Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

રાજ્યમાં દર ૫માંથી ૧ દર્દીને ઓકિસજન સપોર્ટની જરૂર

ગુજરાતમાં કોરોનાના એકિટવ કેસ ૧૦%થી ઓછા : રાજ્યમાં છેલ્લા બે મહિનામાં પહેલીવાર કોરોનાના એકિટવ કેસનો આંકડો ૧૫ હજારથી નીચે પહોંચ્યો

અમદાવાદ તા ૧૫ : રાજયમાં છેલ્લા ચાર દિવસથી રોજ નોંધાતા નવા કોરોનાના કેસોની તુલનામાં હોસ્પિટલમાંથી સાજા થઈને ડિસ્ચાર્જ થતા દર્દીઓની સંખ્યા વધુ રહેવા પામી હતી. પરિણામે છેલ્લા બે મહિનામાં પહેલીવાર એકિટવ કેસનો આંકડો ૧૫,૦૦૦ન નીચે પહોંચ્યો હતો.

બુધવારની સાંજ સુધીમાં રાજયમાં કોરોનાના કુલ નોંધાયેલા ૧,૫૫,૦૯૮ કેસોમાંથી ૧૪,૯૫૯ કેસ એકિટવ હતા. જે ૯.૬ ટકા થાય છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં જેમાના ૫૯.૬ ટકા એકિટવ કેસો છે. જયારે રાજયમાં ડિસ્ચાર્જ અને મૃત્યુ પામ્યા હોય તેવા દર્દીઓની ટકાવારી અનુક્રમે ૮૮ ટકા અને ૨.૪ ટકા રહેવા પામી હતી.

ગુજરાતમાં બુધવારે સાંજે ૫ વાગ્યા સુધીના ૨૪ કલાકમાં ૧૧૭૫ નવા કોરોના કેસો નોંધાયા હતા. આ સતત ચોથા દિવસે ૧૨૦૦થી ઓછા કેસ હતા. નવા કેસોમાં ૨૫૨ સુરતથી, ૧૮૨ અમદાવાદથી, ૧૧૭ વડોદરાથી, ૧૦૫ રાજકોટથી અને ૮૫ જામનગરથી હતા. અમદાવાદમાં કુલ કેસનો આંકડો ૩૯,૫૫૪, સુરતમાં ૩૨,૮૪૮, વડોદરામાં ૧૩,૮૪૬ અને રાજકોટમાં ૧૧,૧૧૮ રહેવા પામ્યો હતો.

જયારે ૨૪ કલાકમાં ૧૧ દર્દીઓના કોરોનાથી મોત થયા હતા, જે છેલ્લા નવ દિવસમાં સૌથી વધારે છે. રાજયમાં અત્યાર સુધીમાં ૩૫૯૮ દર્દીઓના મોત થયા છે. આ ૧૧ મોતમાંથી અમદાવાદમાં ૪, સુરતમાં ૩ અને વડોદરા, રાજકોટ, ગાંધીનગર તથા પાટણમાંથી ૧-૧ દર્દીઓના મોત થયા હતા. નવા અપડેટ સાથે વડોદરામાં ૨૦૦, અમદાવાદમાં ૧૮૫૯, સુરતમાં ૮૧૦ અને રાજકોટમાં ૧૫૨ કુલ મૃત્યુ નોંધાયા હતા.

જયારે છેલ્લા ૨૪ કલાકમાં ૧૪૧૪ દર્દીઓ હોસ્પિટલમાંથી સાજા થઈને ડિસ્ચાર્જ થયા હતા, આ સાથે અત્યાર સુધીમાં કુલ ૧.૩૬ લાખ દર્દીઓ કોરોનાથી સ્વસ્થ થયા છે. આ ડિસ્ચાર્જ થયેલા દર્દીઓમાં ૨૬૭ સુરતથી, ૨૦૦ અમદાવાદથી, ૧૫૭ વડોદરાથી અને ૧૦૪ રાજકોટથી હતા.

૧૪મી ઓકટોબર સુધીના આંકડા મુજબ, ગુજરાતમાં ૧૪,૯૫૯ એકિટવ કેસો છે, જે છેલ્લા બે મહિનામાં સૌથી ઓછા છે. જોકે હાલમાં ૨૯૯૨ દર્દીઓને એકસીજન સપોર્ટની જરૂર પડે છે. એકસપર્ટ્સ મુજબ, આ આંકડામાંથી ૧૩.૭ ટકા દર્દી ઓકસીજન પર છે, ૪.૧ ટકા BiPAP પર અને ૨.૨ ટકા દર્દીઓ વેન્ટીલેટર પર છે. જે મુજબ દર પાંચમાંથી એક દર્દીને ઓકસીજન સપોર્ટની જરૂર પડી રહી છે.

(10:08 am IST)