Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

દુધના માવાની મીઠાશ ફીક્કી પડીઃ વેચાણને કોરોનાનું ગ્રહણ

વાંકાનેર પંથક માવા માટે વિશ્વ વિખ્યાતઃ માવામાંથી અનેક મીઠાઇ બને છેઃ તહેવારમાં પણ ધંધા મંદા : ભઠ્ઠી માલીકો-પશુપાલકો-દુકાનદારોને અસરઃ ઘણા લોકોને વ્યવસાય બંધ કરવાની નોબત

રાજકોટ, તા.૧૫: કોરોના મહામારીથી પ્રભાવિત થયેલ વ્યવસાયની સાથે તહેવારની સીઝનમાં દુધના માવા પણ પોતાની મીઠાશ ગુમાવી છે. સૌરાષ્ટ્રના વાંકાનેર પંથક અને રાજસ્થાનના અમુક વિસ્તારો દુધના માવા માટે વિશ્વ વિખ્યાત છે.

કોરોનાના કારણે તહેવારમાં બુકીંગ માટે લાઇનમાં વારો આવે તેવા માવાના વેપારીઓનો વ્યસાય હાલ ખુબ જ ઓછો થયો છે. તેની પાછળ કોરોનાની સાથે ડુપ્લીકેટ માવો પણ જવાબદાર છે. લોકડાઉન બાદ આવેલ આર્થિક તંગીના કારણે ઘણા દુકાનદારોએ માવાનો ધંધો જ બંધ કરી દીધો છે, ઉપરાંત માવા ઉત્પાદન કરતી ભઠ્ઠીઓ પણ ઠંડી પડી ગઇ છે.

તહેવારોની સીઝનમાં મોટી માત્રામાં મિલાવટી માવો પણ બજારમાં ધુમ વેચાતો હતો અનેકવાર આરોગ્ય શાખા અને પોલીસ દ્વારા આવા ડુપ્લેકેટ માવાનો જથ્થો પણ પકડવામાં આવ્યો છે. પણ હાલ માવાની ખપત ઓછી થવાથી મુશ્કેલી વધી છે. ગામડાઓમાં માવાનું ઉત્પાદન કરનારને દુધ સપ્લાય કરતા પશુપાલકો પણ પોતાનું દુધ સસ્તામાં જયાં  લેવાલ મળે ત્યાં વેચી રહ્યા છે.

માવાના વ્યવસાય સાથે જોડાયેલ લોકો અને તેમાં કામ કરનાર અનેક લોકો બેરોજગાર બન્યા હોવાની પણ ભીતી છે. નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહવારોમાં માવાની માંગ હેતી હોય છે. પહેલા સતત માવાની ભઠ્ઠીઓ ચલાવવા છતા માંગને પહોંચી આવતુ હતુ. પણ કોરોનાના કારણે હાલ આ વ્યવસાયની મીઠાશ ફીક્કી પડી છે.

(12:51 pm IST)