Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

એક સમયના દિગ્ગજ કોંગી નેતા રઉફવલી ઉલ્લાની હત્યાના ફરાર આરોપી ઝડપાયા

આઢવના રાધિકા જીમખાનામાં તમામને ગોળીએ મારેલઃ લતીફ ગેંગના સાગ્રીતો

અમદાવાદ : રઉફવલીઉલ્લાની હત્યાના કેસમાં બન્ને આરોપીઓ આજીવન કેદની સજા ભોગવતા હતા. બન્ને આરોપીઓ પેરોલ પર છૂટ્યા બાદ છેલ્લા ઘણા સમયથી જેલમાં હાજર થયા ન હતા. પેરોલ જમ્પ કરી ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવાના આદેશો છૂટ્યાના ગણતરીના કલાકોમાં પોલીસે સફળ ઓપેરેશન કર્યું હતું. અમદાવાદમાં એક જમાનાના ડોન લતીફની ગેંગ દ્વારા ૧૯૮૭થી ૧૯૯૪ના સાલમાં અંધાધૂંધી ફેલાવવામાં આવી હતી. ઠેર ઠેર લોકોની હત્યા, ખંડણી, મારામારી, લૂંટ સહિતના ગંભીર ગુના આચરવામાં આવ્યા હતા. આ સમયમાં ઓઢવમાં થયેલા રાધિકા જીમખાના હત્યાકાંડ અને કોંગ્રેસ  ના તે સમયના દિગ્ગજ નેતા રઉફવલી ઉલ્લાની હત્યાના બનાવે શહેરમાં ભારે ચર્ચા અને ફફડાટ ફેલાવ્યો હતો. લતીફ ગેંગના સાગરીતોનો શહેરના ખૂણે ખૂણે દબદબો હતો

રાધિકા જીમખાનામાં હંસરાજ ત્રિવેદીની હત્યા કરવા ગયેલા લતીફ ગેંગના શાર્પ શૂટર શરીફખાન સહિતના આરોપીઓને કલબમાં રમવા બેઠેલા ખેલીઓએ હંસરાજ કોણ તે અંગે કોઈ જવાબ આપ્યો ન હતો. આથી શરીફખાન સહિતના આરોપીઓએ એવું વિચાર્યું કે, બધાને ગોળીઓ મારો અને બાદમાં અંધાધૂંધ ફાયરિંગ કરી કલબમાં રમવા બેઠેલા હંસરાજ સહિત તમામ લોકોને મારી નાંખ્યા હતા.

આ ઘટનાએ સમગ્ર દેશમાં લતીફ ગેંગના નામની દહેશત ફેલાવી હતી. આ જ રીતે માદલપુર ગામ ગરનાળા પાસે આરોપીઓએ કોંગ્રેસ નેતા રઉફવલી ઉલ્લાની હત્યા કરી હતી. આ ગંભીર ગુનામાં સંડોવાયેલા બે આરોપી મોહંમદ અમીન ઉર્ફ અમીન ચોટેલી રહીમમિયા શેખ અને મોહંમદ ફારૂક ઉર્ફ ફારૂકબાબા અલ્લારખા શેખની પણ ધરપકડ થઈ હતી. આ ગુનામાં બન્ને આરોપીઓને આજીવનકેદની સજા થઈ હતી.

અમીન ચોટેલી ગત ૧ એપ્રીલ, ૨૦૨૦ના રોજ પેરોલ છૂટ્યા બાદ બે વાર રજા લંબાવી હતી. આરોપીને ગત ૨૧ જૂન, ૨૦૨૦ના રોજ જેલમાં હાજર થવાનું હોવા છતાં આરોપી ફરાર થઈ ગયો હતો. જયારે ફારૂકબાવા ગત ૧૨ માર્ચ, ૨૦૨૦ના રોજ પેરોલ રજા પર મુકત થયો બાદમાં રજા વધારી હતી. આરોપી ફારૂકબાવાને ગત ૧૫ જૂન, ૨૦૨૦ના રોજ જેલમાં હાજર થવાનું હતું. સમય મર્યાદા મુજબ જેલમાં હાજર થવાની જગ્યાએ અમીન અને ફારૂક ફરાર થઈ ગયા હતા. ક્રાઈમ બ્રાંચે બાતમી આધારે અમીન ચોટેલીને મંગળવારે દરિયાપુરના જે. કે. પાન પાર્લર પરથી જયારે ફારૂકબાવાને દરિયાપુર મોલની પોળ પાસેથી બુધવારે ઝડપી લીધા હતા.

(12:54 pm IST)