Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

વલસાડ રૂરલ પોલીસે 1862 કિલો સરકારી ઘઉંનો જથ્થો પકડી પાડ્યો

વલસાડ રૂરલ પીએસઆઇ એન. ટી. પુરાણીની આગેવાનીમાં હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, કોન્સ્ટેબલ મયુરસિંહ કનકસિંહ, જીજ્ઞેશ પરેશભાઇ વગેરેએ ગુપ્ત બાતમીના પગલે વલસાડના વશીયર વિસ્તારમાં નાકાબંધી હાથ ધરી હતી

(કાર્તિક બાવીશી દ્વારા ) વલસાડ રૂરલ પોલીસે બાતમીના પગલે 1862 કિલો કથિત સરકારી ઘઉંનો જથ્થો લઇ જતા એક ટેમ્પાને ઝડપી પાડી ચા નાસ્તાની લારી ચાલકને પકડી પાડ્યો હતો. તેમજ તેમણે આ રિપોર્ટ વલસાડ મામલતદારને કરી દીધો હતો.

  વલસાડ રૂરલ પીએસઆઇ એન. ટી. પુરાણીની આગેવાનીમાં હેડ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ, કોન્સ્ટેબલ મયુરસિંહ કનકસિંહ, જીજ્ઞેશ પરેશભાઇ વગેરેએ ગુપ્ત બાતમીના પગલે વલસાડના વશીયર વિસ્તારમાં નાકાબંધી હાથ ધરી હતી. આ નાકાબંધીમાં તેમણે ત્યાંથી પસાર થતા ટેમ્પો નં. GJ15XX9828 ને અટકાવી તેમાંથી કહેવાતા સરકારી ઘઉંનો 1862 કિલો જેટલો જથ્થો પકડી પાડ્યો હતો. જેની કિંમત પોલીસે રૂ. 37,240ની આંકી હતી. આ ઘઉંનું બિલ ન હોવાના કારણે પોલીસે ટેમ્પો ચાલક જેવત સામજી ભાનુશાળી (ઉ.વ.50 રહે. પારનેરા)ની અટકાયત કરી હતી.

 આ જેવત પારનેરામાં ચા-નાસ્તાની લારી ચલાવતો હોવાનું તેની પુછતાછમાં બહાર આવ્યું હતુ અને તેણે આ જથ્થો સેગવીથી ભરાવ્યો હોવાનું જાણવા મળ્યું છે. આ સરકારી ઘઉંનો લોટ બનાવી તે છૂટક વેંચતો હોવાનું તેણે જણાવ્યું હતુ.જોકે, આ મામલે વધુ તપાસ માટે વલસાડ રૂરલ પોલીસે મામલતદારને રિપોર્ટ કર્યો છે.

(2:11 pm IST)