Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

અમદાવાદ સિવિલ હોસ્‍પિટલના ટ્રોમા સેન્‍ટરમાં 7 વર્ષની બાળા ઉપર હિપેટેક્‍ટોમી સર્જરી કરીને ડોક્‍ટરોએ ઐતિહાસિક સિદ્ધિ મેળવીઃ ટ્રેકટર ફરી વળતા ફેફસામાં ગંભીર ઇજા થઇ હતી

અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં સાત વર્ષની બાળકીની હિપેટેક્ટોમી જેવી મોટી સર્જરી કરી સિવિલના ડોક્ટરોએ ઐતિહાસિક સિદ્ધિ મેળવી છે. સામાન્ય રીતે આ પ્રકારની જટિલ સર્જરી બાળક પર ક્યારેય કરવામાં આવતી નથી, પરંતુ સાત વર્ષની બાળકીના કિસ્સામાં સિવિલના તબીબોએ આ પ્રકારની સર્જરી કર્યા વગર છૂટકો જ ન હતો.

હિપેટેક્ટોમી સર્જરીમાં શું હોય છે

આ પ્રકારની સર્જરીમાં લિવરનો ક્ષતિગ્રસ્ત હિસ્સો કાપી નાખવામાં આવે છે. આ ઘણી જટિલ સર્જરી છે. ફક્ત ક્ષતિગ્રસ્ત હિસ્સો જ કપાય તે રીતે ઓપરેશન કરવું બહુ અઘરુ છે, તેમા પણ સિવિલ હોસ્પિટલના ડોક્ટરોએ આટલી નાની બાળકી પર આ પ્રકારનું ઓપરેશન પ્રથમ વખત કર્યુ હતુ અને તે સફળ રહ્યુ હતુ. આ રીતે બાળકીને તેમણે નવજીવન બક્ષ્યું હતું.

સમગ્ર ઘટનાક્રમ એવો છે કે સાત વર્ષની રોશની અમદાવાદના વિંઝોલમાં પોતાના ઘરે પરત ફરી રહી હતી ત્યાં એકાએક ટ્રેક્ટર તેની તરફ ઘસી આવતા પેટ પર પૈડુ ફરી ગયુ. રોશનીને ઘણી ગંભીર ઇજા થઇ. તેના પિતાને ઇજાની જાણ થતા તેઓ 108 એમ્બ્યુલન્સમાં રોશનીને સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલ લઇ આવ્યા. ત્યાર બાદ જે થયુ તે સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ માટે ઐતિહાસિક સર્જરી બની રહી.

ટ્રેક્ટર ફરી વળતા રોશનીને ફેફસામાં ગંભીર ઇજા થઈ હતી

રોશની જ્યારે સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં 30મી સપ્ટેમ્બરે સારવાર માટે આવી ત્યારે અત્યંત ગંભીર અવસ્થામાં હતી.પેટના ભાગમાંથી સતત રક્તસ્ત્રાવ વહી રહ્યો હતો, જેને કાબૂમાં લેવું ખૂબ જ જરૂરી હતુ. સોનોગ્રાફી કરતા લીવરના ભાગમાં તેમજ ડાબી બાજુના ફેફસામાં અતિ ગંભીર ઇજા થઇ હોવાનું માલુમ પડ્યુ. રોશનીના પેટમાંથી સતત રક્તસ્ત્રાવ થઇ રહ્યો હતો. આ રક્તસ્ત્રાવને અટકાવવા આકસ્મિક સંજોગોમાં સાત વર્ષીય રોશનીની સર્જરી કરવી પડી.

સિવિલ સર્જરી વિભાગના તબીબ મૌલિક મહેતા અને તેમની ટીમ તેની સાથે સિવિલ સંકુલની કિડની હોસ્પિટલના લીવર ટ્રાન્સપ્લાન્ટના નિષ્ણાંત તબીબ ડૉ. વૈભવ સુતરિયાના માર્ગદર્શન હેઠળ સાત વર્ષીય રોશનીની સર્જરી હાથ ધરવામાં આવી.

આ સર્જરી કે જેને હિપેટેક્ટોમી તરીકે ઓળખવામાં આવે છે જેમાં દર્દીના લીવરનો અમૂક ભાગ કાપી દેવામાં આવે છે તે સાત વર્ષીય રોશની પર હાથ ઘરવામાં આવી. સતત વહેતો રક્તસ્ત્રાવ તેમજ અન્ય ભાગ પર ઇન્ફેક્શન થતુ અટકાવવા માટે તે ખૂબ જ જરૂરી બની રહ્યુ હતુ જેથી હિપેટેક્ટોમી કરીને રોશનીને પીડામુક્ત કરવામાં આવી. તેની સાથે ફેફસામાં થયેલી ઇજાની સારવાર માટે ત્યાં એક નળી મૂકવામાં આવી હતી.

સર્જરી કેમ કરવી પડી

સર્જરી વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડૉ. મૌલિક મહેતા કહે છે કે સીટી સ્કેનના રિપોર્ટમાં ડાબી બાજુના લીવરનો ભાગ સંપૂર્ણપણે નેટ્રોસ એટલે કે કાળો પડી ગયા હોવાનું માલૂમ પડ્યુ હતું. આકસ્મિક પરિસ્થિતિમાં લોહી ચઢાવ્યા બાદ પણ જોઇએ તે પ્રમાણમાં સુધાર આવી રહ્યો ન હતો. હિમોગ્લોબીન પણ સાત થઈ જતા પેટના ભાગમાં દુખાવો વધવા લાગ્યો. આ તમામ કારણોસર જ હિપેટેક્ટોમી કરવામાં આવી. હિપેટેકટોમી કરીને રોશનીના લિવરનો અમૂક ભાગ કાપી નાંખવામાં આવ્યો, જે બે થી ત્રણ મહિનામાં કુદરતી રીતે આપમેળે પૂર્વવત થઇ જશે.

આજે સર્જરીને 12 દિવસ થઇ ગયા છે અને રોશની સંપૂર્ણપણે સ્વસ્થ છે અને ઘરે પરત ફરશે. સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં સાત વર્ષીય બાળકી પર હિપેટેક્ટોમી કરીને લીવરો ભાગ કાપવામાં આવ્યો હોય અને તે સંપૂર્ણપણે સ્વસ્થ થઇ ઘરે પરત ફરી હોય તેવી સિવિલ હોસ્પિટલના ઇતિહાસમાં આ સૌપ્રથમ ઘટના હોવાનું ડૉ. મહેતા ઉમેરે છે.

સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.જે.પી.મોદી કહે છે અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગમાં નિરંતરે અત્યંત જટિલ પ્રકારની સર્જરીઓ હાથ ધરવામાં આવે છે. સમગ્ર ગુજરાતભરમાંથી સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક પરિસ્થિતિઓમાં ટ્રોમા સેન્ટરમાં દર્દીઓ સારવાર અર્થે આવે છે. ગત સપ્ટેમ્બર માસમાં જ અમદાવાદ સિવિલ હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા 325 આકસ્મિક સર્જરીઓ હાથ ધરવામાં આવી છે.

(5:24 pm IST)