Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

વડોદરા : પરિવારજનો બન્નેના લગ્ન કરાવવા સમંત થતા દુષ્કર્મના આરોપીના જામીન મંજુર

બંને પુખ્ત વયના થાય ત્યારે તેમના લગ્ન કરાવી દેવાશે તેવી રજુઆત કરતા હાઇકોર્ટે જામીન મંજુર કર્યા

 

અમદાવાદ: વડોદરામાં સગીર વયના આરોપી દ્વારા સગીર વયની કિશોરી સાથે કરવામાં આવેલા દુષ્કર્મ કેસમાં બંને પક્ષના પરિવારજનોએ આરોપી અને પીડિતા પુખ્ત વયના થાય ત્યારે તેમના લગ્ન કરાવી દેવાશે તેવી રજુઆત કરતા ગુજરાત હાઈકોર્ટે આરોપીના જામીન મંજુર કર્યા છે.

ગુજરાત હાઈકોર્ટના જસ્ટિસ એ.એસ. સુફૈયાએ નોંધ્યું હતું કે આ કેસમાં ચાર્જશીટ દાખલ થઈ ચૂકી છે, જેથી પુરાવા સાથે કોઈપણ પ્રકારના ચેડાં થઈ શકશે નહિ. કોર્ટે કેટલાક મુદાઓને પણ ધ્યાને લીધા છે જેમાં આ કેસની ફરિયાદીએ ટ્રાયલ કોર્ટ સમક્ષ સોગંદનામું રજૂ કરતા જણાવ્યું હતું કે આરોપી સામે FIR ગેરસમજને લીધે કરવામાં આવી હતી. બંને પક્ષના પરિવારજનોએ આરોપી અને પીડિતા પુખ્ત થાય તો તેમના લગ્ન કરાવવાની રજુઆત પણ કોર્ટ સમક્ષ કરી હતી. ગુનાના સમયે પીડિતાની ઉંમર 16 વર્ષ અને 4 મહિના હતી.

અગાઉ આરોપીના વકીલે વડોદરા સેશન્સ કોર્ટમાં રજુઆત કરી હતી કે બંને આરોપી અને પીડિતા એકબીજાના પ્રેમમાં હતા. આ અંગેના ફોટો અને મેસેજ પણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જોકે વડોદરા સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવી દેતા નોંધ્યું હતું કે માત્ર સહમતી એફિડેવિટ રજૂ કરી દેવાથી ગુનાની ગંભીરતા ઓછી થઈ જતી નથી. હાઈકોર્ટે આરોપીને 15,000 રૂપિયાના પર્સનલ બોન્ડ પર જામીન મુક્ત કર્યો છે અને તેને ગુજરાત બહાર જતા પહેલા ટ્રાયલ કોર્ટની મંજૂરી લેવાનો આદેશ કર્યો છે.

આ સમગ્ર કેસની વિગત એવી છે કે વર્ષ 2020ની શરૂઆતમાં વડોદરા લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદી દ્વારા આરોપી સામે પીડિતાને વાલીપણામાંથી ભગાડી જવાની, દુષ્કર્મની અને પોકસોની વિવિધ કલમ હેઠળ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેના આધારે પોલીસે 3 એપ્રિલના રોજ આરોપીની ધરપકડ કરી હતી.

(નોંધ – બંને આરોપી અને પીડિતા સગીર વયના હોવાથી તેમની ઓળખ ગુપ્ત રાખવામાં આવી છે)

(8:29 am IST)