Gujarati News

Gujarati News

News of Thursday, 15th October 2020

આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત: બજારમાં સોશિયલ ડીસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા

આણંદ:જિલ્લામાં છેલ્લા પખવાડિયાથી કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે નાગરિકો પણ હવે કોરોના અંગે ઘોર બેદરકારી દાખવી રહ્યા હોવાના દ્રશ્યો આણંદ શહેરના બજારોમાં જોવા મળી રહ્યા છે. ખાસ કરીને શહેરના હાર્દસમા જુના બસ મથક નજીક આવેલ ટૂંકી ગલી તહેવારોને લઈ ભીડથી ઉભરાઈ રહી છે અને સોશિયલ ડિસ્ટન્સના લીરેલીરા ઉડી રહ્યા છે. અત્રે આવતા વેપારીઓ સહિત ગ્રાહકો દ્વારા માસ્ક નહિ પહેરી નિયમોનું ઉલ્લંઘન કરાતું હોવાની ફરિયાદ ઉઠી છે.

કોરોનાનું સંક્રમણ અટકાવવા માટે સરકાર દ્વારા ઘરની બહાર નીકળતી વખતે ફરજીયાત માસ્ક પહેરવા નિયમ બનાવાયો છે. સાથે સાથે ભીડ એકત્ર ન થાય અને સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે અંગે પણ નિયમો બનાવી દંડનીય જોગવાઈ કરવામાં આવી છે. જો કે આણંદ શહેરના બજારોમાં આ નિયમો માત્ર કાગળ પર રહી ગયા હોવાનો રોષ જાગૃતોએ ઠાલવ્યો છે. નવરાત્રિ પર્વની સાથે જ તહેવારોની સીઝન શરૃ થવાની છે ત્યારે આણંદ શહેરના બજારોમાં ચહલપહલ વધી જવા પામી છે. સવારે તેમજ સાંજના સુમારે આણંદ શહેરના પૂર્વ ભાગમાં આવેલ સુપરમાર્કેટ તથા ટૂંકી ગલીમાં ગ્રાહકોની ભીડ ઉમટી પડે છે. ખાસ કરીને ટૂંકી ગલીમાં ગ્રાહકોની ભારે ભીડ જોવા મળે છે અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન થતું હોવાના દ્રશ્યો સર્જાયા છે. ત્યારે સ્થાનિક તંત્ર દ્વારા પણ આ મામલે આંખ આડા કાન કરવામાં આવતા તંત્રની કામગીરી સામે અનેક સવાલો ઉઠયા છે. એકતરફ જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે ટૂંકી ગલી વિસ્તારમાં વેપારીઓ તેમજ ગ્રાહકોની ઘોર બેદરકારી મોટી આફતને નોંતરી શકે છે તેવો સૂર જાગૃતોએ વ્યકત કર્યો છે. સંબંધિત તંત્ર દ્વારા આ મામલે યોગ્ય કાર્યવાહી કરી સઘન પેટ્રોલીંગ હાથ ધરી સરકારના નિયમોની ઐસી-તૈસી કરતા વેપારીઓ તેમજ ગ્રાહકો સામે લાલ આંખ કરવામાં આવે તવી માંગ પ્રબળ બની છે.

(5:35 pm IST)