Gujarati News

Gujarati News

News of Friday, 16th October 2020

કોરોનાકાળમાં પેટાચૂંટણીનું મતદાન 'ઠંડુ' રહેવાના એંધાણ

રાજકીય ધમધમાટ શરૂ પણ મતદાન દરમિયાન કોરોના ભારે પડે તેવી શકયતા : મતદારોને ઘરમાંથી બહાર કાઢવા રાજકીય પક્ષોએ પરસેવો પાડવો પડશે : પક્ષપલ્ટુ ઉમેદવારો અને કરોડોની લેતીદેતીના આક્ષેપોથી મતદારો પણ નારાજ - અવઢવમાં : કોઇ એવા મુદ્દા પણ નથી કે મતદારો આકર્ષાય

ગાંધીનગર તા. ૧૬ : ગુજરાતમાં વિધાનસભાની ૮ બેઠકની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની જાહેરાત અને ફોર્મ ભરવા સાથે રાજકીય ધમધમાટ શરૂ ગયો છે, પરતુ મતદાન કરવાથી સંક્રમિત થવાશે તેવી ભીતિથી મતદારો મોટાપાયે મતદાન કરવાથી દૂર રહે તેવો અંદાજ રાજકીય વર્તુળોમાં જ મૂકાઇ રહ્યો છે. મતદારો મતદાન કરવા બહાર નીકળે તે માટે તેમને ખાસ સમજાવટ અને અપીલો કરવી પડશે અન્યથા કોઇપણ પક્ષને અણધાર્યો ફાયદો કે નુકસાન થઇ જાય તેવી સ્થિતિ સર્જાઇ શકે છે. ખાસ કરીને ભાજપ માટે આ પેટા ચૂંટણીના પરિણામ સૂચક બનવાના છે ત્યારે કોરોનાના માહોલમાં યોજાતી ચૂંટણીઓમાં વધુ મતદાન કરાવવા ભાજપના કાર્યકરો ઉપર અત્યારથી જ દબાણ થઇ રહ્યું છે.

આઠ વિધાનસભા બેઠક અબડાસા, લીંબડી, ધારી, ગઢડા, મોરબી, કરજણ, કપરાડા અને ડાંગ માટે ૩ નવેમ્બરે મતદાન થવાનું છે ત્યારે પક્ષના ટોચના નેતાઓથી લઇને પેજ પ્રમુખ કાર્યકરો માટે મતદારોને કેવી રીતે કોરોનાના ખતરા વચ્ચે મતદાન મથક સુધી ખેંચી લાવવા તે પ્રશ્ન સતાવી રહ્યો છે. મતદાનના દિવસે અત્યાર સુધી પરંપરાગત વાહન, નાસ્તો જેવી અન્ય લોભામણી લાલચ કોરોનાના ખતરાને જોતા મોટાભાગના મતદારો નકારી કાઢે તેવી પૂરેપૂરી શકયતા છે. આમ પણ હાલ મંદી જેવું વાતાવરણ છે અને લોકો ધંધા-રોજગાર ટકાવી રાખવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે તેની વચ્ચે ચૂંટણીઓ યોજાઇ રહી છે. બીજી તરફ પક્ષ પલટુ ઉમેદવારો અને કરોડો રૂપિયાની લેતીદેતીના આક્ષેપો વચ્ચે યોજાઇ રહેલી ચૂંટણીથી જે તે પક્ષના કમિટેડ મતદારો પણ મોં ફેરવી રહ્યાં છે. કેટલીક બેઠકો ઉપર મતદારો ભારે દ્વિધામાં છે કે, ભાજપમાંથી ઉભા રહેલા મૂળ કોંગ્રેસી ઉમેદવાર માટે વોટીંગ કરવું કે પછી કોંગ્રેસના એવા ઉમેદવાર માટે વોટીંગ કરવું? જે ચૂંટાય તો ભવિષ્યમાં સંભવિત ભાજપનો ઉમેદવાર પણ બની શકે છે. તે સાથે પેટા ચૂંટણી હોવાના કારણે કોઇ સ્થાનિક સિવાય કોઈ મોટા રાજય સ્તર કે રાષ્ટ્ર સ્તરના મુદ્દાઓ નથી કે ચૂંટણીનો માહોલ સર્જાઇ શકે. તો હાલના ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં જશે ત્યારે તેમને મતદારોના સવાલોના જવાબ આપવામાં કેવા ફાંફા પડે છે તેનાથી પણ લોકોના મનમાં શુંચાલા રહ્યુ છ તેનોપરચાં મળી જશે.

બીજી તરફ જે રીતે કોરોનાના કેસ હજુ નોંધપાત્ર રીતે નોંધાઇ રહ્યાં છે. તેના કારણે ૩ નવેમ્બરે મતદારો મતદાન કરવા કેટલી સંખ્યામાં બહાર નીકળશે તે પ્રશ્ન અત્યારથી ઉમેદવારો અને કાર્યકરો માટે શિરદર્દ સમાન બની રહ્યો છે. કોરોનાના ખતરાની વચ્ચે બહાર નીકળવું, મતદાન મથકમાં લાઇનમાં ઉભા રહેવું અને ઇવીએમ થકી મતદાન કરવું તે તમામ પ્રક્રિયામાં જે મતદારોને કોરોના થવાનો ભય લાગશે તેવો મોટો વર્ગ મોટાભાગે ઘરમાં જ પૂરાઇ રહેશે તેમ રાજકીય કાર્યકરો પણ માની રહ્યાં છે. આ વિસ્તારોમાં જે મતદારોના ઘરે કે નજીકના વર્તુળોમાં કોરોના થઇ ગયો હશે તેવો વર્ગ પણ મતદાનથી દૂર રહેશે તે નિશ્ચિત છે.

સામાન્ય રીતે વધુ મતદાન થાય તેમ પરિણામમાં ભાજપને ફાયદો થતો હોવાનું ચલણ રહેલું છે. આ સંજોગોમાં ખાસ કરીને ભાજપ માટે કેટલીક બેઠકો ઉપર પક્ષ પલટુઓને ટિકિટ આપવા સાથે કમિટેડ મતદારોને મતદાન કરવા બહાર લાવવવાનો બેવડો પડકાર રહેશે તેમ પક્ષમાં અંદરખાને ચર્ચાઇ રહ્યું છે. તે સંજોગોમાં ભાજપ તેનો કેવી રીતે સામનો કરશે તેની પણ હવે કસોટી થવાની છે.

(10:28 am IST)