનમાં તેઓ મૃત્યુ પામ્યા હતા. શ્રી પર્વતતીર્થના મહાપ્રભાવક અધિષ્ઠાયક તરીકે તેઓ આજે પણ પૂજનીય છે.

જિનશાસક પ્રભાવક યુગપ્રવર્તકત્ન યોગનિષ્ઠા આચાર્યભગવંત શ્રીમદ્ બુધ્દ્યિસાગરજી મહારાજાએ મધુપુરી તીર્થ શ્રી ઘંટાકર્ણ દાદાનો આવિર્ભાવ કર્યો હતો. આ તીર્થના તેઓ અધિષ્ઠાતા છે. વિક્રમ સંવત ૧૯૮૦ માં માગશર સુદ ત્રીજના દિવસે વર્તમાન મંદિર બંધાવી શ્રી ઘંટાકર્ણ દાદાની સ્થાપના કરી હતી. જો કે આ અગાઉ વિક્રમ સવંત ૧૯૭૮માં તેમણે દાદાની મુર્તિ ઘડાવી હતી. ઉપાસનાસહ સાત્વિક ભકિત કરનાર સર્વ શ્રાવકો-શ્રધ્ઘાળુઓ-ભાવિકોને સહાયભૂત થવા માટે શ્રી દાદાને વચનબધ્ધકરીને તેમણે બે ચરિત્ર્યવંત શિલ્પકારો પાસે મુર્તિ ખારાબારના પથ્થરમાંથી બનાવડાવેલી. રોજેરોજ એની પ્રક્ષાલ-પૂજા થતી નથી. રોજ પ્રક્ષાલ-પૂજા કરાય તો મુર્તિને ઘસારો પહોંચે છે. એટલે વર્ષમાં માત્ર એક જ વાર કાળી ચૌદશના દિવસે જ તેની વિધિપૂર્વક પ્રક્ષાલ પૂજા-કેસરપૂજા કરવાની પરંપરા છે. પ્રતિમાના જમણા અંગૂઠે જ કેસરપૂજા થાય છે. અજ્ઞાન વહેમ ભૂતપે્રતાદિ અનિષ્ટ તત્વોની પીડાથી લોકોને મુકત કરવા માટે અને ધર્મભ્રષ્ટ-આચારભ્રષ્ટ લોકોને મુકત કરાવવા માટે જ પારમાર્થિક પ્રેરણાથી શુધ્ધવિશુધ્દ્ય સમ્યગ દ્રષ્ટિધારક શ્રી જિનશાસન અધિષ્ઠાયક શ્રી ઘંટાકર્ણવીર દેવને પ્રત્યક્ષાભાવે આ.ભ. શ્રીમદ્ બુધ્ધિસાગર સૂરીશ્વરજી મ.સા.એ પ્રત્યક્ષાભાવે સાક્ષાત કર્યા હતા.

સેંકડો વર્ષ પહેલાં પ્રાચીન મધુપુરીમાં શ્રી પદ્મપ્રભુસ્વામી ભગવાનનું જિનાલય હતું. આ.ભ.શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરીશ્વરજી મ.સા.એ વિક્રમસવંત ૧૯૭૪માં માગશર સુદ છઠના દિવસે નૂતન જિનાલય નિમાર્ણ કરાવી મૂળનાયક શ્રીમદ્ પદ્મપ્રભુસ્વામી ભ.ની પ્રતિષ્ઠા કરાવી. વિક્રમ સવંત ર૦ર૪માં ગચ્છાધિપતિ આ.ભ.રી કૈલાસસાગરસુરીશ્વરજી મ.સા. તથા ગચ્છાધિપતિ આ. ભ. શ્રી સુબોધ સાગરસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં ર૭ જિનાલયનું નિમાર્ણ થયું.

આ તીર્થમાં શ્રીપદ્મપ્રભુસ્વામી ભગવાનના પૂજન - દર્શન ભકિત કરી તેમજ શ્રી ઘંટાકર્ણદાદાને સુખડી-શ્રીફળ ધરાવીને શ્રધ્દ્યાળુઓ આધિ-વ્યાધિ-ઉપાધિથી મુકત થાય છે. એ સંદર્ભે શ્રી ઘંટાકર્ણ દાદાનું મંદિર અન્ય જિનમંદિરોથી અલગ પડે છે. રોજ હજારો મણ સુખડી શુધ્ધ ઘીમાંથી મંદિર સંકુલમાં જ તૈયાર થાય છે. અહીંના નૈવેદ્યની સુખડી મંદિરસંકુલમાં જ આરોગવાની પરંપરા-પ્રણાલિકા છે. સંકુલની બહાર તેને લઈ જઈ શકાતી નથી. બહાર લઈ જનારને અશાંતિ-અનિષ્ટ નડે છે એવી માન્યતા છે.

દર વર્ષે કાળી ચૌદશના દિવસે બપોરે ૧ર-૩૯ના વિજયમુહૂર્ત શ્રી ઘંટાકર્ણદાદાનો હવન થાય છે. છેલ્લા ૯૭ વર્ષથી પણ વધુ આ હવન થાય છે. દેશ અને દુનિયાના અનેક વિસ્તારોમાંથી જૈનો-જૈનેતરો આ હવનના દર્શનાર્થે આવે છે. હવનમાં ૧૦૮ આહુતિઓ અપાય છે. પ્રત્યેક આહુતિએ ઘંટનાદ થાય છે. આ વખતે ત્યાં ઉપસ્થિત હજારો લોકો દ્વારા પોતાની સાથે રાખેલી નાડાછડી પર એક ગાંઠ મારવાની ક્રિયા થાય છે. મહુડીની આસપાસ અનેક જૈનતીર્થો પણ આવેલાં છે. (૧૬.૪)

- જયેશ સંઘાણી, મો.૯૪૨૮૨ ૦૦૫૨૦

(3:28 pm IST)