Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

ચોરી-ઘરફોડમાં ગુજરાતીઓએ ૩ વર્ષમાં ૭૬૦ કરોડ ગુમાવ્યા

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યૂરોના લેટેસ્ટ રિપોર્ટમાં ધડાકો

નવી દિલ્હી,તા. ૧૫: ગુજરાતીઓએ વર્ષ ૨૦૧૭થી માંડીને ૨૦૧૯ એમ ત્રણ વર્ષમાં ચોરી, લૂંટ, ધાડ, ઘરફોડમાં રૂ.૭૬૦ કરોડ જેટલી રકમ ગુમાવી છે, જેની સામે ગુજરાત પોલીસ માંડ ૧૮૮.૪૦ કરોડની રકમ જ પીડિતોને અપાવી શકી છે. આનો મતલબ એ થાય છે કે, ચોરી, લૂંટ, ધાડ-ઘરફોડમાં ગુમાવેલી ૭૫ ટકા રકમ તો પરત જ મળતી નથી, પોલીસ માંડ ૨૫ ટકા જ રિકવરી કરી શકે છે.

રિકવરી મામલે ગુજરાત કરતાં તામિલનાડુ અને ઉત્ત્।રાખંડ પોલીસ આગળ પડતી છે, વર્ષ ૨૦૧૯માં જ તામિલનાડુ પોલીસ ૬૮ ટકા કરતાં વધુ લોકોને તેમનાં પરસેવાના નાણાં પરત અપાવી શકી છે, એ જ રીતે ઉત્ત્।રાખંડ પોલીસે ૬૨.૭ ટકા નાણાં રિકવર કર્યા છે. નેશનલ ક્રાઈમ રેકર્ડ બ્યૂરો (એનસીઆરબી)ના લેટેસ્ટ રિપોર્ટમાં આ માહિતી સામે આવી છે.

એનસીઆરબીના આ રિપોર્ટ પ્રમાણે વર્ષ ૨૦૧૯માં લૂંટ, ધાડ વગેરેમાં ગુજરાતીઓએ ૨૦૨.૬ કરોડ ગુમાવ્યા છે, જેમાંથી પોલીસ ૫૬.૩ કરોડ એટલે કે ૨૭.૮ ટકા નાણાં રિકવર કરી શકી છે, વર્ષ ૨૦૧૮માં ૩૧૧.૭ કરોડ ગુમાવ્યા હતા, જેમાંથી ૮૦.૬ કરોડ એટલે કે ૨૫.૯ કરોડ રિકવર થયા હતા, એ જ રીતે વર્ષ ૨૦૧૭માં ૨૪૫.૬ કરોડમાંથી ૫૧.૫ કરોડ એટલે કે ૨૧.૦ ટકા નાણાં રિકવર કરી શકાયા હતા.

સમગ્ર દેશની સ્થિતિનો ચિતાર રજૂ કરતાં આ અહેવાલમાં કહેવાયું છે કે, વર્ષ ૨૦૧૯માં સૌથી વધુ રકમ રેસિડેન્સિયલ પ્રિમાઈસિસમાંથી લોકોએ ગુમાવી છે, જેમાં ૨.૯૨ લાખ કેસ નોંધાયા હતા, જેની કિંમત૨૦૧૬ કરોડ કરતાં વધુ થાય છે.આ ઉપરાંત હાઈવે, રેલવે, એરપોર્ટ, સ્કૂલ-કોલેજ, બેંક, એટીએમ વગેરે સ્થળે નોંધાયેલા ગુનામાં મિલકત ગુમાવવાનો વારો આવ્યો હતો.

વર્ષ ૨૦૧૯માં દેશમાં કુલ ૪,૭૧૯.૨ કરોડની લોકોએ મતા ગુમાવી હતી, જેમાંથી ૧૪૫૧.૬ કરોડ એટલે કે ૩૦.૮ ટકાની રિકવરીથઈ શકી હતી. જાણકારો કહે છે કે, ગુજરાતમાં સંખ્યાબંધ કેસમાંફરિયાદ નોંધાતી નથી, લૂંટ-ધાડ વગેરેમાં નાણાં ગુમાવવાનો વાસ્તવિક આંક ખૂબ ઊંચો છે.

ગુજરાતમાં ભાજપના નેતાઓ શાંતિ-સુરક્ષાના ગાણાં ગાતા થાકતા નથી, જોકે એનસીઆરબીના રિપોર્ટ પ્રમાણે ગુજરાતમાં સિનિયર સિટિઝનો અસલામત છે. દેશના અન્ય રાજયોની સરખામણીએ વૃદ્ઘો વિરુદ્ઘના ગુનામાં ગુજરાત ટોચ પર છે. ગુજરાતમાં વર્ષ ૨૦૧૯માં ૪,૦૮૮ વૃદ્ઘો વિરુદ્ઘના ગુના નોંધાયા છે. સૌથી વધુ મહારાષ્ટ્રમાં ૬,૧૬૩, મધ્યપ્રદેશમાં ૪,૧૮૪ ગુના નોંધાયા છે. ગુજરાત દેશમાં ત્રીજા ક્રમે છે. ગુજરાતમાં વૃદ્ઘો વિરુદ્ઘના ગુનામાં ૬૬ હત્યા, ૨૩૧ મારામારી અને ૫૩૧ ચોરીના કેસ સામેલ છે. ગત વર્ષની સરખામણીએ વૃદ્ઘો વિરુદ્ઘ મારામારીના કિસ્સામાં ૯૮ ટકાનો વધારો થયો છે.

ચોરી, લૂંટ-ઘરફોડની રકમ-રિકવરી

વર્ષ    નાણાં ગુમાવ્યા  પરત મળ્યા

૨૦૧૭ ૨૪૫.૬ ૫૧.૫

૨૦૧૮ ૩૧૧.૭ ૮૦.૬

૨૦૧૯ ૨૦૨.૬ ૫૬.૩

નોંધ : તમામ આંકડા રૂ. કરોડમાં

(11:20 am IST)